• Home
  • News
  • પંતને મળી ગુસ્સો કરવાની સજા:અમ્પાયર સાથે ગેરવર્તણૂક બદલ DCનો કેપ્ટન પંત, શાર્દૂલ ઠાકુર અને કોચ પ્રવીણ આમરે દંડાયા
post

કોચ પ્રવીણ આમરે પર 100% મેચ ફી અને એક મેચનો પ્રતિબંધ

Written By newsonline | Ahmedabad | Published: 2022-04-23 15:46:10

મુંબઈ: દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રિષભ પંત, ઝડપી બોલર શાર્દૂલ ઠાકુર અને સહાયક કોચ પ્રવીણ આમરે પર IPLની આચારસંહિતાના ઉલ્લંઘનને કારણે દંડ ફટકારવામાં આવ્યો છે. પંત પર મેચ ફીના 100% દંડ કરવામાં આવ્યો છે. ઠાકુર પર મેચ ફીના 50% દંડ અને આમરે પર 100% મેચ ફી અને તેને એક મેચ માટે સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યો છે. ત્રણેય મેમ્બરે પોતાનો ગુનો કબૂલ કરી લીધો છે. IPL 2022માં શુક્રવારે દિલ્હી અને રાજસ્થાન વચ્ચે રમાયેલી મેચમાં નો બોલ બાબતે દિલ્હીના પ્લેયર્સ અમ્પાયર સાથે બાખડ્યા હતા, તેઓ એમ્પાયરના નિર્ણયથી નાખુશ હતા, જેથી તેમણે એમ્પાયર સાથે ઉગ્ર ચર્ચા કરી હતી, સાથે જ દિલ્હીના કેપ્ટન રિષભ પંતે તો ટીમના પ્લેયરને ડગઆઉટમાં પાછા આવવાનું પણ કહી દીધું હતું. IPLએ શનિવારે એક નિવેદન જાહેર કરીને આ બાબતની જાણકારી આપી છે.

પંત પર IPL આચારસંહિતાના લેવલ-2 હેઠળ આર્ટિકલ 2.7 નિયમના ઉલ્લંઘન કરવામાં દોષી ગણવામાં આવ્યો છે, જ્યારે શાર્દૂલ ઠાકુરને લેવલ-2 હેઠળ આર્ટિકલ 2.8 નિયમના ભંગનો દોષી ગણવામાં આવ્યો છે. કોચ પ્રવીણ આમરેને આચારસંહિતાના લેવલ-2 હેઠળ આર્ટિકલ 2.2 નિયમના ભંગ બદલ દોષી ગણવામાં આવ્યા છે.

છેલ્લી ઓવરમાં વિવાદ થયો
મેચની છેલ્લી ઓવરમાં દિલ્હીને 36 રનની જરૂર હતી. દિલ્હી તરફથી રોવમેન પોવેલ અને કુલદીપ યાદવ ક્રીઝ પર હતા. આ દરમિયાન બોલિંગની જવાબદારી ઓબેદ મેકકોય પાસે હતી.

·         પોવેલે પહેલા 3 બોલમાં સતત 3 સિક્સર ફટકારીને મેચને રોમાંચક બનાવી દીધી હતી.

·         ત્રીજો બોલ નો-બોલ માટે તપાસવામાં આવ્યો હતો, પરંતુ અમ્પાયરે નો-બોલ આપ્યો ન હતો.

·         ત્યાર પછી દિલ્હીના કેપ્ટન રિષભ પંત ખૂબ ગુસ્સે થઈ ગયો. તેણે મેદાન પર હાજર બંને બેટરને પણ પાછા આવવા કહ્યું.

·         જોકે ત્યાર પછી સહાયક કોચ પ્રવીણ આમરે પિચ પર આવ્યા અને મામલો શાંત પાડ્યો હતો.

 

પંતે મેચ પછી પણ વિવાદ અંગે ઘટસ્ફોટ કર્યો
પોસ્ટ મેચ પ્રેઝન્ટેશન દરમિયાન પંતે કહ્યું હતું કે મને લાગે છે કે રાજસ્થાને સારી બોલિંગ કરી હતી, પરંતુ પોવેલે ક્યાંક મેચ અમારી તરફેણમાં ફેરવી દીધી હતી. થર્ડ અમ્પાયરે કે કોઈએ ચેક કરવું જોઈએ કે નો બોલ છે, પણ એ મારા કંટ્રોલમાં નથી, તેથી હું કંઈ કરી શકતો નથી. આવું થવું ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. અમે વધુ સારી બોલિંગ કરી શક્યા હોત, પરંતુ એ રમતનો એક ભાગ છે. હું મારા ખેલાડીઓને કહીશ કે વધુ વિચાર ન કરો અને આગામી મેચ માટે તૈયારી કરો.