• Home
  • News
  • સૌરાષ્ટ્રભરના દર્દીઓને લાભ મળશે:સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ સિવિલની 700 બેડની જનાના હોસ્પિટલને મળ્યું ફાયર NOC, BU પરમિશન મળતા લોકાર્પણ કરાશે
post

આ હોસ્પિટલમાં 700 બેડની સુવિધા છે. એજન્સી મારફત મોટાભાગની કામગીરી થઈ ગઈ છે.

Written By newsonline | Ahmedabad | Published: 2024-01-29 20:24:50

સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટની સિવિલ હોસ્પિટલમાં આવેલી જનાના હોસ્પિટલને ફાયર NOC મળ્યું છે. બિલ્ડિંગમાં જરૂરી સુધારા-વધારા કર્યા બાદ ફાયર વિભાગ દ્વારા NOC આપવામાં આવ્યું છે. હાલ બિલ્ડિંગ યુઝ (BU) પરમિશન મેળવવાની કામગીરી ચાલુ કરાઇ છે. ટૂંક સમયમાં આ પરમિશન મળ્યા બાદ લોકાર્પણ માટેનો નિર્ણય લેવામાં આવશે. 700 બેડની હોસ્પિટલ શરૂ થતા સૌરાષ્ટ્રભરના દર્દીઓને લાભ મળશે.

એજન્સી મારફત મોટાભાગની કામગીરી થઈ ગઈ
સિવિલ હોસ્પિટલના અધિક્ષક આર.એસ. ત્રિવેદીએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ એટલે રાજકોટની પીડીયુ (સિવિલ) હોસ્પિટલ અને આ હોસ્પિટલની સૌથી મોટી હોસ્પિટલ એટલે જનાના હોસ્પિટલ. આ હોસ્પિટલ નિર્માણધિન છે. આ હોસ્પિટલમાં 700 બેડની સુવિધા છે. એજન્સી મારફત મોટાભાગની કામગીરી થઈ ગઈ છે.

BU પરિમશન આવતા બિલ્ડિંગનો યુઝ કરી શકાશે
વધુમાં જણાવ્યું હતું કે, આ હોસ્પિટલની ફાયર NOCની પ્રોસેસ બાકી હતી પણ ફાયર NOC પણ મળી ગયું છે. એટલે મોટાભાગનું કામ પૂર્ણ થઈ ગયું છે. હવે BU પરિમશન બાકી છે. આ પ્રક્રિયા પણ પ્રોસેસમાં છે અને ટૂંક સમયમાં BU પરમિશન આવી જશે. પછી અહીંથી શિફ્ટિંગનું કામ પૂર્ણ કરીને લોકાર્પણની પ્રક્રિયા હાથ ધરાશે. આ બધી પ્રોસેસ એકવાર પૂર્ણ થઈ જાય પછી રાઉન્ડ થશે, બાદમાં BU પરિમશન આવતા બિલ્ડિંગનો યુઝ કરી શકાશે. આ ટૂંક સમયની વાત છે. વધુમાં વધુ 15થી 20 દિવસમાં આ બધી પ્રોસેસ થઈ જશે.

15-20 દિવસમાં તમામ પ્રક્રિયાઓ પૂર્ણ થશે
કોઈ પણ નવા બનેલા બિલ્ડિંગનો ઉપયોગ કરવા માટે BU પરમિશન મહાનગરપાલિકા પાસેથી લેવાની હોય છે. ફાયર NOC મળ્યા બાદ તરત જ તેના માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ માટે મનપાનાં અધિકારીઓ દ્વારા વિઝિટ કરવામાં આવશે. બાદમાં પરમિશન આપવામાં આવશે. ફાયર NOC મેળવવા માટે બિલ્ડિંગમાં કેટલાક સુધારા કરવા પડ્યા હોવાથી તેમાં સમય લાગ્યો હતો. પરંતુ BU પરમિશન માટે વધુ સમય લાગે તેમ નથી અને 15-20 દિવસમાં તમામ પ્રક્રિયાઓ પૂર્ણ થશે. ત્યારબાદ બાળકોની હોસ્પિટલ અને જનાના હોસ્પિટલનાં સાધનોનું શિફ્ટિંગ કરી લોકાર્પણ માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

MCH હોસ્પિટલમાં આવી સગવડતા હશે
સૌરાષ્ટ્ર-કચ્છની પ્રસૂતાઓ અને નજાવત બાળકોને એક છત નીચે સંપૂર્ણ સારવાર સાથેના 'મેટરનિટી એન્ડ ચાઈલ્ડ હેલ્થ' એટલે કે MCH હોસ્પિટલની કામગીરી પૂર્ણતાને આરે છે. અંદાજે રૂ. 100 કરોડનાં ખર્ચે બનેલી ગુજરાતની આ સૌથી ઊંચી હોસ્પિટલમાં 700 બેડ અને 8 ઓપરેશન થિયેટર સહિતની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તેમજ સૌરાષ્ટ્રની પ્રથમ મિલ્ક બેન્ક, ટ્રાઈએઝ, થ્રી લેયર એનઆઈસીયુ, ડીઈઆઈસી, એનઆરસી પ્લે ગ્રાઉન્ડ સહિતની સુવિધાઓ પણ કેમ્પસમાં કરવામાં આવી છે.

મોડ્યુલર 8 ઓપરેશન થીએટર
રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે દર વર્ષે 8 હજારથી વધુ ડિલિવરી કરવામાં આવી રહી છે, જેમાં નોર્મલ ડિલિવરી માટે આ હોસ્પિટલ વિવિધ તકનિક સાથેનું રોલ મોડેલ બની રહેશે. અહીં મોડ્યુલર 8 ઓપરેશન થીએટર, સ્ત્રીરોગની સારવાર, સુપર સ્પેશિયાલિટીઝ ડોક્ટર્સની ટીમ સાથે ઝીરો રેફરલ પોલિસી અપનાવાશે. પીઆઈયુની કામગીરી પૂર્ણ થવામાં છે. આ સાથે અલગથી વીજલાઈન, પાવર બેકઅપ માટે જનરેટર, ઓક્સિજન લાઈન, દર્દીના સગા માટે કેન્ટિનની વ્યવસ્થા વગેરે સવલતો પણ ઉભી કરવામાં આવી છે.

100 બેઠકનું ટ્રેનિંગ સેન્ટર બનાવવામાં આવ્યું
MCH હોસ્પિટલમાં પીડિયાટ્રિક વિભાગમાં નવજાત શિશુની સારવાર માટે એનઆઈસીયુ ત્રણ લેવલમાં ઊભું કરવામાં આવ્યું છે. નવજાત શિશુ અને માતાની સારવાર માટે એક જગ્યાએ અલાયદો વોર્ડ, બાળકો માટે વેન્ટિલેટર સાથે 25 બેડનું આઈસીયુ, મોટી ઉંમરના બાળકો માટે 44 બેડનું હાઈ ડિપેન્ડન્સી યુનિટ, પોર્ટેબલ સોનોગ્રાફી, ઇકો કાર્ડિયોગ્રાફી મશીન સુવિધાઓ, ભારત સરકારની ઓપરેશનલ ગાઈડલાઈન મુજબનું ગુજરાતનું પ્રથમ શારીરિક અને માનસિક રીતે અસ્વસ્થ બાળકોની સારવાર માટેનું ડીઈઆઈસી સેન્ટર, તેમજ કુપોષિત બાળકોના વજન વધારવા માટેનું 25 બેડનું એનઆર સેન્ટર, હિમોફેલિયા અને થેલેસેમિયાગ્રસ્ત બાળકોને લોહી ચડાવવા માટેનો અલાયદો વિભાગ, પીડિયાટ્રિક ન્યુરો સર્જિકલ અને સર્જિકલ વિભાગ તેમજ NICUની ટ્રેનિંગ માટે 100 બેઠકનું ટ્રેનિંગ સેન્ટર ઉપલબ્ધ કરવામાં આવ્યું છે.

18 બેડનો પ્રસુતિ રૂમ
આ હોસ્પિટલમાં મેડિકલ કાઉન્સિલની ગાઈડલાઈન મુજબ, સૌરાષ્ટ્ર-કચ્છના દર્દીઓની સંખ્યાને પહોંચી વળવા સાથે ઉત્તમ સારવાર મળી રહે તે માટે 370 બેડ સાથેનો ગાયનેક વિભાગ ડિઝાઈન કરાયો છે. ગ્રાઉન્ડ ફ્લોર પર દર્દીનું રજિસ્ટ્રેશન, વેઇટિંગ કમ નોલેજ શેરિંગ, પ્રસુતિ અને સ્ત્રીરોગ ઇમરજન્સી સારવાર અર્થે 6 બેડનો ટ્રાએજ એરિયા, મમતા ક્લિનિક ઉપરાંત સોનોગ્રાફી, બ્લડ ટેસ્ટ સહિતની સુવિધા એક જ ફ્લોર પર ઉભી કરવામાં આવી છે. અન્ય ફ્લોર પર 9 ઓપરેશન થીએટર બ્લોક, 18 બેડનો આગમન કક્ષ (પ્રસુતિ રૂમ), રિસ્કી ડિલિવરી માટે ક્વોલિફાઈડ નર્સિસ દ્વારા ચાર બેડનો મીડ વાઈફ લેડ કેર યુનિટ પણ તૈયાર કરવામાં આવ્યું છે.

અહીં 4 ન્યુ બોર્ન કોર્નર હશે
એટલું જ નહીં અહીં 4 ન્યુ બોર્ન કોર્નર કે જ્યાં નવજાત બાળકની સારવાર, પ્રથમ 1000 દિવસ સર્ટિફિકેશન મુજબ અલગ લેબર રૂમ, મમતા ક્લિનિક ઓપીડી સહિત ઓલ ઈન વન સ્ટોપ સ્ટેશન, ગાયનેક ઓપીડી કે જેમાં કેન્સર ક્લિનિક, મેનોપોઝલ ક્લિનિક, કુટુંબ નિયોજન ઓપીડી જેવા વિભાગો અલાયદા ઉભા કરવામાં આવ્યા છે. દર્દીઓની સુવિધા અર્થે અનુપ્રસૂતિઅને પૂર્વ પ્રસૂતી અને સ્ત્રીરોગ વોર્ડ વિભાગ ડિઝાઈન એનએમસી ગાઈડલાઈન, 1000 ડેઝ અને મિડવાઈફ કન્સેપ્ટને ધ્યાને લઈને કરવામા આવ્યા હોવાથી સાચા અર્થમાં જરૂરિયાતમંદ મહિલા અને બાળ દર્દીઓની સારવાર માટે આ હોસ્પિટલ મહત્વની બની રહેશે.


adv

Related News

post
post
post
post
post
post
post