• Home
  • News
  • ચર્ચા-અફવાઓ પર પૂર્ણ વિરામ:સી.આર પાટીલે જાહેરસભામાં ખુલાસો કરવો પડ્યો કે, મુખ્યમંત્રી તો રૂપાણી જ છે અને રહેશે
post

સીએમ બદલાવવાની ચર્ચા સામે લીંબડીની જાહેરસભામાં ખુલાસો

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-29 10:38:44

મંત્રીમંડળમાં ફેરફાર, મુખ્યમંત્રી બદલાવાની તથા રૂપાણી-પાટીલ વચ્ચેની કૉલ્ડવૉરની ચર્ચા પર ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે લીંબડીની જાહેર સભામાં પૂર્ણવિરામ મૂકી સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું હતું કે વિજય રૂપાણી મુખ્યમંત્રી છે અને આગામી સમયમાં પણ મુખ્યમંત્રી જ રહેશે. મુખ્યમંત્રી રૂપાણીએ જાહેરસભામાં ભાજપ સરકારનાં પ્રજાલક્ષી કાર્યો વર્ણવીને કૉંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા.

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, કેન્દ્ર સરકારે કૃષિ બિલ પસાર કરી ખેડૂતો માટે મહત્ત્વનો નિર્ણય લીધો છે. મહાત્મા ગાંધીની કૉંગ્રેસ તો ક્યારની ખતમ થઈ ગઈ છે. આ તો રાહુલ ગાંધીની કૉંગ્રેસ છે. ગુંડાઓ અંગે અમે કાયદો લાગુ કર્યો હતો ત્યારે કૉંગ્રેસે તેનો વિરોધ કર્યો હતો. ગુંડાઓ શું કૉંગ્રેસના માસીના દીકરા છે?

બીજી તરફ લોકસભાની ટિકિટ કપાતા ભાજપ સામે બાંયો ચડાવનારા પૂર્વ સાંસદ દેવજી ફતેપરાની હાજરીથી ભાજપમાં જ આશ્ચર્ય સર્જાયું હતું. સભા શરૂ થઈ ત્યારે ફતેપરાને સ્ટેજ ઉપર સ્થાન મળ્યું નહોતું, પરંતુ મુખ્યમંત્રીની નજર પડ્યા બાદ સ્ટેજ પર બોલાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા ચેક રિટર્ન કેસમાં કોર્ટે દેવજી ફતેપરાને 3 વર્ષની જેલની સજા ફટકારી હતી.

રાજીવ સાતવનો ટોણો: ભાઉઅને ભાઈની લડાઇમાં બિચારા કાકાપિસાઇ રહ્યા છે
કોંગ્રેસના ગુજરાત પ્રભારી રાજીવ સાતવ રાજ્યની પેટાચૂંટણીના પ્રચાર માટે પ્રવાસ કરી રહ્યા છે. તે દરમિયાન તેમણે કહ્યું હતું કે, ‘ભાઉઅને ભાઇની લડાઇમાં બિચારા કાકા પિસાઇ રહ્યા છે. કોંગ્રેસ પ્રભારીએ આમ કહીને ભાજપ અધ્યક્ષ સી,આર. પાટીલ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી વચ્ચે લડાઇ ચાલી રહી છે અને તેમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મૂંઝવણ અનુભવી રહ્યા છે તેવો ઇશારો કર્યો હતો.

સાતવે એમ પણ કહ્યું કે, જે મુખ્યમંત્રી પોતાના નાયબ મુખ્યમંત્રીનો ચંપલ પડવા મામલે બચાવ યોગ્ય રીતે કરી નથી શકતા તેમને પદ પર રહેવાનો અધિકાર નથી. પેટાચૂંટણી પછી રૂપાણી કોઇ રાજ્યના ગવર્નર બની જાય તો ઠીક અથવા માત્ર પૂર્વ મુખ્યમંત્રી જ રહી જાય નહીં તે પણ તેમણે જોવું જોઇશે. રૂપાણી ભાઉના ભાજપ અધ્યક્ષ બનવા પાછળ પણ કોંગ્રેસનો હાથ છેતેમ કહે તો પણ નવાઈ નહીં.

 

adv

Related News

post
post
post
post
post
post
post