• Home
  • News
  • રિયોના પેરા ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતેલા મરિયપ્પને કહ્યું- લોકો સંઘર્ષને ભૂલી જાય છે પણ રેકોર્ડ ઇતિહાસ બની જાય છે
post

રોહિત શર્મા, વિનેશ ફોગાટ, મનિકા બત્રા અને મરિયપ્પન થંગાવેલુને રાજીવ ગાંધી ખેલરત્ન એવૉર્ડ

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-19 09:27:22

ક્રિકેટર રોહિત શર્મા, પહેલવાન વિનેશ ફોગાટ, રિયો પેરાલિમ્પિકના ગોલ્ડ મેડલ વિનર મરિયપ્પન થંગાવેલુ અને ટેબલ ટેનિસ પ્લેયર મનિકા બત્રાને આ વર્ષના રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કારથી નવાજાશે. 2016 બાદ પહેલી વાર આ પુરસ્કાર અપાઇ રહ્યા છે. પુરસ્કાર મળતાં હાઇ જમ્પર મરિયપ્પને ખુશી વ્યક્ત કરતા કહ્યું, ‘મારું એક જ લક્ષ્ય હતું- હાઇ જમ્પમાં રેકોર્ડ બનાવું. લોકો સંઘર્ષ ભૂલી જાય છે પણ રેકોર્ડ ઇતિહાસ બની જાય છે.વાંચો મરિયપ્પનના સંઘર્ષની કહાણી...

માતાએ શાકભાજી વેચીને મોટો કર્યો, 2 કરોડ મળ્યા તો તેમને ખેતર અપાવ્યું
હું તમિલનાડુના સેલમથી 50 કિ.મી. દૂર પેરિયાવદગમ્પતિ ગામનો છું. પિતાનું છત્ર બાળપણમાં જ ગુમાવ્યું, માતા સરોજાદેવી રોજમદાર હતી. હું 5 વર્ષનો હતો ત્યારે સ્કૂલે જતી વખતે બસની ટક્કર વાગતાં મારો જમણો પગ કચડાઇ ગયો. મારા પગ ઢીંચણ નીચેથી સંપૂર્ણપણે ખરાબ થઇ ગયા. માતાએ મારી સારવાર માટે 3 લાખ રૂ.નું દેવું કર્યું. મજૂરીકામ છોડીને શાકભાજી વેચવાનું શરૂ કર્યું અને અમને ચારેય ભાઇઓને ભણાવતી રહી. મને વોલિબોલ રમવાનું ગમતું હતું પણ ટીચરે કહ્યું કે હાઇ જમ્પમાં તારી મજબૂત પકડ છે, તેમાં મહેનત કર. બસ તે દિવસે જ મેં નક્કી કરી લીધું કે હવે આ જ મારી કરિયર બનશે. સ્કોલરશિપ મળતી રહી અને મેં એવીએસ કોલેજમાંથી બીબીએની ડિગ્રી મેળવી લીધી. કોલેજના ડીને મને બેંગલુરુના દ્રવિડ પ્રશિક્ષક સત્ય નારાયણ પાસે મોકલ્યો. હું તેમને ક્યારેય નહીં ભૂલું, કેમ કે તેમણે મને 2 વર્ષ સુધી ટ્રેનિંગ આપવા ઉપરાંત દર મહિને 10 હજાર રૂ. પણ આપ્યા. ત્યાર બાદ પદ્મશ્રી સન્માનથી મને ઓળખ મળી. રાજ્ય સરકાર તરફથી જે 2 કરોડ રૂ. ઇનામમાં મળ્યા તેનાથી મેં માતાને ખેતર ખરીદી આપ્યું, જેથી પરિવારને સહારો મળે. હવે આગામી લક્ષ્ય ટોક્યો પેરાલિમ્પિકમાં નવો રેકોર્ડ સર્જવાનું છે.


આમના રેકોર્ડ પણ યાદ રહેશે

·         રોહિત શર્મા: 2019ના વર્લ્ડ કપમાં સૌથી વધુ 648 રન કર્યા. ટી-20માં પણ સૌથી વધુ 4 સદીનો રેકોર્ડ.

·         વિનેશ ફોગાટ: 2019ની વિશ્વ કુશ્તી ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલિફાય કર્યું છે.

·         મનિકા બત્રા: 2018ની ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સમાં 2 ગોલ્ડ મેડલ જીત્યા. 2018ની એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ.