• Home
  • News
  • ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં લિટરે 5થી 7 રૂપિયાનો વધારો થવાની શક્યતા
post

અગાઉ સરકારે ઇંધણો પર કરેલા વેટ ઘટાડાને પાછો ખેંચાશે, રાજ્યની તિજોરી ભરવા માટે નિર્ણય લેવાયો

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-04 09:01:48

ગાંધીનગર: ગુજરાત ટૂંક સમયમાં જ પેટ્રોલ ડીઝલ સહિતના ઇંઘણો પર લેવાતા વેટ એટલે કે વેલ્યુ એડેડ ટેક્સમાં વધારો કરી શકે છે. સરકારે રાજ્યમાં અર્થતંત્રને વેગ આપવા તથા સરકારી તિજોરીની આવક વધારવાના ઉપાયો સૂચવવા રચેલી સલાહકાર સમિતિની ભલામણોને આધારે ગુજરાત સરકાર ઇંઘણો પરના વેટમાં ત્રણથી પાંચ ટકાનો વધારો કરી શકે છે, તેમ સૂત્રો જણાવે છે. આ વધારાથી પેટ્રોલ ડીઝલના ભાવમાં લિટરે પાંચથી સાત રૂપિયાનો વધારો થઇ શકે છે.

આર્થિક સ્થિતિમાં સુધારો આવશે તો ફરી રાહત આપશે
હાલ કોરોના સંક્રમણને કારણે દર્દીઓની સારવારથી માંડીને અન્ય તમામ બાબતો પર સરકારને અણધાર્યો ખર્ચ આવી ગયો છે, તેની સામે અત્યાર સુધીમાં લૉકડાઉનને કારણે વ્યાપાર ઉદ્યોગ અને ધંધા બંધ રહેતાં સરકારની આવકો લગભગ તળીયે આવી ગઇ છે. આવામાં સરકારી તિજોરી પર પડેલાં ભારણને હળવું કરવા અને આવકનો સ્ત્રોત સતત જળવાઇ રહે તે માટે સરકાર હવે ઇંધણો પર વેટ વધારવાનું વિચારી રહી છે. સરકારી સૂત્રોએ જણાવ્યું કે હાલ રાજ્યની તિજોરીની સ્થિતિ ગંભીર છે, જો આ સ્થિતિ વધુ એકાદ માસ રહે તો સરકારને આગામી સમયમાં લોકોની સુવિધા કે અન્ય ખર્ચ કરવા માટે નાણાંની ખૂબ ખેંચ પડે તેમ બને. આથી હાલ સરકારે પેટ્રોલ ડીઝલ પર વેટ વધારીને આવક વધારવાનો વિચાર કર્યો છે. જો કે આગામી સમયમાં જો નાણાંકીય સ્થિતિમાં સારો એવો સુધારો આવે તો સરકાર પુનઃ લોકોને રાહત આપવા આ દર ઘટાડી પણ શકે છે.

હાલ 17 ટકા વેટ, 2018માં ઘટાડો થયો હતો
હાલ રાજ્યમાં પેટ્રોલ ડીઝલ પર 17 ટકા વેટ વસૂલાય છે. 2018ની સાલમાં કેન્દ્ર સરકારે પેટ્રોલ ડીઝલના ભાવમાં લિટરે 2.50 રૂપિયાનો ઘટાડો જાહેર કર્યાં બાદ રાજ્ય સરકારે પણ 2.50 રૂપિયાના ઘટાડાની જાહેરાત કરી હતી જે લગભગ મૂળ કિંમતો પર ત્રણ ટકાના વેટના ઘટાડા બરાબર હતી. આ જાહેરાતથી સરકારને વાર્ષિક અંદાજે રૂપિયા 2000 કરોડનો ફટકો પડ્યો હતો. આ પહેલા ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન પણ રાજ્યસરકારે પેટ્રોલ ડીઝલના વેટમાં ચાર ટકાનો ઘટાડો જાહેર કર્યો હતો. આમ, છેલ્લાં ત્રણ વર્ષમાં લગભગ સાત ટકાનો ઘટાડો થયો છે.

ગુજરાત ઓવરડ્રાફ્ટ લેશે
આ તરફ સૂત્રો તેમ પણ જણાવે છે કે ગુજરાત સરકારની અપેક્ષા મુજબની આવકનું ધોરણ ચાલું નાણાંકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં જળવાય તેવી સ્થિતિ ન હોવાથી રાજ્યસરકારને ઓવરડ્રાફ્ટ લેવો પડી શકે છે. આ પૂર્વે રાજ્યસરકારને 2000ના વર્ષ બાદ સતત ત્રણ વર્ષ વાવઝોડું, ભૂકંપ અને રમખાણોને કારણે આર્થિક સ્થિતિ સાંકડી બનતાં ઓવરડ્રાફ્ટ લેવો પડ્યો હતો, પણ તે પછી ક્યારેય ઓવરડ્રાફ્ટ લેવો પડ્યો નથી. જો કે આ વર્ષે સ્થિતિ અસામાન્ય હોઇ ઓવરડ્રાફ્ટ લેવો પડે તેમ છે.

સ્ટેમ્પ ડ્યૂટીમાં ઘટાડાની સંભાવના
આર્થિક તંગીનો સામનો કરી રહેલાં બાંધકામ ઉદ્યોગને બેઠો કરવા માટે ગુજરાત સરકાર સ્ટેમ્પ અને રજિસ્ટ્રેશન ડ્યૂટીમાં ઘટાડાની જાહેરાત કરી શકે છે. આ જાહેરાત જમીનોની ખરીદી વખતે થતાં રજિસ્ટ્રેશનને બદલે તૈયાર મકાનોની ડ્યૂટી માટે કરવામાં આવશે.  તેનો ફાયદો ગ્રાહકોને થશે.  સૂત્રોના જણાવ્યા અનુસાર લગભગ ત્રણેક ટકા જેટલી સ્ટેમ્પ ડ્યૂટીમાં રાહતની વિચારણા ચાલી રહી છે.  રાજ્યસરકારને સામાન્ય સંજોગોમાં જે સ્ટેમ્પ ડ્યૂટી હેઠળ આવક થાય છે તેમાં લગભગ 2000 કરોડ જેટલું નુક્સાન ગયું છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post