• Home
  • News
  • આવ્યા રસીના સારા સમાચાર:ફાઈઝરની કોરોના વેક્સીન ફાઈનલ ટ્રાયલમાં 95% સુધી કારગત નીવડી, આ વર્ષે 5 કરોડ ડોઝ બનાવવાની તૈયારી
post

ફાઈઝરની રસી -70 ડિગ્રીમાં રાખવી જરૂરી હોવાથી ભારતમાં લાવવી એક પડકારરૂપ કાર્ય બનશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-19 10:00:31

અમેરિકન ફાર્મા કંપની ફાઈઝરની કોરોના રસી ફેઝ-3 ટ્રાયલમાં 95% સુધી અસરકારક રહી છે. કંપનીના અનુસાર, વેક્સીન વૃદ્ધજનો પર પણ કારગત સાબિત થઈ છે. તેની કોઈ ગંભીર આડઅસરો પણ જોવા મળી નથી. ફાઈઝરે બુધવારે કહ્યું હતું કે હવે કંપની થોડા દિવસોમાં જ રેગ્યુલેટરી અપ્રુવલ માટે અરજી કરશે. આ વર્ષે રસીના 5 કરોડ ડોઝ બનાવવાની તૈયારી છે.

ફાઈઝરે સ્ટડીમાં કોવિડ-19ના 170 કેસો સામેલ કર્યા હતા. સ્વયંસેવકોને પ્રથમ ડોઝ અપાયાના 28 દિવસ પછી તે કોરોનાથી બચાવમાં 95% અસરકારક રહી હતી. કંપની કહે છે કે આ સફળતાની સાથે જ તેણે યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (USFDA) તરફથી નક્કી કરાયેલ ઈમર્જન્સી ઉપયોગના સ્ટાન્ડર્ડને હાંસલ કરી લીધા છે.

સારી વાત એ રહી કે રસીને લઈને કોઈ સુરક્ષા સંબંધિત ચિંતા સામે આવી નથી. ફાઈઝર અને બાયોએનટેકે પોતાની કોવિડ-19 વેક્સીન માટે જુલાઈમાં લેટ-સ્ટેજ ક્લિનિકલ ટ્રાયલ્સ શરૂ કરી હતી. તેમાં 44 હજાર લોકોને સામેલ કરાયા હતા. આ વેક્સીનને હાઈ-રિસ્ક વસતી માટે આ વર્ષના અંત સુધી મંજૂરી મળી શકે છે.

શું ફાઈઝરની રસી સુરક્ષિત છે?

·         ફાઈઝર અને બાયોએનટેકે અત્યાર સુધી પોતાની રસીની સુરક્ષા અંગે કોઈ ચિંતા વ્યક્ત કરી નથી. કંપનીઓએ મે મહિનામાં નાના સ્તરે ક્લિનિકલ ટ્રાયલ કર્યા હતા. તેમાં તેમણે વેક્સીનના ચાર વર્ઝન અજમાવ્યા હતા અને જેની તાવ કે થાક જેવી આડઅસરો સૌથી ઓછી અથવા તો મધ્યમ સ્તરની હતી, તેની પસંદગી કરવામાં આવી હતી. જો આ રસીને એફડીએ તરફથી ઈમર્જન્સી અપ્રુવલ મળશે તો લાખો લોકો લાભ ઉઠાવી શકશે. ટ્રાયલમાં સામેલ લોકોની બે વર્ષ સુધી દેખરેખ રખાશે.

ફાઈઝરની રસી માર્કેટમાં ક્યારે આવશે?

·         ફાઈઝરે કહ્યું કે નવેમ્બરના ત્રીજા સપ્તાહમાં ઈમર્જન્સી અપ્રુવલ માટે તે FDA પાસે જશે. ત્યાં સુધી તેની પાસે બે મહિનાનો સેફ્ટી ડેટા ઉપલબ્ધ રહેશે. તેના પછી એજન્સી વિશેષજ્ઞોની એક્સટર્નલ એડવાઈઝરી કમિટીની સલાહ લેશે. એ જોવાશે કે કંપનીઓ સુરક્ષિત રીતે લાખો ડોઝ બનાવી શકે છે કે નહીં.

·         હાઈ-રિસ્ક વસતી માટે આ વર્ષના અંત સુધીમાં રસીને અપ્રુવલ મળી શકે છે પણ એ સંભવ ત્યારે બનશે કે બધુ પ્લાનિંગ મુજબ રહે અને કોઈ અનીચ્છનીય ઘટના ન બને. ફાઈઝર અને બાયોએનટેકે કહ્યું છે કે તે 1.3 અબજ ડોઝ દર વર્ષે બનાવી શકે છે.

·         જો કે, રસી સ્ટોર કરવા માટે સ્ટાન્ડર્ડ તાપમાન 2થી 8 ડિગ્રી હોવું જરૂરી છે પરંતુ ફાઈઝરની રસીને પેક થવાથી લઈને ઈન્જેક્ટ થવા સુધી તેને -70 ડિગ્રીમાં રાખવી જરૂરી હોવાથી ભારતમાં લાવવી એક પડકારરૂપ કાર્ય બની શકે છે.

ભારતમાં રસીની ટ્રાયલ્સની સ્થિતિ શું છે?

·         ભારતમાં અત્યારે ભારત બાયોટેકની કોવેક્સીન અને ઓક્સફોર્ડ/એસ્ટ્રાજેનેકાની કોવિશિલ્ડ વેક્સીનની ફેઝ-3 ટ્રાયલ્સ ચાલી રહી છે. તેના પ્રારંભિક પરિણામો ડિસેમ્બર-જાન્યુઆરીમાં આવે એવા સંકેત છે. આ રસી આગામી વર્ષના પ્રારંભ સુધીમાં અપ્રુવ થઈ શકે છે. ઝાયડસ કેડિલાની વેક્સીનના અત્યાર સુધી પ્રારંભિક પરિણામો સારા આવ્યા છે, જેની પણ ફેઝ-3 ટ્રાયલ શરૂ થશે.

દુનિયાભરમાં 212 રસી પર કામ ચાલુ
વિશ્વ આરોગ્ય સંસ્થાના કોવિડ-19 વેક્સીન લેન્ડસ્કેપ અનુસાર, અત્યારે દુનિયાભરમાં 212 રસી પર કામ ચાલી રહ્યું છે. તેમાં પણ 48 રસી ક્લિનિકલ ટ્રાયલ્સમાં છે અને તેમાંથી 11 રસી અંતિમ સ્ટેજ એટલે કે લાર્જ-સ્કેલ ટ્રાયલ્સમાંથી પસાર થઈ રહી છે.

 

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post