• Home
  • News
  • અમેરિકામાં નોળિયાને અપાતી રસી ગીરમાં સિંહોને અપાતા મોત થયાના આરોપ સાથે હાઇકોર્ટમાં PIL
post

વન અધિકારીઓ સિંહનાં મૃત્યુનાં સાચા કારણ છૂપાવાતાં હોવાનો આરોપ

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-22 12:19:04

ગીરના સિંહોનાં મોતના સાચાં કારણો જાહેર ન કરાતા હોવાના આક્ષેપ સાથે હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરાઈ છે. અરજીમાં જણાવ્યા મુજબ, છેલ્લા એક વર્ષમાં સિંહોના મૃત્યુનું પ્રમાણ ભયજનક રીતે વધ્યું છે, પરંતુ ચિંતાનો વિષય વન વિભાગ અને વન અધિકારીના વલણનો છે, કારણ કે મૃત્યુ પામનારા સિંહના પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યા પહેલાં જ મોટા ભાગના કિસ્સામાં સિંહોની આંતરિક લડાઈ અથવા કોઈક માંદગીના કારણે મૃત્યુ થયાના એકસરખાં કારણો આપી દેવાય છે. પૂરેપૂરી શંકા છે કે, વન અધિકારીઓ સિંહના મૃત્યુનાં સાચાં કારણો છૂપાવી રહ્યાં છે.

ગીરના સિંહો માટે વાયરસથી બચવા જે રસી અપાય છે તે રસી અમેરિકામાં નોળિયા અને જંગલી ખિસકોલીને આપવામાં આવે છે. આ રસીનું કલીનીકલ ટ્રાયલ સિંહો પર કરવામાં આવ્યું ન હોય તો તેવી રસી ગીરના સિંહો માટે શા માટે આયાત કરવામાં આવી રહી છે? સિંહોને વાયરસ ન હોય તો અમેરિકાથી મંગાવેલી આ 1 હજાર રસીનો ઉપયોગ શેના માટે કરવામાં આવે છે? આવા તમામ સવાલો મામલે વન વિભાગ પાસેથી ખુલાસો માગવાની દાદ માગી છે.

જૂનાગઢ માળિયા હાટીનાના ખેડૂત વરજંગ કારમતાએ હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરી છે કે, તાજેતરમાં જ ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ ડી. ટી. વસાવડાએ દાવો કર્યો હતો કે, ગીરના સિંહોમાં કોઈ જ રોગ નથી કે સીડીવી પ્રકારનો કોઈ વાઇરસનો ચેપ લાગ્યો નથી. જો સિંહોને વાઇરસનો ચેપ લાગ્યો જ ન હોવાનો દાવો કરતા હોય તો શા માટે અમેરિકાથી સીડીવી રસીના 1 હજાર ડોઝ મગાવ્યા તેની વન વિભાગને સ્પષ્ટતા કરવા હાઈકોર્ટ પાસે દાદ માગવામાં આવી છે.

ગીરના સિંહો અંગેની સંપૂર્ણ વિગતો અને સિંહોનાં મૃત્યુનાં કારણો અને સંખ્યા સહિતના આંકડા વન વિભાગની વેબસાઇટ પર જાહેર કરવા પણ દાદ માંગવામાં આવી હતી.

1 વર્ષથી સિંહના મૃત્યુનું પ્રમાણ વધ્યું પણ વન વિભાગના અધિકારીઓનું વલણ ચિંતાજનક વન વિભાગના અધિકારીઓના વિરોધાભાસી વલણને લીધે ગીરના સિંહોના મૃત્યુ વધી રહ્યા છે. સિંહો પ્રત્યેની તેમની બેદરકારી દેખાય છે. જ્યારે પણ સિંહોને રસી આપવામાં આવે ત્યારે તેનું સંપૂર્ણ વીડિયો રેકોર્ડિંગ કરવામાં આવે, જેથી આ પ્રક્રિયા પારદર્શી રહે અને અનુભવી વેટરનરી ડોક્ટર જ આ કાર્ય કરે છે તેની ખાતરી થાય.

વેટરનરી ડૉક્ટર ન હોવાથી ફોરેસ્ટ ગાર્ડ અને ટ્રેકર સિંહને રસી આપતા હોય છે
વન વિભાગની જ એક ઉચ્ચ કક્ષાની સમિતિના અહેવાલ મુજબ, સાસણ ગીરના સિંહો માટે વન વિભાગ પાસે પૂરતી સંખ્યામાં વેટરનરી ડોક્ટર્સ નથી. પરિણામે સિંહોને આ રસી ફોરેસ્ટ ગાર્ડ, ટ્રેકર, ફોરેસ્ટર દ્વારા આપવામાં આવી રહી છે. આના અનેક વીડિયો પણ સોશિયલ મીડિયામાં ફરતા થયેલા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post