• Home
  • News
  • માનસરોવરમાં 90 કિમી, અમરનાથમાં 45 કિમી ચઢાણ, 12 વર્ષે એકવાર થતી નંદાદેવી યાત્રામાં 280 કિમીની સફર
post

લોકડાઉનને કારણે અમરનાથ અને કૈલાશ માનસરોવરની યાત્રા પર અનિશ્ચિતતાનાં વાદળો

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-05 12:07:12

નેશનલ લોકડાઉનના કારણે અમરનાથ યાત્રાથી લઇને કૈલાશ માનસરોવર સુધીની યાત્રાઓ ઉપર અનિશ્ચિતતાનાં વાદળો ઘેરાયેલાં છે. કેદારનાથના કપાટ ખૂલી ગયા છે પરંતુ હાલ ત્યાં કોઇ ભક્ત જઇ શકશે નહીં. અમરનાથ, કેદારનાથ અને માનસરોવર ત્રણેય દુર્ગમ યાત્રા માનવામાં આવે છે. અહીં પહોંચવું સરળ નથી. પર્વતોના મુશ્કેલ રસ્તાઓમાંથી પસાર થવું પડે છે. પરંતુ, માત્ર આ ત્રણ જ આવાં તીર્થ નથી. ભારતમાં અનેક એવા તીર્થ છે જ્યાં પહોંચવું સહેલું નથી. અમુક સ્થાન તો એવાં છે, જ્યાં પહોંચવા માટે એક દિવસથી લઇને એક અઠવાડિયા સુધીનો સમય લાગે છે.

ઊંચા પર્વત ક્ષેત્રોના મંદિર સામાન્ય ભક્તો માટે ક્યારે ખોલવામાં આવશે, તે સ્પષ્ટ નથી. હાલમાં જ કેદારનાથ, ગંગોત્રી અને યમુનૌત્રી ધામના કપાટ ખૂલી ગયા છે, બદ્રીનાથના કપાટ પણ ખૂલવાના છે. પરંતુ અહીં સામાન્ય ભક્ત હાલ દર્શન કરી શકશે નહીં. ભારતના 14 એવાં દુર્ગમ તીર્થ છે જ્યાં દર વર્ષે લાખો ભક્તો પહોંચે છે. પરંતુ આ વર્ષે આ યાત્રાઓ અત્યાર સુધી બંધ છે....

અમરનાથ યાત્રા-
સૌથી મુશ્કેલ તીર્થયાત્રાઓમાંની એક અમરનાથ યાત્રા છે. કાશ્મીરના બાલતાલ અને પહલગામથી અમરનાથ યાત્રા શરૂ થાય છે. આ તીર્થ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં સ્થિત છે. અમરનાથની ગુફામાં બરફથી પ્રાકૃતિક શિવલિંગ બને છે. અહીં પહોંચવાનો રસ્તો ખૂબ જ મુશ્કેલ છે. પ્રતિકૂળ વાતાવરણ, લેન્ડ સ્લાઇડ, ઓક્સિજનની ઓછી માત્રા અને આતંકવાદના ઓછાયા જેવી સમસ્યાઓ હોવા છતાં લાખો ભક્ત અહીં પહોંચે છે. શિવજીના આ તીર્થનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો છે. અહીં સ્થિત શિવલિંગ ઉપર સતત બરફનાં ટીપાં ટપકતાં રહે છે, જેના દ્વારા 10-12 ફૂટ ઊંચું શિવલિંગ નિર્મિત થાય છે. ગુફામાં શિવલિંગ સાથે જ શ્રીગણેશ, પાર્વતી અને ભૈરવના હિમખંડ પણ નિર્મિત થાય છે.

 

હેમકુંડ સાહિબ-
ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં સ્થિત હેમકુંડ સાહિબ શીખોનું પ્રમુખ ધાર્મિક સ્થળ છે. અહીં બરફની બનેલી નદી છે જે સાત વિશાળ પર્વતથી ઘેરાયેલી છે. જેને હેમકુંડ પર્વત પણ કહેવામાં આવે છે. માન્યતા છે કે, હેમકુંડ સાહેબમાં શીખોના દસમા ગુરુ ગોવિંદ સિંહે 20 વર્ષ સુધી તપસ્યા કરી હતી. જ્યાં ગુરુજીએ તપ કર્યું હતું, ત્યાં જ ગુરુદ્વારા બનેલું છે. અહીં સ્થિત સરોવરને હેમ સરોવર કહેવામાં આવે છે. જૂનથી ઓક્ટોબર સુધી હેમકુંડ સાહેબનું વાતાવરણ ટ્રેકિંગ માટે અનુકૂળ રહે છે. આ દરમિયાન તાપમાન 25 ડિગ્રી અને ન્યુનતમ તાપમાન -4 ડિગ્રી સુધી રહે છે. અહીં પહોંચવા માટે ગ્લેશિયર અને બરફથી ઢંકાયેલા રસ્તા પરથી પસાર થવું પડે છે.

કૈલાશ માનસરોવર-
શિવજીનો વાસ કૈલાશ પર્વત માનવામાં આવે છે અને આ પર્વત ચીનના કબ્જા હેઠળ આવેલા તિબેટમાં સ્થિત છે. આ યાત્રા સૌથી મુશ્કેલ તીર્થ યાત્રાઓમાંથી એક છે. અહીં એક સરોવર છે, જેને માનસરોવર કહેવામાં આવે છે. માન્યતા છે કે, અહીં માતા પાર્વતી સ્નાન કરે છે. પ્રચલિત કથાઓ પ્રમાણે, આ સરોવર બ્રહ્માજીના મનથી ઉત્પન્ન થયું હતું. તેની પાસે જ કૈલાશ પર્વત સ્થિત છે. આ જગ્યાને હિંદુ ધર્મ સાથે-સાથે બૌદ્ધ ધર્મમાં પણ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. માનસરોવરનું નીલા (ગળી રંગનું) પાણી મુસાફરો માટે આકર્ષણ અને આસ્થાનું કેન્દ્ર છે. આ યાત્રા પારંપરિક રૂપથી લિપુલેખ ઉત્તરાખંડ રસ્તો અને સિક્કિમ નાથુલાના નવા રસ્તે થઇને જાય છે.

 

વૈષ્ણોદેવી-
જમ્મુના રિયાસી જિલ્લામાં વૈષ્ણોદેવીનું મંદિર સ્થિત છે. આ મંદિર ત્રિકુટા પર્વત ઉપર સ્થિત છે. અહીં ભૈરવ ઘાટીમાં ભૈરવ મંદિર સ્થિત છે. માન્યતા પ્રમાણે અહીં સ્થિત જૂની ગુફામાં ભૈરવનું શરીર સ્થિત છે. માતાએ અહીં ભૈરવને પોતાના ત્રિશૂળથી માર્યો હતો અને તેનું માથું ઊડીને ભૈરવ ખીણમાં જતું રહ્યું અને શરીર ગુફામાં રહી ગયું હતું. પ્રાચીન ગુફામાં ગંગાજળ પ્રવાહિત થતું રહે છે. વૈષ્ણોદેવી મંદિર સુધી પહોંચવા માટે અનેક પડાવ પાર કરવા પડે છે. આ પડાવમાંથી એક આદિ કુમારી અથવા આદ્યકુમારી છે.

કેદારનાથ-
બુધવાર, 29 એપ્રિલે કેદારનાથ ધામના કપાટ ખૂલી ગયા છે. કેદારનાથ બાર જ્યોતિર્લિંગમાંનું એક છે. આ મંદિર ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ જિલ્લામાં સ્થિત છે. માન્યતા છે કે, પ્રાચીન સમયમાં બદરીવનમાં વિષ્ણુજીના અવતાર નર-નારાયણ આ ક્ષેત્રમાં પાર્થિવ શિવલિંગ બનાવીને પૂજા કરતા હતા. નર-નારાયણની ભક્તિથી પ્રસન્ન થઇને શિવજી પ્રકટ થયા હતા. ગૌરીકુંડથી કેદારનાથ માટે 16 કિમીનું ટ્રેકિંગ શરૂ થાય છે. મંદાકિની નદીના કિનારે ખૂબ જ સુંદર દૃશ્ય જોવા મળે છે. એક યાત્રા ગુપ્તકાશીથી પણ થાય છે. નવા રસ્તા પ્રમાણે સીતાપુર અથવા સોનપ્રયાગથી યાત્રા શરૂ થાય છે. ગુપ્તકાશી રૂટ પર ટ્રેકિંગ વધારે કરવું પડે છે.

શ્રીખંડ મહાદેવ-
હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં શ્રીખંડ મહાદેવ શિવલિંગ સ્થિત છે. અહીં શિવલિંગની ઊંચાઈ લગભગ 75 ફૂટ છે. આ યાત્રા માટે જાઓ ક્ષેત્રમાં પહોંચવું પડે છે. અહીંથી લગભગ 32 કિમીનું ટ્રેકિંગ છે. માર્ગમાં જાઓમાં માતા પાર્વતીનું મંદિર, પરશુરામ મંદિર, દક્ષિણેશ્વર મહાદેવ, હનુમાન મંદિર સ્થિત છે. માન્યતા છે કે, શિવજી પાસેથી ભસ્માસુરને વરદાન મળ્યું હતું કે, તે જેના માથા ઉપર હાથ રાખશે તે ભસ્મ થઇ જશે. ત્યારે ભગવાન વિષ્ણુએ ભસ્માસુરને આ સ્થાને નૃત્ય કરવા માટે રાજી કર્યો હતો. નૃત્ય કરતાં કરતાં ભસ્માસુરે પોતાનો જ હાથ પોતાના માથે રાખી દીધો અને ભસ્મ થઇ ગયો હતો.

નંદાદેવી યાત્રા-
ઉત્તરાખંડના ચમોલી ક્ષેત્રમાં દર 12 વર્ષે એકવાર નંદાદેવીની યાત્રા થાય છે. નંદાદેવી પર્વત સુધી જતી આ યાત્રા નાનાં ગામ અને મંદિરોથી પસાર થાય છે. તેની શરૂઆત કર્ણપ્રયાગના નૌટી ગામથી થાય છે. 2014માં આ યાત્રા આયોજિત થઇ હતી. માન્યતા પ્રમાણે દર 12 વર્ષે નંદા માતા એટલે દેવી પાર્વતી પોતાના પિયર આવે છે અને થોડા દિવસ ત્યાં રોકાઇને ભક્તો દ્વારા નંદાને ઘુંઘટી પર્વત સુધી છોડવામાં આવે છે. ઘુંઘટી પર્વતને શિવનું નિવાસ સ્થાન અને નંદાનું સાસરું માનવામાં આવે છે.

મણિમહેશ-
મણિમહેશ હિમાચલના ચંબા જિલ્લામાં સ્થિત છે. અહીં શિવજી મણિ સ્વરૂપમાં દર્શન આપે છે. મંદિર ભરમૌર ક્ષેત્રમાં છે. ભરમૌર મરુ વંશના રાજા મરુવર્માની રાજધાની હતી. મણિમહેશ જવા માટે પણ બુદ્ધિલ ઘાટીથી થઇને જવું પડે છે. અહીં સ્થિત નદીનાં દર્શન માટે ભક્તો પહોંચે છે.

 

શિખરજી-
ઝારખંડના ગિરીડીહ જિલ્લામાં જૈન ધર્મનું પ્રમુખ તીર્થ શિખરજી સ્થિત છે. આ મંદિર ઝારખંડના સૌથી ઊંચા પહાડ પર બનેલું છે. આ ક્ષેત્રમાં જૈન ધર્મના 24માંથી 20 તીર્થકરોએ મોક્ષ પ્રાપ્ત કર્યો હતો.

યમનોત્રી-
યમુનાદેવીનું આ મંદિર ઉત્તરાખંડના ચારધામમાંનું એક છે. યમુનોત્રી મંદિર ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં સ્થિત છે. આ યમુના નદીનું ઉદગમ સ્થળ છે અને ઊંચા પર્વત ઉપર સ્થિત છે. હનુમાન ચટ્ટીથી 6 કિમીનું ટ્રેકિંગ કરવાનું હોય છે અને જાનકી ચટ્ટી લગભગ 4 કિમી ટ્રેકિંગ કરવાનું હોય છે.

ફુગતાલ અથવા ફુક્તાલ-
ફુગતાલ અથવા ફુક્તાલ લદાખના ઝંસ્કર ક્ષેત્રમાં સ્થિત છે. અહીં 3850 મીટર ઊંચાઈએ બોદ્ધ મઠ છે. આ મંદિર 12મી સદીનું માનવામાં આવે છે.

તુંગનાથ-
ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ જિલ્લામાં તુંગનાથ શિવ મંદિર સ્થિત છે. મંદિરના સંબંધમાં માન્યતા છે કે, આ મંદિર હજાર વર્ષ જૂનું છે. અહીં મંદાકિની નદી અને અલકનંદા નદી વહે છે. આ ક્ષેત્રમાં ચોપટા ચંદ્રશિલા ટ્રેક મુસાફરો માટે આકર્ષણનું કેન્દ્ર છે.

ગૌમુખ-
ઉત્તરાખંડ રાજ્યના ઉત્તરકાશી જિલ્લામાં ગંગોત્રી સ્થિત છે. અહીંથી લગભગ 18 કિમી દૂર ગૌમુખ છે. અહીંથી ગંગાનું ઉદગમ માનવામાં આવે છે. આ ક્ષેત્રમાં ગંગાને ભાગીરથી કહેવામાં આવે છે. આ ક્ષેત્ર ઉત્તરાખંડના ચારધામમાંથી એક છે.

રૂદ્રનાથ-
રૂદ્રનાથ મંદિર ઉત્તરાખંડના ગઢવાલમાં સ્થિત છે. અહીં શિવજીનું મંદિર છે. દરિયા કિનારેથી તેની ઊંચાઈ 3600 મીટર છે. માન્યતા છે કે, રૂદ્રનાથ મંદિરની સ્થાપના પાંડવો દ્વારા કરવામાં આવી હતી. બધા પાંડવ અહીં શિવજીની શોધમાં પહોંચ્યા હતા. મહાભારત યુદ્ધમાં મૃત્યુ પામેલા યોદ્ધાઓનાં પાપના પ્રાયશ્ચિત માટે પાંડવો અહીં આવ્યા હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post