• Home
  • News
  • સિડનીમાં ઓસ્ટ્રેલિયાના PMએ કહ્યું - મોદી બોસ છે:મોદીએ કહ્યું- ભારત મધર ઓફ ડેમોક્રેસી, સમગ્ર વિશ્વ અમારા માટે એક પરિવાર છે
post

પીએમ મોદીએ કહ્યું- હવે આપણને ફિલ્મો પણ જોડી રહી છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-05-23 17:07:35

સિડની: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિડનીના કુડોસ બેંક એરેના સ્ટેડિયમ પહોંચ્યા હતા. તેમની સાથે ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બેનીઝ પણ હાજર રહ્યા હતા. અહીં પીએમ મોદીનું પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું છે. મોદીએ નમસ્તે ઓસ્ટ્રેલિયાથી સંબોધન કર્યું હતું. મોદીએ સિડનીના કુડોસ બેંક એરેનામાં ભારતીય મૂળના 20,000થી વધુ લોકોને સંબોધન કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું- ભારત માટે આખું વિશ્વ એક પરિવાર છે. હું 9 વર્ષ પછી ફરી એરેનામાં આવ્યો છું. મોદીએ કહ્યું- મારા આવા ઉષ્માભર્યા સ્વાગત માટે તમારો ખૂબ ખૂબ આભાર.

મોદીએ કહ્યું- ઓસ્ટ્રેલિયાને ભારત માટે ઘણો પ્રેમ છે
PM
મોદી ભારતીય મૂળના 20 હજારથી વધુ લોકોને સંબોધન કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું- હું 9 વર્ષ પછી ફરી એરેના આવ્યો છું. મેં છેલ્લા પ્રવાસ દરમિયાન એવું વચન આપ્યું હતું કે ઓસ્ટ્રેલિયાને ફરી કોઈ ભારતીય પીએમ સાથે મુલાકાત કરવા માટે 28 વર્ષ રાહ જોવી પડશે નહીં. ઓસ્ટ્રેલિયાને ભારત માટે ઘણો પ્રેમ છે. વડાપ્રઘાન મોદીએ સંબોધન કરતાં જણાવ્યું હતુ કે બ્રિસ્બેનમાં ભારતનું નવું દૂતાવાસ શરૂ થશે

વિશ્વમાં સંકટના સમયમાં ભારત મદદ માટે તૈયાર રહે છે
મોદીએ કહ્યું, જ્યારે પણ દુનિયામાં સંકટ આવે છે ત્યારે ભારત મદદ કરવા હંમેશાં તૈયાર રહે છે. કોઈપણ આપત્તિ આવે, ભારત મદદ માટે આગળ આવે છે. આજે ભારત ફોર્સ ઓફ ગ્લોબલ ગ્રોથ હેઠળ કામ કરી રહ્યું છે. અમે વિશ્વને એક કરવા માટે કામ કરી રહ્યા છીએ. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ... આ અમારી સરકારનો આધાર છે. આ જ અમારી દૃષ્ટિ છે.

પીએમ મોદીએ કહ્યું, 2014માં આપેલું વચન પૂરું કર્યું
PM
મોદીએ કહ્યું, જ્યારે હું 2014માં આવ્યો હતો ત્યારે તમને વચન આપ્યું હતું. વચન એ હતું કે તમારે ફરીથી 28 વર્ષ સુધી ભારતના વડાપ્રધાનની રાહ જોવી પડશે નહીં. આજે હું ફરી તમારી સામે હાજર છું. હું એકલો આવ્યો નથી. હું ઓસ્ટ્રેલિયાના પીએમ સાથે આવ્યો છું. તેમણે તેમના અત્યંત વ્યસ્ત સમયપત્રકમાંથી સમય કાઢ્યો એ અમારા, ભારતીયો પ્રત્યેનો તમારો પ્રેમ દર્શાવે છે. તમે હમણાં જે કહ્યું એ ઓસ્ટ્રેલિયાનો ભારત પ્રત્યેનો પ્રેમ દર્શાવે છે.

તેમણે કહ્યું હતું કે 'આ વર્ષે મને અમદાવાદમાં તમારા PMને ​​આવકારવાની તક મળી. આજે તેમણે અહીં લિટલ ઈન્ડિયાના લોકાર્પણમાં મને સાથ આપ્યો છે. આભાર મારા મિત્ર એન્થની. ઓસ્ટ્રેલિયાના વિકાસમાં ભારતીય સમુદાયનું યોગદાન પણ રહ્યું છે.

ભારતીય ડિગ્રીઓ ટૂંક સમયમાં ઓસ્ટ્રેલિયામાં માન્ય થશે
PM
મોદીએ ભાષણમાં ઘણી મહત્વની જાહેરાતો પણ કરી છે. તેમણે માહિતી આપી હતી કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એકબીજાની ડિગ્રીને માન્યતા આપવા પર વાતચીત આગળ વધી છે. તેનાથી બંને દેશના વિદ્યાર્થીઓને ફાયદો થશે. તેમજ, બ્રિસ્બેનમાં ભારતનું નવું દૂતાવાસ ખોલવામાં આવશે.

PMએ ભારતીય મૂળના લોકોને કહ્યું- વિદેશમાં રહીને પણ તમારા મૂળ સાથે જોડાયેલા રહો. તમે ત્યાં ભારતના રાજદૂત છો. હું તમારી પાસેથી માંગું છું કે જ્યારે પણ તમે ભારત આવો, ત્યારે પોતાની સાથે ઓસ્ટ્રેલિયન પરિવારોને પણ લાવો. આનાથી તેમને ભારતની સંસ્કૃતિને સમજવાની તક મળશે.

ભારતની બેંકિંગ સિસ્ટમની ચારેબાજુ પ્રશંસા થઈ રહી છે
તેમણે આગળ કહ્યું, જે દેશ 25 વર્ષના લક્ષ્ય સાથે આગળ વધી રહ્યો છે એ દેશ ભારત છે. આજે IMF ભારતને વૈશ્વિક અર્થવ્યવસ્થાનું બ્રાઈટ સ્પોટ માને છે. આજે વિશ્વના તમામ દેશોની બેંકિંગ સિસ્ટમ જોખમમાં છે, જ્યારે ભારતની બેંકિંગ સિસ્ટમની ચારેબાજુ પ્રશંસા થઈ રહી છે.

ભારત મધર ઓફ ડેમોક્રેસી છે
પીએમએ કહ્યું, ભારત મધર ઓફ ડેમોક્રેસી છે. અમે રાષ્ટ્રને એક પરિવાર તરીકે જોઈએ છીએ અને વિશ્વને એક પરિવાર તરીકે જોઈએ છીએ. આ જ કારણ છે કે જ્યારે અમે જી-20ની અધ્યક્ષતાનો લોગો નક્કી કરીએ છીએ તો કહીએ છીએ કે વન અર્થ, વન ફેમિલી, વન ફ્યુચર. ભારત એવો દેશ છે, જેણે વિશ્વના 150થી વધુ દેશોને કોરોના સંકટમાં મદદ કરી છે. દવાઓ સમયસર મોકલી છે. ભારતે 100થી વધુ દેશોમાં મફત વેક્સિન મોકલીને કરોડો લોકોનાં જીવન બચાવ્યા છે. તમે જે સેવા-ભાવના સાથે કામ કર્યું છે એ જ આપણી સંસ્કૃતિની વિશેષતા છે.

 

સિડનીમાં PM મોદીએ સમજાવ્યું, ભારત-ઓસ્ટ્રેલિયા સંબંધોમાં 3-C, 3-D અને 3-E કેવી રીતે પ્રવર્તે છે!
પીએમ મોદીએ ભારત-ઓસ્ટ્રેલિયા સંબંધો પર કહ્યું, "એક સમય હતો, જ્યારે એવું કહેવામાં આવતું હતું કે ભારત-ઓસ્ટ્રેલિયા સંબંધો 3C (કોમનવેલ્થ, ક્રિકેટ, કરી) પર આધારિત છે. એ પછી એવું કહેવામાં આવ્યું કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના સંબંધો 3D (લોકશાહી, ડાયસ્પોરા, મિત્રતા) પર આધારિત છે. કેટલાક લોકોએ એવું પણ કહ્યું હતું કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના સંબંધો 3E છે (એનર્જી, ઈકોનોમી, એજ્યુકેશન) પર આધારિત છે. અલગ-અલગ સમયે પણ આ સાચું હોઈ શકે છે, પરંતુ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના ઐતિહાસિક સંબંધોનો વિસ્તાર આના કરતાં ઘણો વધારે છે. આ સંબંધોનો આધાર પરસ્પર વિશ્વાસ અને પરસ્પર સન્માન છે.

પીએમ મોદીએ કહ્યું- હવે આપણને ફિલ્મો પણ જોડી રહી છે
મોદીએ કહ્યું હતું કે ક્રિકેટ વર્ષોથી આપણને જોડે છે, પરંતુ હવે ટેનિસ અને ફિલ્મો પણ આપણને જોડે છે. જોકે આપણી ખાવા-પીવાની ટેવ જુદી હોઈ શકે છે, પરંતુ હવે માસ્ટર શેફ અમારી સાથે જોડાઈ રહ્યા છે. ઓસ્ટ્રેલિયાએ ભારતની આ વિવિધતાને ખુલ્લા દિલે સ્વીકારી છે. આ જ કારણ છે કે સિટી ઓફ પરમટ્ટા પરમાત્મા ચોક બની જાય છે.

ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બેનીઝ પણ હાજર છે. તેમણે કહ્યું- 'મોદી ઈઝ ધ બોસ'. ભારતીય પીએમના સ્વાગત સંબંધિત કાર્યક્રમો પર તેમણે કહ્યું હતું કે પ્રથમ વખત કોઈનું આટલું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. પીએમ મોદી મારા ખૂબ સારા મિત્ર છે. બંને દેશો તેમનાં લોકતાંત્રિક મૂલ્યોના આધારે સંબંધોને વધુ મજબૂત કરશે.

પીએમ મોદીના સંબોધનની મોટી વાતો...

·         એક સમય હતો, જ્યારે એવું કહેવામાં આવતું હતું કે ભારત-ઓસ્ટ્રેલિયા સંબંધો ત્રણ C, ક્રિકેટ, કોમનવેલ્થ અને કરી પર આધારિત છે. ત્યારે કહેવાયું હતું કે ઓસ્ટ્રેલિયાનો સંબંધ 3D પર આધારિત છે. અમારા સંબંધોને ક્યારેક C અને ક્યારેક D પર આધારિત વર્ણવવામાં આવ્યા હતા, પણ હવે આપણને C અને Dની જરૂર નથી. હવે અમે પરસ્પર વિશ્વાસ અને ભાગીદારી દ્વારા એક થયા છીએ.

·         હિંદ મહાસાગર આપણને જોડે છે. ખબર નથી કે અમે ક્રિકેટ સાથે ક્યારથી જોડાયેલા છીએ, પરંતુ હવે ફિલ્મો પણ આપણને જોડી રહી છે. તેમ છતાં અહીં તહેવારો અલગ રીતે ઊજવવામાં આવે છે, પરંતુ તેમ છતાં આપણે દિવાળી અને બૈસાખી જેવા તહેવારો સાથે જોડાયેલા છીએ.

·         હેરિસ પાર્ક ઘણા લોકો માટે હરીશ પાર્ક બની જાય છે. સિડની પાસે લખનઉ નામની જગ્યા પણ છે. ઓસ્ટ્રેલિયામાં કાશ્મીર, મલબાર જેવી સ્ટ્રીટ્સમાંથી ભારતની ઝલક જોવા મળે છે.

·         ભારતમાં તાકાત અને સંસાધનોની કોઈ કમી નથી. ભારતમાં વિશ્વની સૌથી મોટી અને યુવા પ્રતિભાની ફેક્ટરી છે.

·         ભારત વિશ્વમાં સૌથી મોટો વેક્સિનેશન કાર્યક્રમ ચલાવે છે. આજે જે દેશ વિશ્વમાં નંબર વન સ્માર્ટ ફોન ડેટા કન્ઝ્યુમર છે એ માત્ર ભારત જ છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post