• Home
  • News
  • ‘ધ કેરલ સ્ટોરી’ પર રાજકીય જંગ:ફિલ્મ પર પ્રતિબંધ વિશે સુપ્રીમમાં સુનાવણી થશે, પહેલાં કહ્યું હતું- ‘લોકો નક્કી કરશે, ફિલ્મ સારી છે કે નહીં!’
post

મમતાએ વધુમાં કહ્યું હતું કે આ લોકો કેરળ અને તેના લોકોને બદનામ કરી રહ્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-05-09 17:42:29

મધ્યપ્રદેશ બાદ હવે UPમાં પણ ફિલ્મ 'ધ કેરલ સ્ટોરી'ને ટેક્સ ફ્રી કરી દેવામાં આવી છે. CM યોગી આદિત્યનાથે આ ફિલ્મને ટેક્સ ફ્રી બનાવવાના નિર્દેશ આપ્યા છે. CM યોગી આદિત્યનાથ 12મી મેના રોજ લોક ભવનમાં તેમની કેબિનેટ સાથે ફિલ્મ ધ કેરલ સ્ટોરીજોશે. એ જ સમયે UPના ડેપ્યુટી CM બ્રિજેશ પાઠકે મમતા બેનર્જી પર પ્રહાર કરતાં કહ્યું - ખૂબ જ દુઃખદ છે કે બંગાળમાં આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, બધાએ એને જોવી જોઈએ. અમે ટેક્સ ફ્રી કરી રહ્યા છીએ. પશ્ચિમ બંગાળે તુષ્ટીકરણની રાજનીતિ ન કરવી જોઈએ.

આ પહેલાં મધ્યપ્રદેશના CM શિવરાજ સિંહ ચૌહાણે 6 મેના રોજ કહ્યું હતું કે ધ કેરલ સ્ટોરીઆતંકવાદના ભયાનક સત્યને ઉજાગર કરતી ફિલ્મ છે. મધ્યપ્રદેશમાં એને ટેક્સ ફ્રી કરવામાં આવી રહી છે.

જ્યારે ઉત્તરાખંડના CM પુષ્કર સિંહ ધામી આજે 'ધ કેરલ સ્ટોરી' જોઈ શકે છે. કેરલ સ્ટોરીનું પ્રીમિયર પીવીઆર હાથીબડકાલા દેહરાદૂન ખાતે થઈ રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મુખ્યમંત્રી કેબિનેટ મંત્રી ગણેશ જોશી સાથે સાંજે 5 વાગ્યે ફિલ્મ નિહાળશે. એ જ સમયે CM ઉત્તરાખંડમાં આ ફિલ્મને ટેક્સ ફ્રી કરવાની જાહેરાત કરી શકે છે.

સુપ્રીમ કોર્ટ કેરલ સ્ટોરી પર પ્રતિબંધ મૂકવાની અરજી પર સુનાવણી કરશે
સુપ્રીમ કોર્ટ ફિલ્મ ધ કેરલ સ્ટોરીની રિલીઝ પર રોક લગાવવાની માગ કરતી અરજી પર સુનાવણી કરવા સંમત થઈ ગઈ છે. કોંગ્રેસના નેતા અને વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે મંગળવારે ચીફ જસ્ટિસને અરજી પર વહેલી સુનાવણીની અપીલ કરી હતી. આ પછી કોર્ટે સુનાવણી માટે 15 મેની તારીખ નક્કી કરી છે. અગાઉ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું- ફિલ્મ સારી છે કે નહીં, તે બજાર નક્કી કરશે.

કેરલ સ્ટોરી પર હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે શું કહ્યું?
સુપ્રીમ કોર્ટઃ અગાઉ જ્યારે આ અરજી પર વહેલી સુનાવણી માટે અપીલ કરવામાં આવી હતી, ત્યારે ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ અને જસ્ટિસ પીએસ નરસિમ્હાની બેન્ચે કહ્યું હતું કે- ફિલ્મ બનાવવા માટે અભિનેતાઓ અને નિર્માતાઓએ ઘણી મહેનત કરી છે. તમારે તેના વિશે વિચારવું જ જોઇએ. ફિલ્મ પર પ્રતિબંધ લગાવવામાં તમારે ખૂબ કાળજી રાખવી જોઈએ. જો આ ફિલ્મ સારી નહીં હોય તો તે બજાર નક્કી કરશે.

કેરળ હાઈકોર્ટઃ 5 મેના રોજ જસ્ટિસ એન નાગરેશ અને જસ્ટિસ સોફી થોમસે ફિલ્મ પર સ્ટે આપવાનો ઈન્કાર કર્યો હતો. તેમણે કહ્યું હતું - ફિલ્મ માત્ર સત્ય ઘટનાઓથી પ્રેરિત છે. બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશને જોયા બાદ રિલીઝની મંજૂરી આપી દીધી છે. કોઈપણ સમુદાય માટે આમાં કંઈ વાંધાજનક નથી. અરજદારોમાંથી કોઈએ ફિલ્મ જોઈ નથી. નિર્માતા કહે છે કે આ ફિલ્મ અમુક ઘટનાઓનું કાલ્પનિક સંસ્કરણ છે. તેઓ તે ટીઝરને સોશિયલ મીડિયા પરથી હટાવવા માટે પણ તૈયાર છે, જેમાં 30,000 મહિલાઓ ISISમાં જોડાવાની વાત છે.

નરોત્તમ મિશ્રાએ દિગ્વિજય અને કમલનાથને ટિકિટ મોકલી
MP
ના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ કહ્યું- મેં કેરલ સ્ટોરીની ટિકિટ દિગ્વિજય સિંહ અને કમલનાથજીને મોકલી છે, પરંતુ અત્યારસુધી તેમણે ફિલ્મ જોઈ નથી અને કદાચ જોશે પણ નહીં. મેં તેમને ટિકિટ એટલા માટે મોકલી કે કદાચ તેમનો દૃષ્ટિકોણ બદલાઈ જાય, પરંતુ તેમને ઝાકિર નાયકમાં શાંતિ દૂત દેખાય છે અને બાટલા હાઉસ એન્કાઉન્ટર પછી તેમની આંખોમાં આંસુ આવી જાય છે. પશ્ચિમ બંગાળમાં મમતા દીદીએ રામનવમીના સરઘસ અને ધ કેરળ સ્ટોરી પર પ્રતિબંધ મૂક્યો છે, પરંતુ તેઓ રોહિંગ્યા મુસ્લિમોને પ્રતિબંધિત કરતાં નથી. આ બતાવે છે કે આ લોકો કેવી રીતે તુષ્ટીકરણની રાજનીતિ કરે છે.

બિહારમાં પણ ફિલ્મને ટ્રેક્સ ફ્રી કરવાની માગ
સાથે જ કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે પણ બિહારમાં આ ફિલ્મને ટ્રેક્સ ફ્રી બનાવવાની માગ કરી હતી. તેમણે લખ્યું- 'ધ કેરલ સ્ટોરી'ને યુપીની જેમ બિહારમાં પણ ટેક્સ ફ્રી બનાવવી જોઈએ. આ ઉપરાંત મહારાષ્ટ્ર અને દિલ્હી ઉપરાંત બીજેપી શાસિત રાજ્યોમાં પણ આ ફિલ્મને ટ્રેક્સ ફ્રી બનાવવાની માગ છે.

શાંતિ જાળવી રાખવા માટે બંગાળમાં ફિલ્મ પર પ્રતિબંધ
પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાજ્યમાં ફિલ્મ 'ધ કેરલ સ્ટોરી' પર પ્રતિબંધ લગાવી દીધો છે. મમતાએ રાજ્યના મુખ્ય સચિવને બંગાળનાં સિનેમાઘરોમાંથી ફિલ્મ હટાવવાનો આદેશ આપ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બંગાળમાં શાંતિ જાળવી રાખવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી શહેરમાં હિંસા અને અપરાધની ઘટનાઓ ન બને.

મમતા બેનર્જીએ ભાજપ પર પણ મોટો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું હતું કે ભાજપ સરકાર બનાવટી અને ખોટી કહાની ધરાવતી બંગાળ ફાઇલ્સ બનાવવા માટે ફિલ્મ-નિર્માતાઓને પૈસા આપી રહી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે ભાજપ 'ધ કેરલ સ્ટોરી' નામની ફિલ્મ બતાવી રહી છે, જેની વાર્તા બનાવટી છે. થોડા દિવસો પહેલાં તેમના દ્વારા મોકલવામાં આવેલા કલાકારો બંગાળ આવ્યા હતા અને તેઓ બનાવટી અને ખોટી વાર્તા સાથેની ફિલ્મ બંગાળ ફાઇલ્સની તૈયારી કરી રહ્યા છે.

મમતાએ વધુમાં કહ્યું હતું કે આ લોકો કેરળ અને તેના લોકોને બદનામ કરી રહ્યા છે. તેઓ દરરોજ બંગાળના ગૌરવને પણ નુકસાન પહોંચાડે છે. BJP શા માટે સાંપ્રદાયિક સમસ્યાઓ ઊભી કરી રહી છે? શું આ બધું કરવાનું કોઈ રાજકીય પક્ષનું કામ છે? તેમને આવું કરવાનો અધિકાર કોણે આપ્યો?

 

adv

Related News

post
post
post
post
post
post
post