• Home
  • News
  • ગામડાની પત્નીને પહેલા ધૂતકારી, પતિએ નોકરી ગુમાવતાં પત્નીએ ઘર ચલાવ્યું, છૂટાછેડા અટક્યાં
post

ખરાબ પરિસ્થિતિમાં પત્નીએ ખાખરા, પાપડ વેચીને ઘરનું ગુજરાન ચલાવ્યું હતું

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-09 11:10:55

અમદાવાદ: લૉકડાઉન પહેલાં ગામડાની પત્ની સાથે મનમેળ નહીં હોવાથી છુટાછેડા માટે અરજી કરનાર પતિની લોકડાઉન દરમિયાન નોકરી જતી રહેતા તેની પત્નીએ ખાખરા અને પાપડ વેચતા ગૃહ ઉદ્યોગમાં ધંધો કરતા તેનું ઘરનું ગુજરાન ચાલ્યું હતું. ખરાબ સમયમાં પરિવારને સંભાળી લેનાર પત્ની સાથે છુટાછેડા લેવાનો નિર્ણય પડતો મૂક્યો છે. જોકે કેટલાક કાનુની મુદ્દાને લઇને તે અરજી હજુ પાછી ખેંચી શકાઇ નથી.

અમરેલીમાં રહેતી વિશ્વા મહેતાના (નામ બદલ્યાં છે) લગ્ન અમદાવાદ રહેતા મનોજ પારેખ સાથે થયાં હતાં. વિશ્વા લગ્ન પહેલાં તેના પિતાના ઘરે પાપડ અને ખાખરા વેચીને મદદ કરતી હતી. પરંતુ લગ્ન પછી મનોજ પારેખ તેને કોઇ કામ કરવા દેતો નહોતો. મનોજ તેની પત્નીને સ્વીકારી શકતો નહોતો. 

શહેરી રહેણીકરણી પ્રમાણે વિશ્વા રહેતી ન હોવાથી અને માનસિક રીતે વિચારો નહીં મળતા હોવાથી મનોજે ફેમિલી કોર્ટમાં છૂટાછેડાની અરજી કરી હતી. મનોજના વકીલ અનિલ શાહે વિગતો આપતા જણાવ્યું હતું કે, લૉકડાઉન અગાઉ મનોજ તેની પત્નીથી ઝડપથી છૂટાછેડા માટે વાતો કરતો હતો, લોકડાઉન પછી અરજી પાછી ખેચવા આવ્યો ત્યારે સાવ બદલાયેલો જણાયો હતો.

શા માટે છૂટાછેડાની અરજી પરત ખેંચવી છે? તે અંગે પૂછતા તેણે કહ્યું કે, જે બાબતોને લીધે હું તેને નીચી પાડતો હતો તે જ બાબતે આજે મારું પરિવાર ચલાવી લીધું છે. હું શહેરનો હોવાનો ગર્વ કરતો હતો, પરતું મારી નોકરી જતી રહેતા પત્નીએ એક વાર પણ મારા સ્વમાનને ઠેસ ન પહોંચે તે રીતે ખાખરા અને પાપડ વેચીને ઘર ચલાવી લીધું છે.

આર્થિક ભીંસથી છૂટાછેડા વધી રહ્યા છે
કોરોના મહામારીના કારણે ઘણા લોકોને બેકારીનો સામનો કરવો પડી રહ્યો છે. ધંધો રોજગાર ઠપ થઈ ગયા હોવાથી લોકો બેરોજગાર બની ગયા છે. આવા સમયે લોકો ડિપ્રેશનનો ભોગ બની રહ્યા છે. શહેરના જાણીતા સાઇકોલોજિસ્ટ પણ જણાવી રહ્યા છે કે, હાલ લોકોમાં ડિપ્રેશનનું પ્રમાણ વધી રહ્યું છે અને તેની અસર પરિવાર પર જોવા મળી રહી છે. બીજી તરફ ઘરેલું હિંસાની પણ ફરિયાદો વધુ જોવા મળી રહી છે. ત્યારે આવી પરિસ્થિતિમાં મગજ શાંત રાખવું જરૂરી છે. પતિ હોય કે પત્ની દરેકે એકબીજાને સમજવાની જરૂર છે. બંનેએ એકબીજાને આવા કપરા સમયમાં મદદ કરવી જોઈએ. આમ માનસિક રીતે રાહત થશે. પતિ-પત્નીનો મનમેળ ન હોવાના ઘણાં કારણો હોય છે, પણ આ પ્રકારના કિસ્સા સમાજની આંખો ખોલે છે. બીજું મોટું કારણ એ પણ હોય છે કે, શહેરી માનસિકતા ધરાવતા કેટલાક પુરુષોમાં એવી પણ માનસિકતા હોય છે કે, પત્નીએ નોકરી-ધંધો ન કરવો જોઈએ. જે તદ્દન ખોટી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post