• Home
  • News
  • પ્રશાંત ભૂષણે સુપ્રીમ કોર્ટમાં કહ્યું- મજૂરોની દુર્દશાને કેન્દ્ર નજર અંદાજ કરે છે, સરકારે કહ્યું- ચિંતા કરનારા તમે એકલા નથી
post

પ્રશાંત ભૂષણે કોર્ટમાં કહ્યું કે- સ્થળાંતરીત મજૂરોને બંધારણના અધિકાર મળતા નથી

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-28 09:04:34

નવી દિલ્હી: લોકડાઉનને લીધે દેશના વિવિધ વિસ્તારોમાં ફસાયેલા સ્થળાંતરીત મજૂરોના કેસ અંગે સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે કોર્ટ સમક્ષ કહ્યું કે સરકારે મજૂરોની દુર્દશાને નજર અંદાજ કરી રહી છે અને તેમણે બંધારણને લગતા કોઈ અધિકાર આપવામાં આવ્યા નથી. આ અંગે ન્યાયધિશ એનવી રમના, સંજય કિશન કૌલ અને બીઆર ગવઈની બનેલી ખંડપીઠે ભૂષણને કહ્યું કે અમે તમારું શું સાંભળીએ? તમને પણ કોર્ટ પર વિશ્વાસ નથી અને આ સંસ્થા સરકારની બંધક નથી. ભૂતપુર્વ આઈઆઈએમ ડાયરેક્ટર જગદીપ એસ ચૌકર અને વકીલ ગૌરવ જૈનની અરજી પર ખંડપીઠ સુનાવણી કરી રહી હતી. ચૌકર તરફથી ભૂષણની દલીલ રજૂ કરી હતી. સુપ્રીમ કોર્ટે એક સપ્તાહની અંદર આ કેસ પર કેન્દ્રને જવાબ આપવા કહ્યું છે. 

સ્થળાંતરીત મજૂરોના મુદ્દે કોર્ટ રુમમાં ઉગ્ર દલીલો

કેન્દ્ર તરફથી સોલિસિટર જનરલ તુષાર મેહતાએ કહ્યું કે સરકાર સ્થળાંતરીત મજૂરોની સમસ્યાથી વાકેફ છે અને તેના પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. સ્થળાંતરીત મજૂરોને શક્ય તમામ મદદ પહોંચાડવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે અને પ્રશાંત ભૂષણે એવું વિચારવાની જરૂર નથી કે તે એકમાત્ર વ્યક્તિ છે કે જે બંધારણને લગતા અધિકાર લાગુ ન કરવા અંગે ચિંતિત છે.

પ્રશાંત ભૂષણે કહ્યું- બંધારણે આ સંસ્થાને બનાવી છે, પણ હજુ સ્થળાંતરીત મજૂરોના મોલિક અધિકારોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે અને હું આ વ્યથા જાહેર કરવા હકદાર છું. મે ક્યારેય કહ્યું નથી કે મને આ વ્યવસ્થામાં કોઈ વિશ્વાસ નથી. હું ખોટો હોઈ શકું છું, પણ નિવૃત્ત જજ પણ આ પ્રકારનો અભિપ્રાય રજૂ કરી ચુક્યા છે.

સુપ્રીમ કોર્ટે આ દલીલ પર કહ્યું કે તમે છેલ્લા 30 વર્ષથી સર્વોચ્ચ અદાલતમાં પ્રેક્ટિસ કરી રહ્યા હોવાનો દાવો કરો છો તો તમને એ માલુમ હોવું જોઈએ કે કેટલાક આદેશ અનુકૂળ હોય છે અને કેટલાક નહીં. માટે તમારે એવી વાતો ન કહેવી જોઈએ.

પ્રશાંત ભૂષણે કહ્યું જો વકીલ તરીકે મારી ઉપસ્થિતિથી કોઈ વાંધો છે તો હું આ કેસથી હટી જવા માટે તૈયાર છું. પણ આ કેસને અન્ય વકીલ પણ સામે લાવશે. આ જવાબ અંગે ખંડપીઠે કહ્યું કે તમને કેસથી હટી જવા માટે ક્યારેય કહેવામાં આવ્યું નથી.

ભૂષણે કહ્યું-90 ટકા મજૂરોને રાશન મળ્યુ નથી, મેહતાએ કહ્યું- આંકડા ખોટા છે

પ્રશાંત ભૂષણે કોર્ટમાં કહ્યું કે 90 ટકા કરતા વધારે સ્થળાંતરીત મજૂરોને રાશન અથવા મજૂરી મળી નથી. તેમને તેમના ઘરે જવા પરવાનગી આપવી જોઈએ. આ અંગે મેહતાએ કહ્યું કે અરજીમાં ખોટા આંકડા રજૂ કરવામાં આવ્યા છે. કેન્દ્ર આ મુદ્દે રાજ્યો પાસે સલાહ લઈ રહી છે કે પ્રવાસી મજૂરોને કેવી રીતે મદદ કરી શકાય તેમ છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post