• Home
  • News
  • લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ:રાજકોટ જિલ્લાની પ્રાથમિક મતદાર યાદીમાં 12,539 નવા મતદારો નોંધાયા, ચૂંટણી પહેલા બે વખત મતદાર યાદીમાં સુધારાની તક મળશે
post

જાહેર કરવામાં આવેલી મતદાર યાદીનાં નવા મતદારોમાં પુરુષો કરતા મહિલાની સંખ્યા વધુ છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-05-17 18:22:52

રાજકોટ: કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા આગામી 2024ની લોકસભા ચૂંટણીને લઈ અત્યારથી તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત ગત માર્ચ-એપ્રિલ 2023માં 25 દિવસ માટે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. રાજકોટ શહેર તેમજ જિલ્લાના 2,253 મતદાન મથકો પર યોજાયેલા આ કાર્યક્રમ બાદ પ્રાથમિક રીતે જાહેર કરાયેલી મતદાર યાદીમાં 12,539 નવા મતદારો રાજકોટ શહેર-જિલ્લામાં નોંધાયા છે. કુલ 23,07,354 મતદારો થયા છે. જો કે, લોકસભાની ચૂંટણી પહેલા હજુ બે વખત મતદાર યાદીમાં સુધારાની તક મળશે.

નવા મતદારોમાં પુરુષો કરતા મહિલાની સંખ્યા વધુ
રાજકોટ જિલ્લામાં પ્રાથમિક મતદાર યાદી પ્રસિદ્ધ કરવા અંગે જિલ્લા ચૂંટણી અધિકારી શિવરાજસિહ ખાચરે જણાવ્યુ હતું કે, કેન્દ્રિય ચૂંટણી પંચના આદેશ મુજબ રાજકોટ શહેર અને જિલ્લામાં માર્ચ-એપ્રિલમાં મતદારયાદી સુધારણા સુધારણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં રાજકોટ વિધાનસભા 68નાં મત વિસ્તારમાં નવા 1,907 મતદારો રાજકોટ વિધાનસભા 69માં નવા 2,226, રાજકોટ વિધાનસભા 70માં નવા 1,195, તેમજ રાજકોટ વિધાનસભા 71માં નવા 3,918 મતદારો નોંધાયા છે. જ્યારે જિલ્લાની વાત કરીએ તો રાજકોટ વિધાનસભા 72 જસદણમાં 766, રાજકોટ વિધાનસભા 73 ગોંડલમાં 415, રાજકોટ વિધાનસભા 74માં નવા 1,332 તેમજ રાજકોટ વિધાનસભા 75 ધોરાજીમાં નવા 780 સહિત કુલ 12,539 મતદારોની નોંધણી થઈ છે.

ચૂંટણી પહેલા બે મતદારયાદી સુધારણા ક્રર્યક્રમ
વધુમાં તેમણે જણાવ્યુ હતું કે, જાહેર કરવામાં આવેલી મતદાર યાદીનાં નવા મતદારોમાં પુરુષો કરતા મહિલાની સંખ્યા વધુ છે. જેમાં 5,712 પુરુષ અને 6,821 મહિલા ઉપરાંત થર્ડ જેન્ડરનાં 6 મતદારો સામેલ છે. લોકસભા 2024 ચૂંટણી જાહેર થાય તે પૂર્વે રાજકોટ શહેર અને જિલ્લાના બાકી રહી ગયેલા તેમજ નવા 18 વર્ષથી વધુ વયના મતદારો માટે વધુ બે વખત મતદાર યાદી સતત સુધારણા ક્રર્યક્રમ યોજવામાં આવશે. જેમાં પ્રથમ કાર્યક્રમ જુલાઇ માસમાં અને બીજો કાર્યક્રમ નવેમ્બર માસમાં યોજવામાં આવે તેવી શકયતા છે. હાલ જાહેર થયેલી આ મતદાર યાદી ગાઈકલથી જ કલેકટર કચેરી, પ્રાંત કચેરીઓ, મામલતદાર કચેરીઓ તથા ગ્રામ પંચાયત તેમજ તાલુકા પંચાયત કચેરીમાં મૂકી દેવામાં આવી છે.

30મેથી જનસંપર્ક અભિયાન શરૂ કરાશે
ઉલ્લેખનીય છે કે, આગમી ચૂંટણીને લઈને રાજકીય પક્ષો તૈયારીમાં લાગી ચુક્યા છે. ભાજપ દ્વારા અત્યારથી પ્રચારનું રણશિંગુ ફૂંકી દેવામાં આવ્યું છે. આગામી 30મેથી મહાસંપર્ક અભિયાન શરૂ કરવામાં આવનાર છે. જો કે, કોંગ્રેસ સહિતના બાકીના પક્ષો દ્વારા હજુસુધી ખાસ કોઈ કામગીરી શરૂ કરવામાં આવી નથી. પરંતુ તંત્ર દ્વારા મતદાર સુધારણા સહિતના કાર્યક્રમો દ્વારા ચૂંટણી માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આગામી મહિનાઓમાં હજુ બે વખત મતદાર યાદીમાં સુધારાની કામગીરી થશે. આ કામગીરી નવેમ્બર સુધીમાં પૂર્ણ થનાર હોવાથી આગામી ડિસેમ્બર સુધીમાં દેશભરમાં લોકસભા ચૂંટણીનો માહોલ છવાશે તે નિશ્ચિત છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post