• Home
  • News
  • વડોદરાના અભોર ગામની પ્રાથમિક સ્કૂલમાં દારૂની પાર્ટી કરી, પ્રિન્સિપાલે 3 બાળકીને શૌચાલયમાં લઈ જઈ અશ્લિલ વીડિયો બતાવ્યો
post

આચાર્ય મહેન્દ્રભાઈ જાદવ દ્વારા બતાવવામાં આવેલા અશ્લિલ ફોટો-વીડિયો જોઈ ડઘાઈ ગયેલી વિદ્યાર્થિનીઓએ ઘરે જઈ પોતાના વાલીઓને જાણ કરતા તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2023-08-15 17:49:39

વડોદરાના પાદરા તાલુકાના અભોર ગામની પ્રાથમિક શાળામાં પણ સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણી બાદ સ્કૂલના પ્રિન્સિપાલ અને શિક્ષક દ્વારા દારૂની મહેફિલ માણવામાં આવી હતી. મહેફિલ માણ્યા બાદ આચાર્યએ સ્કૂલની ત્રણ વિદ્યાર્થીનીઓને શૌચાલયમાં લઈ જઈ મોબાઈલ પર અશ્લિલ ફોટો-વીડિયો બતાવતા હોબાળો મચ્યો હતો. ગામ લોકોનું ટોળું સ્કૂલ ઉપર ધસી જઈ લપંટ આચાર્યને મેથીપાક ચખાડ્યો હતો. બાદમાં આચાર્ય અને શિક્ષકને પોલીસ હવાલે કરી દીધા હતા. ગામલોકોની ફરિયાદના આધારે પોલીસે ફરિયાદની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવને પગલે સમગ્ર પાદરા પંથકમાં ચકચાર મચી ગઈ હતી.

ધ્વજવંદન બાદ કાંડ થયો
મળેલી માહિતી પ્રમાણે પાદરા તાલુકાના અભોર ગામની પ્રાથમિક સ્કૂલમાં આજે 77માં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ધ્વજવંદન સહિતના કાર્યક્રમો સાથે ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વાતંત્ર્ય દિનની ઉજવણીના કાર્યક્રમમાં સ્કૂલના તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકગણ હાજર રહ્યો હતો. સાથે ગામના અગ્રણીઓ પણ સ્વાતંત્ર્ય દિનની ઉજવણીમાં ઉપસ્થિત રહ્યા હતા. સાથે જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

સ્કૂલમાં દારૂ પીધો
સ્કૂલમાં ધ્વજવંદનનો કાર્યક્રમ પૂરો થયા બાદ મોટાભાગના લોકો રવાના થઈ ગયા હતા. સ્કૂલમાં કેટલાંક વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ હાજર હતા. મોટાભાગના લોકો રવાના થઈ ગયા બાદ સ્કૂલના આચાર્ય મહેન્દ્રભાઇ ચંદુભાઇ જાદવ (હાલ રહે. પાદરા) અને શિક્ષક રમેશભાઈ આશાભાઈ પંચાલે દારૂની મહેફિલ જમાવી હતી. મહેફિલ દરમિયાન આચાર્ય મહેન્દ્રભાઈ જાદવ સ્કૂલમાં ફરી રહેલી ત્રણ વિદ્યાર્થિનીઓને લઈ સ્કૂલના શૌચાલયમાં લઈ ગયો હતો. તેઓને પોતાના મોબાઈલ ફોન ઉપર અશ્લિલ ફોટા અને વીડિયો બતાવતા વિદ્યાર્થિનીઓ ચોંકી ઉઠી હતી.

ટોળું સ્કૂલ પર ધસી ગયું
આચાર્ય મહેન્દ્રભાઈ જાદવ દ્વારા બતાવવામાં આવેલા અશ્લિલ ફોટો-વીડિયો જોઈ ડઘાઈ ગયેલી વિદ્યાર્થિનીઓએ ઘરે જઈ પોતાના વાલીઓને જાણ કરતા તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા. તુરંત જ વાલીઓ સ્કૂલ ઉપર આવવા નીકળ્યા હતા. વિદ્યાર્થિનીઓના વાલીઓને હાંફળા-ફાંફળા સ્કૂલમાં જતા જોઈ ફળિયાના લોકો તેમજ ગામના લોકો પણ સ્કૂલ ઉપર દોડી ગયા હતા. જોતજોતામાં સ્કૂલ ખાતે મોટું ટોળું એકઠું થઈ ગયું હતું. ટોળાને હકિકત મળતા રોષે ભરાયું હતું અને આચાર્ય મહેન્દ્રભાઈ જાદવને સ્કૂલમાંથી બહાર કાઢી લાવી માર માર્યો હતો.

બંનેની અટકાયત કરાઈ
બીજીબાજુ આ બનાવની જાણ વડુ પોલીસને કરવામાં આવતા પોલીસ કાફલો ગણતરીની મિનિટોમાં અભોર ગામમાં દોડી આવ્યો હતો. ટોળામાં ઘેરાયેલા આચાર્ય મહેન્દ્રભાઈ જાદવને બચાવી પોલીસ મથકમાં લઈ ગયા હતા. સાથે શિક્ષક રમેશભાઈ આશાભાઈ પંચાલ (રહે. પાદરા)ને પણ પોલીસ સ્કૂલમાં દારૂની મહેફિલ માણવાના કેસમાં પોલીસ મથકમાં લઈ ગઈ હતી અને ગામ લોકોની ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post