• Home
  • News
  • ક્વોરન્ટીન સેન્ટર્સમાં સારું ભોજન, વાઇફાઇ આપો, નહિતર લૉકડાઉન લંબાવવાથી હવે કોઇ ફાયદો નહીં થાય: ડૉ. શેટ્ટી
post

હર્ડ ઇમ્યુનિટી ડેવલપ કરવા માટે ઓછામાં ઓછા 50 ટકા લોકોએ આ વાઇરસથી સંક્રમિત થવું પડશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-07 08:48:19

નવી દિલ્હી: જાણીતા કાર્ડિયાક સર્જન અને નારાયણા હેલ્થના ચેરમેન ડૉ. દેવી શેટ્ટીનું કહેવું છે કે દેશમાં મોટી સંખ્યામાં પરપ્રાંતીય મજૂરો પોતપોતાના રાજ્યમાં પરત ફરી રહ્યા છે ત્યારે તેમના હેલ્થ સ્ક્રીનિંગનું અને તેમને બે અઠવાડિયાં સુધી ક્વોરન્ટીન કરવામાં આવે તે દરમિયાન ધ્યાન રાખવું પડશે કે તેમને રહેવા માટે સારી જગ્યા, પૌષ્ટિક ભોજન અને અનલિમિટેડ વાઇફાઇ કનેક્શન મળે. આવું નહીં થાય તો લોકો બે-ત્રણ દિવસમાં જ સેન્ટર છોડવા લાગશે. તેમાંથી એકાદ પણ કોરોના પોઝિટિવ હશે અને બહાર નીકળ્યો તો સ્થિતિ ખતરનાક હોઇ શકે છે. દિલ્હી પાસેથી બોધપાઠ લેવો પડશે. હજાર લોકોના કારણે દેશમાં દર્દીઓની સંખ્યા વધતી ગઇ. ડૉ. શેટ્ટી સાથે વાતચીતના મુખ્ય અંશ...


સવાલ: લૉકડાઉનથી કેટલો ફાયદો છે? શું તે હજુ લંબાવવાની જરૂર છે
ડૉ. દેવી શેટ્ટી: હવે બધી જગ્યાએ લૉકડાઉન લંબાવવાથી મેડિકલી કોઇ ફાયદો નથી. ભારત મોટો દેશ છે. યુરોપની જેમ અહીં પણ પોલિસી બનાવવાની જરૂર છે. બધી જગ્યાએ સમસ્યા જુદા-જુદા પ્રકારની છે. દરેક રાજ્યએ તેની સ્થિતિ પ્રમાણે પોલિસી નક્કી કરવી જોઇએ અને નિર્ણય લેવાનો અધિકાર જિલ્લા વહીવટીતંત્રને આપવો જોઇએ. 


સવાલ: ભારતે બહુ પહેલાં લૉકડાઉનનો નિર્ણય લઇ લીધો હતો. તેનાથી કેટલો ફાયદો થયો
ડૉ. દેવી શેટ્ટી: ભારતનો અપ્રોચ બહુ સારો રહ્યો. આમ ન થયું હોત તો આજે મૃતકોની સંખ્યા બમણાથી પણ વધુ હોત અને દર્દીઓ પણ અનેકગણા વધારે હોત. જેટલા દર્દીઓ 6 મહિનામાં આવશે તેટલા બે અઠવાડિયામાં આવી જાત. પછી તેમને સંભાળવાનું મુશ્કેલ બની જાત. અમેરિકા, ઇટાલીમાં એવું જ થયું. 


સવાલ: લૉકડાઉનમાં કે તે પછી સોશિયલ ડિસ્ટન્સિંગનું બરાબર પાલન ન થયું તો શું થશે
ડૉ. દેવી શેટ્ટી: સોશિયલ ડિસ્ટન્સિંગમાં બેદરકારી રખાશે તો ભારતની હાલત પણ ઇટાલી જેવી થઇ શકે છે. રોજ હજારોની સંખ્યામાં દર્દીઓ આવશે અને મૃતકોની સંખ્યા પણ તે રીતે જ વધશે. મોટા-મોટા દેશોમાં વેન્ટિલેટર, પીપીઇ કિટ, ડૉક્ટર્સ અને દવાઓની અછત સર્જાઇ.
સવાલ: હર્ડ ઇમ્યુનિટી ક્યાં સુધીમાં ડેવલપ થઇ જશે?
ડૉ. દેવી શેટ્ટી: હર્ડ ઇમ્યુનિટી ડેવલપ કરવા માટે ઓછામાં ઓછા 50 ટકા લોકોએ આ વાઇરસથી સંક્રમિત થવું પડશે. ઓછામાં ઓછા 2-3 વર્ષ લાગશે.
સવાલ: વધુ ટેસ્ટ કરવાથી શું ફાયદો થશે?
ડૉ. દેવી શેટ્ટી: વધુ ટેસ્ટ દ્વારા સંક્રમિતોને શોધી કાઢીને તેમને ક્વોરન્ટીન કરી શકાશે. લક્ષણો વિનાના દર્દીઓને અલગ નહીં કરાય તો તેઓ તેમના ઘરમાં વૃદ્ધોને સંક્રમિત કરશે. જોકે, હજુ પણ પૂરતું ટેસ્ટિંગ નથી થઇ રહ્યું. આરટી-પીસીઆર ટેસ્ટમાં વપરાતા રિ-એજન્ટની દુનિયાભરમાં અછત છે. જાહેરમાં હંમેશા માસ્ક પહેરવાની, 6 ફૂટનું અંતર રાખવાની ટેવ પાડો, વૃદ્ધો ઘરની બહાર ન નીકળે, જાહેર પરિવહનનો ઓછો ઉપયોગ કરીએ, ભીડવાળી જગ્યાએ જવાનું ટાળીએ. જાહેરમાં હંમેશા માસ્ક પહેરી રાખીએ અને એકબીજાથી ઓછામાં ઓછું 6 ફૂટનું અંતર રાખીએ, કોઇને સ્પર્શ ન કરીએ. જાહેર પરિવહનનો ઓછામાં ઓછો ઉપયોગ કરીએ અને તેમાં ભીડ જરાય ન હોવી જોઇએ. ખૂબ જરૂરી હોય તો જ ઘરની બહાર નીકળીએ. ઘરના વૃદ્ધો કે બીમાર લોકોને બહાર બિલકુલ ન જવા દો.

adv

Related News

post
post
post
post
post
post
post