• Home
  • News
  • પૂર્ણેશ મોદીએ પાણી પહેલાં પાળ બાંધી:રાહુલ ગાંધી પહેલાં સુપ્રીમ કોર્ટમાં કેવિએટ અરજી કરી, કહ્યું- કોર્ટ એકતરફી વાત સાંભળી ચુકાદો ન આપે, મારો પક્ષ પણ સાંભળે
post

હજી સુધી રાહુલ ગાંધી સુપ્રીમ કોર્ટ ગયા નથી, પરંતુ બની શકે કે તેઓ જલદી જ ગુજરાત હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારી શકે છે.

Written By newsonline | Ahmedabad | Published: 2023-07-12 18:33:14

મોદી સરનેમ માનહાનિ કેસમાં આજે સવારે અણધાર્યો વળાંક આવ્યો છે. આરોપી રાહુલ ગાંધી માટે એકમાત્ર આશાનું કિરણ એવી સુપ્રીમ કોર્ટમાં ફરિયાદી પૂર્ણેશ મોદી પહોંચી ગયા છે. પૂર્ણેશ મોદીએ સર્વોચ્ચ અદાલતમાં કેવિએટ દાખલ કરીને એવી રજૂઆત કરી છે કે અદાલત રાહુલ ગાંધીને સાંભળે એ પહેલાં મને પણ સાંભળવાની તક આપવી જોઇએ.

હજી સુધી રાહુલ ગાંધી સુપ્રીમ કોર્ટ ગયા નથી, પરંતુ બની શકે કે તેઓ જલદી જ ગુજરાત હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારી શકે છે. ભૂતકાળમાં ગુજરાત હાઈકોર્ટે 'મોદી સરનેમ' માનહાનિ કેસમાં નીચલી અદાલત દ્વારા આપવામાં આવેલી બે વર્ષની સજા પર સ્ટે મૂકવાનો ઇનકાર કર્યો હતો. હાઈકોર્ટે નીચલી કોર્ટના નિર્ણયને યોગ્ય માનીને રાહુલ ગાંધીની અરજીને ફગાવી દીધી હતી. 2019ની ચૂંટણી દરમિયાન કર્ણાટકમાં એક રેલી દરમિયાન રાહુલ ગાંધીએ 'મોદી સરનેમ' અંગે આપેલા નિવેદન પર આ વર્ષે 23 માર્ચે સુરતની નીચલી અદાલતે રાહુલને સજા સંભળાવી હતી. આ નિર્ણય બાદ ગાંધીને લોકપ્રતિનિધિત્વ અધિનિયમની જોગવાઈઓ હેઠળ સંસદના સભ્યપદેથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા.

ગુજરાત હાઈકોર્ટે શું કહ્યું હતું?
ન્યાયાધીશ હેમંત પ્રચ્છકે અરજીને ફગાવી દેતાં કહ્યું હતું કે રાહુલ ગાંધી સામે પહેલેથી જ દેશભરમાં 10 કેસ ચાલી રહ્યા છે અને કોંગ્રેસનેતાને તેમની ટિપ્પણી માટે બે વર્ષની જેલની સજાનો ટ્રાયલ કોર્ટનો આદેશ "વાજબી, યોગ્ય અને માન્ય" છે. કોર્ટે કહ્યું હતું કે દોષિત ઠેરવવાના ચુકાદા પર પ્રતિબંધ લગાવવા માટે કોઈ વાજબી કારણ નથી. કોર્ટે કહ્યું, 'તે (ગાંધી) બિલકુલ પાયાવિહોણા આધારો પર દોષિત ઠરાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. અયોગ્યતા માત્ર સાંસદો, ધારાસભ્યો સુધી મર્યાદિત નથી. એટલું જ નહીં, આરોપી વિરુદ્ધ 10 ફોજદારી કેસ પેન્ડિંગ છે.

કોર્ટે વીર સાવરકરના નિવેદન પર પણ સંજ્ઞાન લીધું હતું
કોર્ટે કહ્યું હતું કે આ ફરિયાદ પછી વીર સાવરકરના પૌત્રે કેમ્બ્રિજમાં વીર સાવરકર વિરુદ્ધ ગાંધીજી દ્વારા અપમાનજનક નિવેદનને લઈને પુણેની કોર્ટમાં બીજી ફરિયાદ દાખલ કરી હતી. તેમની સામે બીજી ફરિયાદ લખનઉની સંબંધિત કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. કોર્ટે કહ્યું હતું કે આ પૃષ્ઠભૂમિમાં દોષિત ઠેરવવાના આદેશ પર સ્ટે આપવાનો ઇનકાર કરવાથી અરજદારને અન્યાય થશે નહીં. ન્યાયાધીશે આદેશ વાંચતાં કહ્યું હતું કે નીચલી કોર્ટ દ્વારા આપવામાં આવેલા આદેશ ન્યાયી અને માન્ય છે અને એમાં કોઈ દખલની જરૂર નથી.


શું છે સમગ્ર મામલો
ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા 2019ના કેસમાં સુરતની મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે 23 માર્ચે રાહુલ ગાંધીને ભારતીય દંડ સંહિતાની કલમ 499 અને 500 હેઠળ દોષિત ઠેરવ્યા હતા અને તેમને બે વર્ષની જેલની સજા ફટકારી હતી. 13 એપ્રિલ, 2019ના રોજ કર્ણાટકના કોલારમાં એક ચૂંટણી રેલી દરમિયાન રાહુલ ગાંધીએ ટિપ્પણી કરી હતી કે 'બધા ચોરોની સરનેમ મોદી કેમ હોય છે?' ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ ટિપ્પણી બદલ રાહુલ ગાંધી સામે માનહાનિનો ફોજદારી કેસ દાખલ કર્યો હતો.

adv

Related News

post
post
post
post
post
post
post