• Home
  • News
  • રબ ને બના દી જોડી! 66 વર્ષના આ ક્રિકેટરને ફરી પૈણ્ય ચડ્યું, 28 વર્ષ નાની બુલબુલ સાથે ફરશે સાત ફેરા
post

ભારતની ટીમના પૂર્વ ઓપનિંગ ખેલાડી અરૂણ લાલને તો તમે ઓળખતાં જ હશો. આ વખતે તે ચર્ચામાં આવ્યા છે પોતાના બીજા લગ્નને લઈને. 16 ટેસ્ટ અને 13 વન-ડે રમી ચૂકેલા અરૂણ લાલને 66 વર્ષની ઉંમરે પૈણ્ય ચડ્યું છે. અને તે પોતાનાથી 28 વર્ષ નાની બુલબુલ સાથે સાત ફેરા ફરવા જઈ રહ્યા છે.

Written By newsonline | Ahmedabad | Published: 2022-04-26 10:05:26

નવી દિલ્લી: ભારતના પૂર્વ ઓપનર  અરૂણ લાલ ફરી એકવાર વરરાજા બનવા જઈ રહ્યા છે. 66 વર્ષની ઉંમરે લોકો આરામથી જીવન પસાર કરવાનું વિચાર કરતાં હોય પરંતુ અહીં તો અરૂણ લાલ 66 વર્ષની ઉંમરે ફરી ઘોડીએ ચડવા જઈ રહ્યા છે. તેમની થનારી પત્નીનું નામ બુલલુલ સાહા છે. તમને જાણીને આશ્વર્ય થશે કે બુલબુલની ઉંમર માત્ર 38 વર્ષ છે. એટલે કે અરૂણ લાલ કરતાં તે ઉંમરમાં 28 વર્ષ નાની છે.

લાંબા સમયથી એકબીજાને ઓળખે છે અરૂણ-બુલબુલ:
અરૂણ લાલ અને બુલબુલ સાહા એકબીજાને લાંબા સમયથી ઓળખે છે. બંને ઘણા જૂના મિત્ર છે. અરૂણ લાલે તો લગ્નનું કાર્ડ પણ છપાવી દીધું છે અને વહેંચવાનું કામ પણ ચાલુ કરી દીધું છે. બંનેના લગ્ન 2 મેના રોજ કોલકાતાના પીયરલેસ ઈન હોટલમાં થશે. લગ્નમાં મોટું રિસેપ્શન પણ આપવામાં આવશે.

કેન્સરને હરાવી ચૂક્યા છે અરૂણ લાલ:
અરૂણ લાલનો જન્મ એક ઓગસ્ટ 1955માં ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં થયો હતો. તેમણે બંગાળ માટે ક્રિકેટ રમવાની શરૂઆત કરી હતી. તેમના લગ્નમાં બંગાળ ક્રિકેટ એસોસિયેશનના અધિકારીઓ, પૂર્વ ક્રિકેટરો, બંગાળના ક્રિકેટરો અને બીજા પરિવારજનોને આમંત્રિત કરવામાં આવશે. અરૂણ લાલને 2016માં કેન્સર થયું હતું. જેના કારણે તેમણે કોમેન્ટ્રી કરવાનું છોડી દીધું હતું. જોકે તેમણે કેન્સર નામની બીમારીને હરાવીને બંગાળ ટીમની કોચિંગનું કામ સંભાળી લીધું.

પહેલી પત્નીની મરજીથી કરી રહ્યા છે બીજા લગ્ન:
એવું નથી કે અરૂણ લાલની પહેલી પત્ની નથી. અરૂણ લાલે રીના સાથે લગ્ન કર્યા હતા. પરંતુ બંનેએ એકબીજાની સહમતિથી છૂટાછેડા લઈ લીધા છે. રીના ઘણા લાંબા સમયથી બીમાર છે. તેમની મરજીથી જ અરૂણ લાલ બીજા લગ્ન કરવા જઈ રહ્યા છે. અરૂણ અને બુલબુલે એક મહિના પહેલા જ સગાઈ કરી હતી. જ્યારે બંને લાંબા સમયથી રિલેશનશિપમાં છે.

ભારતીય ટીમ વતી બહુ ઓછું ક્રિકેટ રમ્યા:
અરૂણ લાલની ક્રિકેટ કારકિર્દીની વાત કરીએ તો તેમણે માત્ર 16 ટેસ્ટ અને 13 વન-ડે મેચ રમી છે. આ દરમિયાન તેમણે ટેસ્ટમાં 729 અને વન-ડેમાં માત્ર 122 રન બનાવ્યા. પોતાની કારકિર્દી દરમિયાન તે એકપણ સદી ફટકારી શક્યા નહીં. જોકે ફર્સ્ટ ક્લાસમાં તેમણે શાનદાર રમતનું પ્રદર્શન કર્યું હતું. ફર્સ્ટ ક્લાસની 156 મેચમાં અરૂણ લાલના નામે 30 સદી અને 10,421 રન છે. અરૂણ લાલે પોતાની પહેલી વન-ડે મેચ 27 જાન્યુઆરી 1982માં ઈંગ્લેન્ડ સામે કટકમાં રમી હતી. જ્યારે છેલ્લી મેચ એપ્રિલ 1989ના રોજ વેસ્ટ ઈન્ડિઝ સામે કિંગ્સટનમાં ટેસ્ટ રમી હતી.