• Home
  • News
  • 80 હજારનો ગ્લાસ બચાવવા 4 લાખની રેલિંગ કરાઇ, અટલ ફૂટ ઓવરબ્રિજ પરના કાચ પરથી વીડિયો કે સેલ્ફી નહીં લઈ શકાય
post

સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનના અધિકારીએ પોતાનો લૂલો બચાવ કરતાં ગરમીના લીધે આ કાચ પર તિરાડો પડી હોવાનું કારણ આગળ ધર્યું હતું.

Written By newsonline | Ahmedabad | Published: 2023-04-26 17:53:55

અમદાવાદ: અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર ફરવા માટેનો સૌથી જાણીતો એવો અટલ ફૂટ ઓવરબ્રિજ ઉપર વચ્ચે લગાવવામાં આવેલા આઠ કાચમાંથી એક કાચમાં તિરાડો પડી ગઈ હતી. હવે આ તમામ કાચની આસપાસ લોખંડની ગ્રિલ લગાવી દેવામાં આવી છે. અત્યારસુધી લોકો એના ઉપર ઊભા રહીને નીચે નદીનું પાણી જોઈ શકતા હતા અને ત્યાંથી તસવીરો, વીડિયો અને સેલ્ફી લેતા હતા, પરંતુ માત્ર સાત મહિનામાં જ આ કાચ ઘસાઈ જતાં એના પર સ્ક્રેચ પડ્યા હતા. રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા લોખંડની ગ્રિલ લગાવી દેવાઈ છે, જેથી હવે લોકો ત્યાં ઊભા રહી નહીં શકે, પરંતુ લોખંડની ગ્રિલ પાસેથી ઊભા રહીને નીચે સીધું નદીમાં પાણી જોઈ શકશે. જોકે આડસ મૂકવા માટે સ્ટીલની ગ્રિલ લગાવવા માટે લાખોનો ખર્ચ કરાયો છે. અટલ ફૂટ ઓવરબ્રિજ પર લગાવેલા આકર્ષક કાચની આસપાસ રિવરફ્રન્ટ કોર્પોરેશન તંત્ર દ્વારા જે ગ્રિલ લગાવવામાં આવી છે એનો અંદાજિત ખર્ચ આશરે રૂપિયા ચાર લાખ જેવો થયો છે.

તિરાડ દેખાતાં 8 કાચને ગ્રિલની સુરક્ષા અપાઈ
અટલ બ્રિજ પર આકર્ષક 8 કાચ પર લોકો ઊભા રહીને નીચે સીધું પાણી જોઈ શકે અને સેલ્ફી લઈ શકે એના માટે લગાવવામાં આવ્યા છે. રિવરફ્રન્ટ તંત્ર દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે કાચ પર ઊભા રહી નીચે પાણી જોવામાં લોકોની સુરક્ષાનો કોઈપણ પ્રકારનો પ્રશ્ન નથી, પરંતુ લાખો લોકો આ કાચ પર ઊભા રહીને નદીમાં જોતા હોય છે. એને કારણે સ્ક્રેચ પડી જતાં કાચ ઘસાઈ ગયો છે, જેથી હવે લોકો ચોખ્ખું પાણી જોઈ શકે એ માટે આસપાસ ગ્રિલ લગાવી દેવામાં આવી છે. એક તરફ આકર્ષક કાચ લોકો તેના પર ઊભા રહીને સીધું નીચે નદીમાં પાણી જોઈ શકે એ માટે લગાવવામાં આવ્યા હતા, પરંતુ હવે તિરાડ પડવાની ઘટના બાદ અચાનક જ આ ગ્રિલ લગાવી દેવામાં આવતાં સવાલ ઊભો થયો છે કે ખરેખર સુરક્ષાનો પ્રશ્ન નથી કે પછી સ્ક્રેચ પડવાના નામે સુરક્ષા માટે ગ્રિલ લગાવી દેવાઇ છે.

લોકોને નદીનું ચોખ્ખું પાણી દેખાડવા ગ્રિલ લગાવાઈ!
સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર આઈ. કે. પટેલે વાતચીતમાં જણાવ્યું હતું કે અટલ ફૂટ ઓવરબ્રિજ પર જે આઠ કાચ આવેલા છે એની આસપાસ લોખંડની ગ્રિલ લગાવવામાં આવી છે. લોખંડની ગ્રિલ લગાવવાનો હેતુ છે કે જે કાચ લગાવવામાં આવ્યા છે એના ઉપર લોકો ઊભા રહે છે. લાખો લોકોની અવરજવરને કારણે સ્ક્રેચ પડી ગયા હતા અને નદીમાં સીધું ચોખ્ખું પાણી જોઈ શકાતું ન હતું. લોકો નદીનું ચોખ્ખું પાણી જોઈ શકે એ માટે હવે લોખંડની ગ્રિલ લગાવી દેવામાં આવી છે, જેથી ત્યાં ઊભા રહીને લોકો નદીનું પાણી જોઈ શકશે. કાચ પર તિરાડો પડી હતી એ તમામ કાચ પર સુરક્ષાનો કોઈ પ્રશ્ન નથી.

ગરમીના કારણે કાચ પર તિરાડોનો લૂલો બચાવ
અટલ ફૂટ ઓવરબ્રિજ પર કાચમાંથી સીધું નદીનું પાણી દેખાય છે, એવા આ કાચ પર 5 એપ્રિલના રોજ તિરાડો પડતાં તાત્કાલિક સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા એને બેરિકેડ્સ કરીને એના ઉપર કોઈ ઊભા ના રહે એ રીતે કોર્ડન કરી દેવામાં આવ્યું હતું. અટલ ફૂટ બ્રિજના ઉદઘાટનના સાત મહિનામાં જ લગાવવામાં આવેલા આકર્ષક ચાર કાચમાંથી એક કાચમાં આ રીતે તિરાડો પડતાં અનેક સવાલો ઊભા થયા છે. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનના અધિકારીએ પોતાનો લૂલો બચાવ કરતાં ગરમીના લીધે આ કાચ પર તિરાડો પડી હોવાનું કારણ આગળ ધર્યું હતું.

પહેલાં લોકો કાચ પર ઊભા રહીને નદીને જોતા
બારડોલીથી અમદાવાદ ફરવા આવેલા ઉર્વીશ પ્રજાપતિએ જણાવ્યું હતું કે સૌપ્રથમ અહીં આકર્ષક કાચની આસપાસ ગ્રિલ હતી નહીં અને કાચ ઉપર ઊભા રહી નદી પર ઊભા રહીએ છીએ એવો અહેસાસ થતો હતો, પરંતુ હવે ગ્રિલ લગાવી દેવામાં આવી છે, જેના કારણે જે હેતુ હતો એ જતો રહ્યો છે. વિશાલ નામના યુવકે જણાવ્યું હતું કે આકર્ષક કાચની આસપાસ ગ્રિલ લગાવી દેવામાં આવી છે, એ સુરક્ષાના હેતુથી ખૂબ સારી વાત છે, પરંતુ અગાઉ જ્યારે કાચ ઉપર ઊભા રહીને જે રીતે સીધું નદીનું પાણી જોઈ શકાતું હતું એ રહ્યું નથી. મોરબીની દુર્ઘટના બાદ આ રીતે સુરક્ષા માટે ગ્રિલ લગાવાઈ છે એ સારી બાબત છે, પરંતુ એક તરફ આ કાચ હવે ઘસાઈ ગયા છે અને સીધું નદીનું પાણી જોઈ શકાતું નથી, જેથી કાચ બદલવાની પણ જરૂરિયાત છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post