• Home
  • News
  • ચીન પર એક વધુ સ્ટ્રાઈક:રેલવેએ રદ કર્યું 44 સેમી હાઈસ્પીડ વંદે ભારત ટ્રેન બનાવવાનું ટેન્ડર, હરાજીમાં ચીની કંપની પણ સામેલ હતી​​​​​​​
post

એક સપ્તાહમાં જાહેર કરવામાં આવશે નવું ટેન્ડર, મેક ઈન્ડિયાને પ્રાથમિકતા આપવામાં આવશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-22 11:00:04

લદ્દાખની ગલવાન ખીણમાં સીમા વિવાદ પછી ભારત તરફથી ચીની કંપનીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. હવે ભારતીય રેલવેએ 44 સેમી હાઈ-સ્પીડ વંદે ભારત ટ્રેન બનાવવાનું ટેન્ડર જાહેર કર્યું હતું. આ ટ્રેનોને બનાવવા માટે ભારતીય કંપનીઓ સાથે એક ચીની કંપની પણ હરાજી લગાવવામાં સામેલ હોવાના કારણે ભારતીય રેલવે દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. રેલવેએ ટ્વિટ કરીને શુક્રવારે મોડી રાતે ટેન્ડર રદ કરવાની માહિતી આપી છે.

ટૂંક સમયમાં નવું ટેન્ડર જાહેર કરાશે
રેલવેના જણાવ્યા પ્રમાણે આ ટ્રેનોના નિર્માણ માટે એક સપ્તાહમાં નવું ટેન્ડર જાહેર કરવામાં આવશે. આ નવા ટેન્ડરમાં મેક ઈન ઈન્ડિયાને પ્રાથમિકતા આપવામાં આવશે. જોકે રેલવેએ હાલના ટેન્ડરને રદ કરવા માટેનું કોઈ ઓફિશિયલ કારણ નથી જણાવ્યું. આ ટ્રેનોના નિર્માણ માટે ટેન્ડર ગયા મહિને જ ખોલવામાં આવ્યું હતું. ચેન્નાઈની રેલવે કોચ ફેક્ટરીએ 10 જુલાઈએ 44 હાઈ સ્પીડ વંદે ભારત ટ્રેનોના નિર્માણ માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યું હતું.

6માંથી 1 ચીની કંપની સામેલ હતી
રિપોર્ટ્સમાં જણાવ્યા પ્રમાણે 16 કોચ વાળી 44 વંદે ભારત સેમી હાઈ-સ્પીડ ટ્રેનો માટે ઈલેક્ટ્રિકલ સાધનો અને અન્ય સામાન પૂરો પાડવા માટે 6 કંપનીઓએ ટેન્ડર ભર્યા હતા. તેમાં ચીની જોઈન્ટ વેન્ચરવાળી સીઆરઆરસી-પાયોનીયર (ઈન્ડિયા) પ્રાઈવેટ લિમિટેડ એક માત્ર વિદેશી કંપની હતી. પરંતુ તેનો ચીન સાથે સંબંધ હોવાના કારણે આ ટેન્ડર રદ કરી દેવામાં આવ્યું છે. ચીનની કંપની સીઆરઆર યોંગજી ઈલેક્ટ્રિક કંપની લિમિટેડ અને ગુડગાંવની પાયોનીયર ઈલેક્ટ્રિક (ઈન્ડિયા) પ્રાઈવેટ લિમિટેડે 2015માં જોઈન્ટ વેન્ચર કર્યું હતું.

1500 કરોડની છે આખી યોજના
ન્યૂઝ એજન્સી પીટીઆઈ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, રેલવેનું માનવું છે કે, આ ટેન્ડર કોઈ સ્થાનિક કંપનીને આપવામાં આવે. ટેન્ડરની રેસમાં ચીની કંપની સૌથી આગળ દેખાઈ એટલે ટેન્ડર રદ કરી દેવામાં આવ્યું. આ યોજનાની અંદાજીત કિંમત 1500 કરોડ રૂપિયા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ ટેન્ડર જાહેર કર્યા પછી પબ્લિક પ્રિક્યોરમેન્ટના નિયમોમાં અમુક ફેરફાર કરવામાં આવ્યા છે. નવા ટેન્ડરમાં આ નિયમોને પણ સામેલ કરવામાં આવશે.

હરાજીમાં આ કંપનીઓ સામેલ હતી

·         ભારત હેવી ઈલેક્ટ્રિકલ્સ લિમિટેડ

·         ભારત ઈન્ડસ્ટ્રીઝ

·         ઈલેક્ટ્રોવેવ્સ ઈલેક્ટ્રોનિક્સ પ્રાઈવેટ લિમિટેડ

·         મેઘા સર્વા ડ્રાઈવ્સ પ્રાઈવેટ લિમિટેડ

·         પાવરનેટિક્સ ઈક્વિપમેન્ટ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ

ચીની કંપનીઓની 106 એપ્સ પર પ્રતિબંધ લગાવી ચૂક્યુ છે ભારત
લદ્દાખની ગલવાન ખીણમાં સીમા વિવાદ પછી ભારત સરકારે ચીનની 59 એપ પર પ્રતિબંધ લગાવી દીધો છે. તેમાં ટિકટોક, વીચેટ, અલીબાબા ગ્રૂપનું યુસી બ્રાઉઝર અને યુસી ન્યૂઝ જેવી પોપ્યુલર એપ પણ સામેલ હતી. ત્યારપછી સરકારે ગયા મહિને જુલાઈમાં પણ ચીનની 47 એપ પર પ્રતિબંધ લગાવ્યો છે. તેમાં મોટાભાગની પહેલાં બેન કરવામાં આવેલી એપના ક્લોન હતા. આ રીતે ભારત સરકારે અત્યાર સુધી ચીનની 106 એપ પર પ્રતિબંધ લગાવ્યો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post