• Home
  • News
  • ઉનામાં ગાજવીજ સાથે 5 ઇંચ, દીવના દરિયામાં ભારે પવન સાથે કરંટ
post

મહા વાવાઝોડાની અસર દીવ અને સૌરાષ્ટ્રના દરિયામાં જોવા મળી રહી છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-11-07 14:48:50

ઉના: મહા વાવાઝોડાની અસર દીવ અને સૌરાષ્ટ્રના દરિયામાં જોવા મળી રહી છે. વાવાઝોડાની અસર મધદરિયે જોવા મળી રહી છે. એક માછીમાર દ્વારા વીડિયો ઉતારવામાં આવ્યો છે જેમાં પવન દરિયામાં ઘુમરી મારતો હોય તેવા દ્રશ્યો તેમાં કેદ થયા છે. વાવાઝોડાને લઇને ગીર સોમનાથ જિલ્લામાં અને દીવમાં વહેલી સવારથી જ કાળા ડીબાંગ વાદળો સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વાવાઝોડાનો વીડિયો સામે આવ્યો છે તે કોડીનાર અને દીવ વચ્ચેના દરિયાનો હોવાનું જાણવા મળ્યું છે. ગીરગઢડા તાલુકામાં ગાજવીજ સાથે બે ઇંચ વરસાદ નોંધાયો છે. ગીરજંગલમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ઉના તાલુકાના મોટાભાગના ગામડાઓમાં મોડી રાતથી કડાકા ભડાકા સાથે ચારથી પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદથી ખેડૂતો અને માછીમારોને ભારે નુકશાની પહોંચી છે.

મહા વાવાઝોડાની અસર દીવ અને ઉનાના દરિયાકાંઠે વધારે જોવા મળી રહી છે. ઉનાના નવા બંદરનો દરિયામાં ભઆરે પવન ફૂંકાતા દરિયો ગાંડોતૂર બન્યો છે. દરિયામાં હાલ કરન્ટ જોવા મળતા ઉંચા મોજા ઉછળી રહ્યા છે. ત્રણ દવિસથી શાંત બનેલા દરિયામાં અચાનક કરન્ટ જોવા મળઈ રહ્યો છે. દીવમાં ધોધમાર વરસાદ યથાવત છે. મોડી રાતથી વણાકબારા, નાગવા, ઘોઘલા, મલાલા અને દીવ શહેર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ગીરસોમનાથના કોટડા અને દીવના વણાકબારાને જોડતી દરિયાઇ ખાડીમાં ચાલતી ફેરી બોટ બંધ કરાવવામાં આવી છે. ભારે વપન અને દરિયામાં કરન્ટને લઇને આજ સવારથી કલેક્ટરે ફેરી બોટ બંધ કરાવી છે.

કોડીનાર અને આસપાસના વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસી રહ્યો છે. વેરાવળના ભેટાળી ,રામપરા, કોડીદ્રા, કુકરાસ અને આજુબાજુના ગામોમાં પણ ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. ગીરગઢડા તાલુકાના ધોકડવા ગામે રાત્રીના ચાર વાગ્યે ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. ઉનામા ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. ચોમાસું પાકની સાથે સાથે હવે શિયાળું પાકનું વાવેતર કરી ચૂકેલા ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે. દરિયાઇ પટ્ટી વિસ્તારોમાં પણ વરસાદનું જોર છે. પરંતુ દરિયામાં હાલ કરન્ટ જોવા મળતો નથી.

મહા વાવાઝોડાની અસર અમરેલી જિલ્લામાં પણ જોવા મળી રહી છે. જાફરાબાદ તાલુકાના કેટલાક ગામોમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે, ટીંબી, હેમાળ, દુધાળા, છેલાણા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાજુલાના દરિયાઇ વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ખાંભાના મોટા બારમણ સહિત આસપાસના ગામોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જાફરાબાદ બંદર પર છેલ્લા 4 દિવસથી દરિયો શાંત હતો. આજે ધોધમાર વરસાદ સાથે કરંટ આવતા જાફરાબાદ, પીપાવાવ, શિયાળબેટના દરિયામાં ભારે કરંટ સાથે ઉાંચા મોજા ઉછળી રહ્યા છે.