• Home
  • News
  • હવે બાલાજી વેફર્સ ઉત્તરપ્રદેશમાં એન્ટ્રી કરશે, રૂ. 600-700 કરોડનું રોકાણ કરી 100 એકરમાં ફૂડ પાર્ક બનાવશે
post

UP પ્લાન્ટમાંથી પાંચ વર્ષમાં રૂ. 3000 કરોડના ટર્નઓવરની અપેક્ષા

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-25 10:09:44

વેફર્સ અને પેક્ડ સ્નેક્સ બનાવતી રાજકોટની બાલાજી વેફર્સ પ્રાઈવેટ લિમિટેડ હવે ગુજરાત બહાર એનો બીજો પ્લાન્ટ શરૂ કરવાની યોજના બનાવી રહી છે. બાલાજી વેફર્સના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ચંદુભાઈ વિરાણીએ જણાવ્યું હતું કે હાલમાં ગુજરાતમાં રાજકોટ અને વલસાડમાં પ્લાન્ટ છે. કંપનીનો એક પ્લાન્ટ મધ્યપ્રદેશના ઇન્દોરમાં કાર્યરત છે અને ઉત્તર ભારતમાં માર્કેટ ઊભું કરવા માટે અમે UPમાં એક ફૂડ પાર્ક બનાવવા માગીએ છીએ.

અંદાજે રૂ. 600-700 કરોડનું રોકાણ કરશે
બાલાજી વેફર્સના ડિરેક્ટર કેયૂર વિરાણીએ જણાવ્યું હતું કે અમે ઉત્તરપ્રદેશમાં કાનપુર અને લખનઉ પાસે અમુક જગ્યાઓ જોઈ છે અને ટૂંક સમયમાં એ અંગે નિર્ણય પણ લેવાશે. 100 એકર ફૂડ પાર્કના પ્રોજેક્ટમાં અમે લગભગ રૂ. 600-700 કરોડનું રોકાણ કરીશું. આ રોકાણનો અમુક ભાગ અમે ઇન્ટર્નલ સોર્સમાંથી ઊભો કરીશું, જયારે અમુક ફંડ બેંક પાસેથી મેનેજ કરીશું.

પાર્કમાં જરૂરિયાતની તમામ વસ્તુઓ એકસાથે મળી રહેશે
કેયૂર વિરાણીએ જણાવ્યું હતું કે આ પાર્કમાં અમે અમારા બટાકા, ગ્રેન્સ, મસાલા સહિતના મટીરિયલ સપ્લાયર્સને જગ્યા આપીશું. તેઓ ફૂડ પાર્કમાં વેરહાઉસ કે પ્રોસેસિંગ યુનિટ પણ બનાવી શકશે. અમારો કોન્સેપ્ટ એવો છે કે અમને અમારી જરૂરિયાતની તમામ વસ્તુઓ એક જ જગ્યાએથી મળી રહે અને પ્રોડક્શનમાં કોઈ મુશ્કેલી ન આવે. અમે એવા ટાર્ગેટ સાથે આગળ વધી રહ્યા છીએ કે શરૂ થયાનાં પાંચ વર્ષમાં આ પાર્ક રૂ. 3000 કરોડનું ટર્નઓવર પર પહોંચે.

UPના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળવાની ઈચ્છા
કેયૂર વિરાણીએ જણાવ્યું હતું કે અમે આ પ્રોજેક્ટના અનુસંધાને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળવા માટે પ્રયત્નો કરી રહ્યા છીએ. અમે તેમને અમારી યોજના અંગે માહિતી આપવા ઈચ્છુક છીએ. જો તેઓ સમય આપશે તો અમે ચોક્કસ મળીશું. આ પ્રોજેકટથી રાજ્યમાં રોકાણ આવશે અને સ્થાનિક રોજગારી પણ ઉત્પન્ન થશે.

ઉત્તર ભારતનું માર્કેટ કવર કરવાની યોજના
કંપની હાલ ગુજરાત અને મધ્યપ્રદેશના પ્રોડક્શન પ્લાન્ટમાંથી ઉત્તર ભારતનો અમુક ભાગ કવર કરે છે. UPમાં પ્રોડક્શન શરૂ થશે તો કંપની માટે ઉત્તરપ્રદેશ, બિહાર, દિલ્હી, પંજાબ, હરિયાણા અને ઉત્તરાખંડમાં સપ્લાઇ કરાવી સરળ થઈ જશે. બાલાજી વેફર્સના જણાવ્યા પ્રમાણે, આ રાજ્યોમાં પેક્ડ વેફર્સ અને સ્નેક્સની સારીએવી માગ રહે છે.

ભાગીદારી વેચવાની કોઈ યોજના નથી
બાલાજી વેફર્સ અંગે અવારનવાર એવી વાતો આવે છે કે કંપની તેની ભાગીદારી વેચવા ઈચ્છુક છે. અગાઉ પેપ્સિકો કંપનીએ પણ બાલાજીનો સ્ટેક ખરીદવા રસ દાખવ્યો હતો. જોકે આ વાત આગળ વધી ન હતી. આ અંગે જણાવતાં કેયૂર વિરાણીએ કહ્યું હતું કે અમારું રોકાણ મોટું છે, પણ હાલના તબક્કે અમે અમારી રીતે મેનેજ કરી શકીએ એવી સ્થિતિમાં છીએ એટલે ભાગીદારી વેચવાની અમારી કોઈ યોજના નથી.

ભારતીય માર્કેટમાં બાલાજી વેફર્સનો માર્કેટ શેર 20%
કેયૂર વિરાણીના જણાવ્યા પ્રમાણે, સમગ્ર ભારતના સ્નેક્સ માર્કેટમાં અને ખાસ કરીને વેફર્સના માર્કેટમાં બાલાજી વેફર્સનો હિસ્સો 20% જેટલો છે, જયારે પશ્ચિમ ભારતમાં કંપનીનો માર્કેટ શેર 65%થી વધુ છે. ગુજરાતના માર્કેટની વાત કરીએ તો હોમ સ્ટેટમાં કંપની અંદાજે 75%થી વધુનો માર્કેટ શેર ધરાવે છે.

2016માં મધ્યપ્રદેશમાં પ્લાન્ટ નાખ્યો હતો
બાલાજી વેફર્સે ગુજરાતની બહાર એનો સૌથી પહેલો પ્લાન્ટ મધ્યપ્રદેશના ઇન્દોરમાં શરુ કર્યો હતો. આ પ્લાન્ટ ઓક્ટોબર 2016માં શરૂ થયો હતો. આ પ્લાન્ટ માટે કંપનીએ મધ્યપ્રદેશમાં અંદાજે રૂ. 400 કરોડનું રોકાણ કર્યું હતું. આ પ્લાન્ટ મધ્યપ્રદેશ, રાજસ્થાન અને દિલ્હીના આસપાસના વિસ્તારોનું માર્કેટ કવર કરે છે.

2020-21માં રૂ. 2800 કરોડ ટર્નઓવરની અપેક્ષા
બાલાજી વેફર્સ વીતેલા વર્ષોમાં મક્કમ ગતિએ આગળ વધી છે. કંપનીનું ટર્નઓવર જે 2014-15માં રૂ. 1,200 કરોડ હતું, 2018-19માં વધીને રૂ. 1,800 કરોડને આંબી ગયું હતું. કંપનીના જણાવ્યા પ્રમાણે 2019-20માં ટર્નઓવર રૂ. 2500 કરોડ થયું હતું, જે 2020-21માં વધીને રૂ. 2800 કરોડ આસપાસ રહેવાની ધારણા છે. કેયૂર વિરાણીના જણાવ્યા પ્રમાણે, કોરોનાને કારણે ટર્નઓવર અપેક્ષા કરતાં સામાન્ય નીચું રહી શકે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post