• Home
  • News
  • ફોરેક્સ ટ્રેડિંગના નામે રોજ 20-30 હજાર કમાવી આપવાની લાલચ આપી 1 કરોડથી વધુનું કૌભાંડ, 3 શખસની રાજકોટ પોલીસે ધરપકડ કરી, મુખ્ય સૂત્રધાર સુરતનો
post

રાજકોટની એક વ્યક્તિ અને તેના મિત્રો આ ગેંગની જાળમાં ફસાયા અને 8 લાખ ગુમાવતાં સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-29 10:42:34

રાજકોટ સાઇબર ક્રાઈમ બ્રાન્ચે ફોરેક્સ ટ્રેડિંગના નામે કોલસેન્ટર ચલાવી લોકોને લાલચ આપી 1 કરોડથી વધુનું કૌભાંડ આચરનાર ત્રણ શખસની ધરપકડ કરી છે. પકડાયેલા ત્રણ શખસમાં જૂનાગઢના જયસુખ ચીનુભાઈ સરવૈયા, આશિષ ઉપેન્દ્ર દવે અને જિતેન્દ્ર હસમુખ જાગાણીનો સમાવેશ થાય છે, જ્યારે આ કૌભાંડનો સુરતનો મુખ્ય સુત્રધાર પોલીસપકડથી દૂર છે. પોલીસે અલગ અલગ ટીમ બનાવી સુરતના જયેશ હિંમતલાલ વાઘેલાની શોધખોળ હાથ ધરી છે. આ શખસો રોજ 20-30 હજારની લાલચ આપી લોકોને છેતરતા હતા. ઝડપાયેલા ત્રણેય શખસ વિરુદ્ધ IPC કલમ 406, 420, 120 (બી) 66(ડી) (સી) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

ભોગ બનનારને મેટા ટ્રેડર-5 નામની એપ ડાઉનલોડ કરાવી આપતા હતા
ઝડપાયેલા શખસોએ સાઇબર ક્રાઈમ સમક્ષ કબૂલાત કરતાં જણાવ્યું હતું કે લોકોને ફોરેક્સ ટ્રેડિંગમાં હજારો રૂપિયા કમાવી આપવાનું કહેવામાં આવતું હતું. બાદમાં મેસેજ કરી લાઈવ ડેમો માટે પોતાનો સંપર્ક કરવા માટે મોબાઈલ નંબર આપતા હતા, આથી વધુ પૈસા કમાવાની લાલચ ધરાવતા લોકો અમારો સંપર્ક કરતા હતા અને અમે મેટા ટ્રેડર-5માં અકાઉન્ટ ખોલાવવા માટે 1 લાખ કે તેથી વધુ રકમની માગણી કરતા હતા. આ રકમ અમારા બેંક અકાઉન્ટ જમા થઈ જાય પછી ભોગ બનનારને મેટા ટ્રેડર-5 નામની એપ ડાઉનલોડ કરાવી આપવામાં આવતી હતી.

રાજકોટની વ્યક્તિ અને તેના મિત્રો આ ગેંગની જાળમાં ફસાયા અને 8 લાખ ગુમાવ્યા
આ ગેંગની જાળમાં રાજકોટના ઉમેશભાઈ વશરામભાઈ ગોંડલિયા નામની વ્યક્તિ ફસાઈ હતી. ઉમેશભાઈ પાસેથી આ ગેંગે 8 લાખ રૂપિયા પડાવી છેતરપિંડી આચરી હતી, આથી ભોગ બનનાર ઉમેશભાઈએ રાજકોટ સાઇબર ક્રાઈમ બ્રાન્ચમાં પોતાની ફરિયાદ નોંધાવી હતી, આથી સાઇબર ક્રાઈમ બ્રાન્ચે આ ગેંગની શોધખોળ શરૂ કરી હતી અને જૂનાગઢના ત્રણેય શખસની ધરપકડ કરી હતી. આ કોલસેન્ટર સુરતથી ચાલતું હતું

આ ગેંગનું જૂનાગઢની ICICI બેંકમાં ઝુલુ ટ્રેડિંગના નામે કરન્ટ ખાતું હતું
રાજકોટ સાઇબર ક્રાઈમ બ્રાન્ચના અધિકારીએ જણાવ્યું હતું કે આ ગેંગનું જૂનાગઢની ICICI બેંકમાં ઝુલુ ટ્રેડિંગના નામે કરન્ટ ખાતું હતું, જેમાં રૂ.64.89 લાખના વ્યવહારો થયાનું જાણવા મળ્યું છે તેમજ એયુ સ્મોલ ફાયનાન્સ બેંકમાં કુરસો ડે ટ્રેડિંગના નામે ખાતું ખોલવામાં આવ્યું છે, જેમાં 49.44 લાખ રૂપિયાના વ્યવહારો થયા છે. પોલીસને હાલ 19 લોકો ભોગ બનનારા મળ્યા છે. આ 19 લોકો સાથે 687 લાખની છેતરપિંડી થયાનું જાણવા મળ્યું છે. બંને બેંકનાં ખાતાંમાં એક કરોડથી વધુ રકમના વ્યવહારો હોવાથી કૌભાંડનો આંક પણ એક કરોડથી વધુ હોવાની શક્યતા છે.

ભોગ બનનાર નફાની રકમ ઉપાડવાનું કહેતા તો આ ગેંગના સભ્યો ઇન્કમટેક્સનો ડર બતાવતા
મેટા ટ્રેડર-5 નામની એપ બોગસ હોવાથી એમાં મોટો નફો થયો હોવાનું દર્શાવાતું હતું. ભોગ બનનાર લોકો એપમાં પોતાને તગડો નફો થયાનું જોઈ ખુશ થઈ જતા હતા. ભોગ બનનાર નફાની રકમ ઉપાડી લેવાનું કહેતા તો આ ગેંગના સભ્યો તેને તેમ કરવાથી ઈન્કમટેક્સ ભરવો પડશે, સરકારને ટેક્સ આપવો પડશે અથવા તો બીજી રીતે પૈસા કપાય જશે તેમ કહી રકમ ઉપાડવાની ના પાડતા હતા. ભોગ બનનાર આગ્રહ કરે તો તેને જેટલી રકમ છે તેની 50 ટકા રકમ સુરતમાં આંગડિયામાં મોકલવાનું કહેવામાં આવતું હતું. ભોગ બનનાર લાલચમાં આવી રકમ ઉપાડવા માટે પૈસા મોકલે એટલે તરત જ ગેંગના સભ્યો પોતાના મોબાઈલ ફોન સ્વિચ ઓફ કરી દેતા હતા.

adv

Related News

post
post
post
post
post
post
post