• Home
  • News
  • રૂપાણીની પહેલી ચૂંટણીના ટેકેદાર રહેલા અભય ભારદ્વાજ અને રમીલાબેન બારા ભાજપના રાજ્યસભાના ઉમેદવાર
post

ત્રીજું નામ શુક્રવારે જાહેર થાય તેવી શક્યતા

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-12 11:25:20

અમદાવાદઃ ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠક માટે 26 માર્ચે યોજાનારી ચૂંટણીને લઈ ભાજપ અને કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપે આજે ગુજરાતમાંથી અભય ભારદ્વાજ અને રમીલાબેન બારાની રાજ્યસભાના ઉમેદવાર તરીકે જાહેરાત કરી છે. ભાજપે 2 ઉમેદવાર જાહેર કર્યાં છે પણ હજુ એક ઉમેદવાર ઉભો રાખે એવી શક્યતા છે, આ ત્રીજો ઉમેદવાર દિલ્હી અથવા ગુજરાતના કોઈ મોટા ગજાના નેતા હોય શકે છે. જો ત્રીજો ઉમેદવાર ઉભો ના રાખે તો અપક્ષને ફોર્મ ભરાવી ભાજપ તેના વધારાના મત આપીને ટેકો કરી શકે છે. તેમાં પણ હાલ ચાલી રહેલી ચર્ચા મુજબ, આ અપક્ષ ઉમેદવાર BTPના ધારાસભ્ય અને આદીવાસી નેતા છોટુ વસાવા હોય શકે છે.

રાજ્યસભાચૂંટણીમાં રૂપાણીની ડિઝાઈન પર હાઈકમાન્ડની મહોર
ભાજપના હાઇકમાન્ડે રાજ્યસભામાં ગુજરાતની બે બેઠકો પરના ઉમેદવારની જાહેરાત સાથે જ એ સ્પષ્ટ થઇ ચૂક્યું છે કે અહીં મુખ્યમંત્રી વિજય રૂપાણીની ડિઝાઇન સ્વીકારી લેવાઇ છે. આ બન્ને નામો માટે વિજય રૂપાણીની પસંદગીને પ્રાથમિકતા મળી તે વાત સિદ્ધ થયાનો પુરાવો છે ઉમેદવાર તરીકે રાજકોટના આરએસએસ સાથે જોડાયેલા વરિષ્ઠ ધારાશાસ્ત્રી અભય ભારદ્વાજ. ભારદ્વાજ વર્ષોથી સંઘ અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ તથા બ્રહ્મ સમાજ સાથે જોડાયેલા છે. રૂપાણીએ પ્રથમવાર 2014માં રાજકોટ પશ્ચિમ બેઠક પરથી પેટાચૂંટણી માટે નામાંકન દાખલ કર્યું ત્યારે અભય ભારદ્વાજ તેમના ટેકેદાર હતા. આ ઉપરાંત ભારદ્વાજ પરિવાર સાથે રૂપાણી પરિવારનો ખૂબ ઘનિષ્ઠ સંબંધ વર્ષોથી છે. ચુસ્ત હિંદુવાદી ચહેરો ધરાવતા ભારદ્વાર અમદાવાદમાં 2002ના રમખાણોમાં થયેલાં ગુલબર્ગ સોસાયટી કાંડમાં આરોપીઓના વકીલ રહ્યા હતા.
બીજા ઉમેદવાર તરીકે ભાજપે આદિવાસી મહિલા નેતા પર પસંદગી ઉતારીને ગુજરાતની પૂર્વપટ્ટીના એક મજબૂત સંખ્યાના મતદાતા વર્ગને રીઝવવાનો પ્રયાસ કર્યો છે. ત્રણ ટર્મથી ગુજરાત ભાજપના પ્રદેશ માળખામાં ઉપાધ્યક્ષ રહેલાં બારા અગાઉ એક વખત 2004માં ભૂતપૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીના અવસાનથી ખાલી પડેલી બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીમાં ચૌધરીની પુત્રી વૈશાલી સામે 600થી ઓછા મતે જીત્યાં હતાં. રાજકીય જીવનમાં આવ્યા પૂર્વે બારા ગુજરાત સરકારમાં નાયબ સચિવ કક્ષાના અધિકારી તરીકે ફરજ બજાવતાં હતાં પરંતુ 2002માં રાજીનામું આપી ભાજપમાં જોડાયાં હતાં.
ભાજપના સૂત્રોના જણાવ્યાં અનુસાર આ બન્ને બેઠકો માટેના નામ વિજય રૂપાણીની જ પસંદગી પ્રમાણેના હોઇ શકે. આ સાથે બીજા નામો માટે લોબિંગ કરનારા ભાજપના જ અન્ય નેતાઓના હાથ હેઠાં પડ્યાં તેવું પણ ભાજપમાં ચર્ચાઇ રહ્યું છે. હજુ ત્રીજું નામ ભાજપ શુક્રવારે જાહેર કરે તેવી વકી છે.
મોદીની પ્રથમ ચૂંટણીમાં પણ અભય ભારદ્વાજની મુખ્ય ભૂમિકા
રૂપાણી જ નહીં, નરેન્દ્ર મોદીની પ્રથમ ચૂંટણીમાં પણ અભય ભારદ્વાજની મુખ્ય ભૂમિકા હતી.

6 માર્ચથી ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત અને 26 માર્ચે સાંજે 5 વાગ્યે મતગણતરી
6
માર્ચથી 13 માર્ચ સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. જ્યારે 16 માર્ચે ફોર્મની ચકાસણી થશે અને 18 માર્ચ સુધીમાં ઉમેદવારી ફોર્મ પાછા ખેંચી શકાશે. ત્યાર બાદ 26 માર્ચે સવારના 9 વાગ્યાથી 4 વાગ્ય સુધી મતદાન યોજાશે અને સાંજે પાંચ વાગ્યે મતગણતરી હાથ ધરાશે.

 

ભાજપ વધારાની એક બેઠક ગુમાવી શકે
ગુજરાતમાંથી રાજ્યસભામાં ગયેલા ચાર સાંસદો ચુની ગોહેલ(ભાજપ),મધુસુદન મિસ્ત્રી (કોંગ્રેસ), લાલસિંહ વાડોદીયા(ભાજપ) અને શંભુ પ્રસાદ ટુંડિયા(ભાજપ)નો કાર્યકાળ પુરો થઈ રહ્યો છે. જેને કારણે આ 4 બેઠક પર 26 માર્ચે ચૂંટણી યોજાવાની છે. આ ચાર સભ્યોમાં ત્રણ ભાજપના અને એક કોંગ્રેસના છે. વિધાનસભામાં ભાજપનું હાલનું સંખ્યાબળ જોતા ભાજપ એક વધારાની બેઠક ગુમાવી શકે છે અને કોંગ્રેસને એક બેઠકનો ફાયદો થઈ શકે છે. આમ ભાજપ અને કોંગ્રેસને બે-બે બેઠક મળી શકે છે.

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post