• Home
  • News
  • રામમંદિરના આધાર માટે ફરી ખોદકામ / 17 વર્ષ પહેલાં ખોદકામ કરનાર ASIની ટીમે કહ્યું- ઈ.સ. પૂર્વેનો 1600 વર્ષ જૂનો ઈતિહાસ છુપાયો છે​​​​​​​
post

ASI ટીમે 17 વર્ષ પહેલાં 6 મહિનામાં 90 ટ્રંચ ખોદકામ કરી તપાસ કરી હતી, ટીમ લીડર બુદ્ધરશ્મિ મણીએ હવે માહિતી આપી

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-13 12:10:48

અયોધ્યા. અયોધ્યાની શ્રીરામ જન્મભૂમિ ફરી એક વાર ખોદકામ માટે તૈયાર છે, પરંતુ આ વખતે ખોદકામ કોઈ પુરાતાત્વિક પુરાવા માટે નહીં પરંતુ રામ જન્મભૂમિનો આધાર નક્કી કરવા માટે કરવામાં આવશે. પાયાના ખોદકામમાં પુરાતાત્વિક ઈતિહાસનો ખજાનો સામે આવવાની આશા છે.

જન્મભૂમિ નીચે 9 કાળ અને ઈ.સ. પૂર્વે 1600 વર્ષ જૂનો પૂરાતાત્વિક ઈતિહાસ દબાયેલો છે. નવા મંદિરનું ગર્ભગૃહ તે સ્થાને જ બનશે જ્યાં 2003ના પુરાતાત્વિક ખોદકામ દરમિયાન પ્રાચીન મંદિરનું ગર્ભગૃહ મળ્યું હતું. 2003માં અલાહાબાદ હાઈકોર્ટના આદેશથી ખોદકામ કરતી ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણ (ASI)ની ટીમના બુદ્ધ રશ્મિ મણી અને હરિ માંઝીના નેતૃત્વમાં રિપોર્ટ સોંપાયો હતો. આ ટીમનું નેતૃત્વ કરતા ASIના તે સમયના અધીક્ષક બુદ્ધરશ્મિ મણીએ 17 વર્ષ પછી આ માહિતી આપી છે.

સમતલીકરણમાં મળ્યા હતા પ્રાચીન મંદિરના અવશેષ
બીઆર મણીએ કહ્યું, જન્મભૂમિના સમતલીકરણ દરમિયાન પ્રાચીન મંદિરના મહત્વના અવશેષો સામે આવ્યા છે. જન્મભૂમિના પાયાના ખોદકામ દરમિયાન ખૂબ પ્રાચીન મંદિરનું માળખું અને મહત્વની પુરાતાત્વિક સામગ્રી મળી હતી. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે પ્રયત્ન કરવો જોઈએ કે મંદિર નિર્માણને પ્રભાવિત કર્યા વગર પુરાતાત્વિક સામગ્રીને અમુક માત્રામાં સંરક્ષિત કરી શકે.
પ્રાચીન અવશેષોને ગ્લાસ વિન્ડોના આધારે આવનાર શ્રદ્ધાળુઓને દર્શનની વ્યવસ્થા કરવી જોઈએ જેથી પુરાતાત્વિક ઈતિહાસ વિશે નવી પેઢીને પણ માહિતી મળી શકે. તે સાથે જ ખોદકામ દરમિયાન મળતી સામગ્રીના સંરક્ષણ અને અધ્યયન માટે કોઈ સંસ્થા અથવા યુનિવર્સિટીથી મદદ લેવી. બીઆર મણીની 50 સભ્યોની ટીમ ખોદાકામ વિશે 17 વર્ષ ચૂપ રહ્યા હતા.

કોર્ટે તેમના આદેશમાં સમગ્ર ટીમને આદેશ આપ્યો હતો કે, આ વિશે તેઓ કોઈની સાથે ચર્ચા ન કરે. આ માટે દરેક લોકો પાસેથી શપથપત્ર પણ લેવામાં આવ્યો હતો. આ ટીમમાં ચાર મુસ્લિમ પુરાતત્વવિદ એ.આર.સિદ્દિકી, ઝુલ્ફીકાર અલી, જીએસ ખ્વાજા અને એ.એ. હાશ્મી પણ સામેલ હતા. અંદાજે 6 મહિના સુધી 90 ટ્રંચની તપાસ કરીને રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. 9 નવેમ્બરે આવેલા સુપ્રીમ કોર્ટના ચુકાદામાં આ રિપોર્ટ ખૂબ મહત્વનો માનવામાં આવે છે.

10મી સદીમાં પણ આ સ્થાન પર આવેલા મંદિરને તોડવામાં આવ્યું હતું
બી.આર.મણીએ કહ્યું, 2003 દરમિયાન થયેલા ખોદકામ દરમિયાન જાણવા મળ્યું કે, જન્મભૂમિ નીચે મૌર્યા, કુષાણ, શુંગ સહિત 9 કાળ દબાયેલા છે. ખોદકામ દરમિયાન મળેલી સામગ્રીમાં કાર્બન ડેંટિંગથી ખ્યાલ આવે છે કે, આ સ્થળ પર ઈ.સ. પૂર્વે 1600 વર્ષોનો ઈતિહાસ દબાયેલો છે.
ત્યાં મોટું બાંધકામ માળખું પણ મળી આવ્યું છે. એક મોટી દિવાલ ઉત્તરથી દક્ષિણમાં ઘણી લંબાઈ વાળી મળી આવી હતી. આ દિવાલ સાથે બીજી એક દિવાલ પણ જોડાયેલી હતી. આ વિશે પણ માહિતી મળી છે કે, 10મી સદીમાં પણ આ સ્થાન પર આવેલા મંદિરને તોડવામાં આવ્યું હતું. શક્ય છે કે, પાયાના ખોદકામ દરમિયાન પ્રાચીન મંદિર અને સંસ્કૃતિ વિશે પણ મહત્વની માહિતી મળી શકે છે.

જન્માષ્ટમીએ શરૂ થયું મંદિરના પાયાનું ખોદકામ, 5 મશીનો કામમાં લાગી
જન્માષ્ટમીના શુભ દિવસે રામ મંદિરના નિર્માણ માટે ખોદકામ શરૂ થઈ ગયું છે. બુધવારે L&Tની પાંચ જેસીબી મશીન દ્વારા ખોદકામ શરૂ કરી દેવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે 24 હજાર વર્ગ મીટરના નવા વિશાળ મંદિર નિર્માણમાં સીતા રસોઈ અને માનસ ભવનનું અસ્તિત્વ રહેશે નહીં. જ્યાં માનસ ભવન હતું ત્યાં નવા મંદિરનું સિંહ દ્વાર બનશે.
પાયાના પાઈલિંગ માટે L&Tનું રિંગ મશિન પણ ટૂંક સમયમાં જન્મભૂમિ પહોંચી જશે. રિંગ મશિનથી પાઈલિંગ માટે 12 મીટર ઉંડા કુવા ખોદવામાં આવશે. 6 એકર જમીનમાં મંદિર નિર્માણનો આધાર તૈયાર કરવા માટે 800થી વધારે કુવા તૈયાર કરવામાં આવશે. નોંધનીય છે કે, શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ન્યાસના નિર્માણ સમિતિની મહત્વની બેઠક 20 ઓગસ્ટે દિલ્હીમાં થવાની છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post