• Home
  • News
  • ન્યૂઝીલેન્ડ અને ઇંગ્લેન્ડને રમીઝ રાજાએ આપી ચેતવણી, કહ્યું- અપમાનનો બદલો મેદાનમાં લઈશું; BCCI સામે પણ કટાક્ષ કર્યો
post

હવે ઈન્ડિયાની સાથે આ બે ટીમ પણ અમારી ટાર્ગેટ- રમીઝ રાજા

Written By newsonline | Ahmedabad | Published: 2021-09-22 10:26:17

સુરક્ષાના કારણોસર ન્યૂઝીલેન્ડ અને ઇંગ્લેન્ડે પાકિસ્તાનમાં પોતાની ટીમના પ્રવાસ રદ કરી દેતા PCB ચેરમેન રમીઝ રાજા રોષે ભરાયા છે. તેમણે તાજેતરમાં આપેલા નિવેદનમાં પાકિસ્તાની ક્રિકેટ ટીમને T-20 વર્લ્ડ કપમાં બંને ટીમોને ધૂળ ચટાડી બદલો લેવા માટે ટકોર કરી હતી. ઉલ્લેખનીય છે કે આ સપ્તાહમાં પાકિસ્તાન ક્રિકેટને 2 મોટા ફટકા પડ્યા છે. પહેલા ન્યૂઝીલેન્ડની ટીમે મેચની ગણતરીની મિનિટો પહેલા ટૂર રદ કરી સ્વદેશ પરત ફરવાનો નિર્ણય કર્યો હતો. જેના કારણે PCBને કરોડો રૂપિયાનું નુકસાન પણ થયું હતુ. એટલું જ નહીં NZ બાદ ઇંગ્લેન્ડે પણ મહિલા અને પુરુષ ટીમને પાકિસ્તાન ન મોકલવાનો નિર્ણય કરી પાકિસ્તાનના પડ્યા પર પાટુ માર્યું હતું.

PCBના ચેરમેન રમીઝ રાજાનો PAK ટીમને ઊગ્ર સંદેશો
રમીઝ રાજાએ ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડની ટીમને વર્લ્ડ કપમાં જોઇ લેવાની ધમકી આપતું નિવેદન આપ્યું છે. તેણે કહ્યું છે કે પહેલા જ્યારે પાકિસ્તાની ટીમ કોઇપણ ટૂર્નામેન્ટ અથવા વર્લ્ડ કપમાં રમવા જતી ત્યારે અમારો ટાર્ગેટ માત્ર ઈન્ડિયન ટીમ હતી. પરંતુ હવે આ યાદીમાં ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડની ટીમ પણ સામેલ થઈ ગઈ છે.

વર્લ્ડ કપમાં અમે ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડને જોઇ લઈશું- રમીઝ રાજા
બંને ટીમોના વલણથી નારાજ રમીઝ રાજાએ પાકિસ્તાની ખેલાડીઓને માનસિક રીતે તૈયાર થઈ જવા માટે ટકોર કરી હતી. તેમણે કહ્યું હતું કે હવે પાકિસ્તાની ટીમ આ બંને ટીમને ટૂર્નામેન્ટમાં હરાવીને પોતાની સાથે થયેલા અપમાનનો બદલો લેશે. અમારા ક્રિકેટર્સ મેદાનમાં પોતાના પ્રદર્શનથી બધાની બોલતી બંધ કરી દેશે.

આડકતરી રીતે રમીઝ રાજાએ BCCI પર નિશાન સાધ્યું
PCB
એ શેર કરેલા વીડિયોમાં રમીઝ રાજાએ કહ્યું હતું કે જો અમારુ ક્રિકેટ બોર્ડ પણ અમીર હોત તો ઇંગ્લેન્ડ અથવા ન્યૂઝીલેન્ડે આવું કરતા પહેલા હજાર વખત વિચારણા કરી હોત. તેવામાં અનુમાન લગાવાઈ રહ્યું છે કે PCBના ચેરમેને આડકતરી રીતે BCCIના આ બંને દેશના ક્રિકેટ બોર્ડ સાથેના સંબંધો પર નિશાન સાધ્યું હોવાની વાત સામે આવી રહી છે. એટલું જ નહીં રમીઝ રાજાએ પોતાની ટીમને પણ અન્ય ટીમોની સરખામણીએ નબળી જણાવી કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે અમે ભવિષ્યમાં પાકિસ્તાનની અંદર ફરીથી ઈન્ટરનેશનલ ક્રિકેટને જીવંત કરીશું જ.

ઇમરાન ખાન પણ ન બચાવી શક્યા PAK v/s NZ ક્રિકેટ સિરીઝ
પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે લિમિટેડ ઓવરની ક્રિકેટ સિરીઝને છેલ્લી ઘડીએ રદ કરાઈ હતી. આ ટૂરમાં 3 વનડે અને 5 T20 મેચ રમાવાની હતી. પરંતુ ન્યૂઝીલેન્ડની ટીમને સુરક્ષા સંદર્ભે ઇન્ટેલિજન્સ અલર્ટ મળતા સુરક્ષાનાં કારણોને ધ્યાનમાં રાખીને ન્યૂઝીલેન્ડ સરકારે શુક્રવારે આ સિરીઝ ન રમવાનો નિર્ણય લીધો હતો. જોકે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ આ સિરીઝને સ્થગિત થઈ હોવાનું જણાવી રહ્યું હતું પરંતુ રમીઝ રાજાના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે તેમની ટીમ આ અપમાનનો બદલો લેશે.

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને પણ ન્યૂઝીલેન્ડ સિરીઝનું આયોજન કરવાના પ્રયત્નો કર્યા હતા અને ન્યૂઝીલેન્ડના PM સાથે પણ ખાનગીમાં વાત કરીને સુરક્ષા મુદ્દે ચર્ચા કરી હતી, પરંતુ આનો કોઇ ઉપાય બહાર ન આવતાં કિવી ટીમે પ્રવાસ રદ કરી દેતા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચ્યું છે.

ECBએ પણ પાકિસ્તાન સાથે છેડો ફાડ્યો
ન્યૂઝીલેન્ડે પ્રવાસ રદ કર્યા પછી સોમવારે ECBએ પણ ઓક્ટોબરમાં આયોજિત ટૂરને રદ કરવાની જાહેરાત કરી હતી. તેવામાં આ વર્ષની શરૂઆતમાં ECBએ પાકિસ્તાનમાં વર્લ્ડકપ પહેલા 2 વોર્મઅપ મેચ રમવા અંગે જાહેરાત કરી હતી. જોકે તાજેતરમાં ECBએ બહાર પાડેલા સત્તાવાર નિવેદનમાં ખેલાડીઓના માનસિક અને શારિરીક સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને મેન્સ અને વુમન્સ ટીમના પાકિસ્તાન પ્રવાસને રદ કરવાનો નિર્ણય લીધો હોવાની વાત કરી હતી.