• Home
  • News
  • ટીમ માટે રવીન્દ્ર રિયલ 3D પ્લેયર:પાકિસ્તાન સામેની મેચમાં જાડેજાની ખોટ વર્તાઈ; મેચમાં કંગાળ ફિલ્ડિંગના કારણે હાર્યા પછી બાપુનું મહત્ત્વ સમજાયું
post

8 મહિનામાં ચોથીવાર ઈજાના કારણે બહાર થયો જાડેજા

Written By newsonline | Ahmedabad | Published: 2022-09-05 18:14:11

એશિયા કપની ભારત અને પાકિસ્તાન વચ્ચેની સુપર-4ની મેચમાં પાકિસ્તાને ભારતને 5 વિકેટે હરાવ્યું હતું. આ મેચમાં પાકિસ્તાન તરફથી સૌથી વધુ મોહમ્મદ રિઝવાને 71 રન કર્યા હતા. તો મોહમ્મદ નવાઝે 20 બોલમાં જ 42 રન ફટકારી દીધા હતા. ટીમ ઈન્ડિયાની હારનું મુખ્ય કારણ જાડેજાનું ઈજાના કારણે ટીમમાંથી બહાર થઈ જવું હતું. જાડેજા ભારત માટે હાલનો ત્રણેય ફોર્મેટના ત્રણેય ડિપાર્ટમેન્ટમાં સર્વશ્રેષ્ઠ પ્લેયર રહ્યો છે.

સુપર-4 મેચમાં ભારતની બેટિંગ લાઈનઅપ પણ વિચિત્ર રહી હતી. ઈનફોર્મ દિનેશ કાર્તિકની જગ્યાએ રિષભ પંતને સિલેક્ટ કરવામાં આવ્યો હતો. તેનું કારણ એ કે અગાઉની પાકિસ્તાન સામેની મેચમાં જાડેજાને નંબર-4 ઉપર ઉતારવામાં આવ્યો હતો. જે ભારત માટે વિજયી સાબિત થયો હતો. તે મેચમાં રવીન્દ્ર જાડેજાએ 29 બોલમાં 35 રનની મહત્ત્વ ઇનિંગ રમી હતી, અને હાર્દિક પંડ્યા સાથે 52 રનની પાર્ટનરશિપ બનાવી હતી. જોકે આ વખતે જાડેજા ઈજાના કારણે ટીમમાંથી બહાર થઈ જતા, ટીમે લેફ્ટ હેન્ડેડ બેટ્સમેન રાખવા માટે પંતને કાર્તિકની બદલે લેવામાં આવ્યો હતો. પંતે મેચમાં 14 રન કર્યા હતા. તે ખરાબ શોટ રમીને આઉટ થયો હતો.

રવિવારે રમાયેલી મેચમાં ભારતને સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાની ખોટ વર્તાઈ હતી. કારણ કે ટીમે સમયાંતરે વિકેટ ગુમાવી હતી, ડેથ ઓવર્સમાં રન બન્યા નહોતા, બોલિંગમાં મિડલ ઓવર્સમાં વિકેટ ઝડપી શક્યા નહોતા અને ફિલ્ડિંગ ખૂબ જ નબળી રહી હતી. આ ત્રણેય કારણો ભારતની હારના મુખ્ય કારણ હતાં. આ ત્રણેય ડિપાર્ટમેન્ટમાં રવીન્દ્ર જાડેજા ખૂબ જ પાવરધો છે.

જાડેજાની ખોટ જણાઈ
ટીમ ઈન્ડિયાને રવીન્દ્ર જાડેજાની ખોટ સાલી હતી. કારણ કે તે ટીમનો મુખ્ય પ્લેયર છે, જે ટીમના કોમ્બિનેશનને પરફેક્ટ રાખે છે. તે ગેમના બધા જ વિભાગોમાં પરફોર્મન્સ આપે છે. પાકિસ્તાન સામેની અગાઉની મેચમાં રવીન્દ્ર જાડેજાએ નંબર-4 ઉપર આવીને 29 બોલમાં 35 રનની મહત્ત્વ ઇનિંગ રમી હતી. તો બોલિંગમાં પણ તેણે 2 ઓવરમાં માત્ર 11 રન આપ્યા હતા. આ ઉપરાંત તેણે એક કેચ પણ પકડ્યો હતો. તો હોંગકોંગ સામેની મેચમાં પણ રવીન્દ્ર જાડેજાએ 4 ઓવરમાં 15 રન દઈને 1 વિકેટ લીધી હતી. તો એક શાનદાર થ્રો કરીને રનઆઉટ પણ કર્યો હતો. સ્વાભાવિક છે, ભારતને સુપર-4ની પાકિસ્તાન સામેની મેચમાં જાડેજાની ખોટ વર્તાઈ હતી.

2022માં 50+ની એવરેજથી વધુ રન બનાવ્યા છે

T20 ક્રિકેટમાં જાડેજા શાનદાર ફોર્મમાં રહેલો છે. આ વર્ષે તેણે 9 મેચમાં 50.25ની ઓવરેજથી 201 રન બનાવ્યા છે. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 141.54નો રહ્યો છે. તો બોલિંગમાં 9 મેચમાં 5 વિકેટ લીધી છે.

એશિયા કપમાં ભારતનો સૌથી સફળ બોલર

ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા એશિયા કપમાં ભારતનો સૌથી સફળ બોલર રહ્યો છે. તેણે એશિયા કપમાં કુલ 23 વિકેટ ઝડપી છે. આ સાથે જ તે ભારતનો એશિયા કપમાં સૌથી વધુ વિકેટ લેનારો બોલર બની ગયો છે. તેણે ભારતના સ્વિંગ બોલર ઈરફાન પઠાણ (22)ને પાછળ છોડ્યો હતો.

ઘૂંટણની ઈજાના કારણે એશિયા કપ અને T20 વર્લ્ડ કપમાંથી બહાર
સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા ઘૂંટણની ઈજાના કારણે એશિયા કપ અને પછી T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો છે. તેની જગ્યાએ એશિયા કપમાં અન્ય ઓલરાઉન્ડર અક્ષર પટેલને ટીમમાં લેવામાં આવ્યો હતો. જોકે જાડેજાનું હવે T20 વર્લ્ડ કપમાં પણ રમવું મુશ્કેલ છે. તેને ઈજામાંથી બહાર આવતા ઓછામાં ઓછા 6 મહિના લાગશે. ઉલ્લેખનીય છે કે T20 વર્લ્ડ કપમાં ભારતની પહેલી મેચ 23 ઓક્ટોબરે રમાવવાની છે.

8 મહિનામાં ચોથીવાર ઈજાના કારણે બહાર થયો જાડેજા

ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાની ગણના સૌથી ફિટ ક્રિકેટરોમાં થાય છે. જોકે તે છેલ્લા થોડા વખતથી ઈજાનો સામનો કરી રહ્યો છે.

·         તે વર્ષની શરૂઆતમાં સાઉથ આફ્રિકાની ટૂરમાંથી પણ ઈજાના કારણે બહાર થઈ ગયો હતો. રવીન્દ્ર જાડેજાને જમણા હાથના ખભામાં ઈજા પહોંચવાના કારણે ટીમમાંથી બહાર થઈ ગયો હતો.

·         આ પછી તે IPLમાં પણ અધ્ધવચ્ચેથી ઈજાની લીધે નીકળી ગયો હતો. જાડેજાને મેચ વખતે ફિલ્ડિંગ કરતી વખતે પાંસળીમાં ઈજા પહોંચી હતી. જેના લીધે તે IPLમાંથી બહાર થઈ ગયો હતો. ત્યારે તેને CSKના કેપ્ટન તરીકે પણ કાઢી દેવામાં આવ્યો હતો.

·         આ પછી તે હમણાં વેસ્ટઈન્ડિઝ સામેની સિરીઝમાં પણ એક મેચ પછી રમ્યો નહોતો. ત્યારે પણ તેને ઘૂંટણમાં ઈજા પહોંચવાને લીધે તે બાકીની બે મેચમાંથી આઉટ થઈ ગયો હતો. તેને ઝિમ્બાબ્વે ટૂરમાંથી પણ આરામ આપવામાં આવ્યો હતો.

·         ત્યારે હવે એશિયા કપની બે મેચ રમીને ઈજા પહોંચતા ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો. અને તે T20 વર્લ્ડ કપમાં પણ રમી શકશે નહિ.