• Home
  • News
  • હનીટ્રેપમાં ફસાયા છો તો મિત્રને કહેતા પહેલા આ વાંચો, મિત્રને અશ્લીલ વીડિયોની જાણ કરી તો મિત્રે જ મિત્રનું સર્વસ્વ લૂંટી લીધું
post

હનીટ્રેપનો ભોગ બનેલા યુવક પાસેથી 16 લાખથી વધુ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા.

Written By newsonline | Ahmedabad | Published: 2023-01-11 17:53:54

સુરત: જીવનમાં મિત્ર એટલા માટે બનાવવામાં આવે છે કે સુખ દુઃખની ઘડીઓમાં તે આપણી સાથે ઊભા રહી શકે. દુઃખના સમયમાં બેજીજક મિત્રને આપણે વાતો કહી શકીએ અને તેની મદદ પણ લઈ શકીએ. તે માટે મિત્રનું જીવનમાં ખૂબ મહત્વ હોય છે પરંતુ સુરતમાં મિત્રના સંબંધ પણ લાંછન લગાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ફેસબૂકના માધ્યમથી હનીટ્રેપના ચંગુલમાં ફસાયેલા કાપડ વેપારીએ આ ચુંગલમાંથી બહાર નીકળવા માટે તેના મિત્રને પાસે મદદ માંગી હતી. પરંતુ તેના મિત્રએ તેને મદદ કરવાની જગ્યાએ તેની તકલીફનો લાભ ઉઠાવી લીધો હતો. એટલું જ નહીં મિત્રએ તો હનીટ્રેપમાં ફસાવનાર ગેંગને તેના કરતાં સારી કહેવડાવી હતી. હનીટ્રેપની ગેંગ તો વેપારી પાસે 11000 રૂપિયા જ પડાવ્યા હતા પરંતુ તેના મિત્ર એ તો 17 લાખ રૂપિયા આ ચંગુલમાંથી છૂટવા માટે પડાવી લીધા.

મિત્રતા પર લાંછન લગાવતો કિસ્સો
સુરતમાં એક કાપડ વેપારી અજીબ ઓનલાઇન હનીટ્રેપનો શિકાર બન્યો છે. અહીં હનીટ્રેપમાં ફસાવનાર ગેંગ કરતાં વધારે સુખ દુઃખનો સાથી તેનો મિત્ર જ તેને છેતરીને લાખો રૂપિયા પડાવી લીધા... સુરતમાં વેપારીને ઓનલાઈન અંજલિ શર્મા દ્વારા વીડિયો કોલ કરી તેનો બીભત્સ વીડિયો બનાવી તે વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી 11 હજાર રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા. આ બનાવ અંગે મિત્રને જાણ કરતા મિત્રએ પોતે હાલમાં પોલીસમાં ભરતી થયો હોવાનું જણાવી તેમજ દિલ્હી પોલીસ આવીને ઉંચકી જશે તેવો ડર બતાવી 17.62 લાખ રૂપિયા પડાવી લીધા હતા. જોકે આ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચતા સાયબર ક્રાઈમ સેલે વેપારીના મિત્ર એવા કાપડ દલાલની ધરપકડ કરી છે.

સુરતનો કાપડ વેપારી ઓનલાઈન હનીટ્રેપનો શિકાર
સુરતમાં કાપડની દુકાન ધરાવતા વેપારીને 26-08-2022ના રોજ તેના મોબાઈલ પર મેસેજ કરી પોતે અંજલિ શર્મા હોવાની ઓળખ આપવામાં આવી હતી. અને બાદમાં વેપારીને વીડિયો કોલ કરી બીભત્સ હરકતો કરી વેપારીનો અશ્લીલ વીડિયો રેકોર્ડ કરી લેવામાં આવ્યો હતો અને આ વીડિયો વાઇરલ કરવાની ધમકીઓ આપી વેપારી પાસેથી કુલ 11 હજાર રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત વધુ 5 હજાર રૂપિયાની માંગ કરવામાં આવી હતી. જેથી વેપારીએ સમગ્ર હકિકત પોતાના મિત્ર મનોજ શર્માને જાણ કરી હતી.

મદદ કરવાને બદલે મિત્ર એ જ છેતરી લીધો
મનોજ શર્માએ પોતે તાજેતરમાં પોલીસમાં ભરતી થયો હોવાનું જણાવ્યું હતું તેમજ નેશનલ ક્રાઈમ ઈન્વેસ્ટીગેશન બ્યુરોના બનાવટી ડોક્યુમેન્ટ પણ વેપારીને બતાવ્યા હતા તેમજ તેમાં એપ્લીકેશન કરવાના ચાર્જ પેટે, વેપારીનો વીડિયો ફેસબૂક કે સોશિયલ મીડિયામાં અપલોડ નહીં થવા દેવાનો ચાર્જ તેમજ વેપારી વિરુદ્ધની એપ્લીકેશન ક્લોઝ કરવાનો ચાર્જ આ ઉપરાંત વેપારીની અરજી હાયર ઓથોરિટી પાસે પહોંચી ગઈ છે. ત્યારે દિલ્હી પોલીસ આવીને ઉંચકી જશે તેવી ધમકીઓ આપી ટુકડે ટુકડે 17.62 લાખ રૂપિયા પડાવી લીધા હતા.

સાયબર પોલીસે વેપારીના મિત્રની કરી ધરપકડ
આ સમગ્ર મામલે વેપારીએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ કરતા સાયબર ક્રાઈમ દ્વારા આ મામલે ગુનો નોંધી તપાસ શરુ કરવામાં આવી હતી. જેમાં પોલીસે વેપારીના અગાઉ સંર્પકમાં આવેલા તેના મિત્ર મનોજ ઓમપ્રકાશ અમરતલાલ શર્માની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું હતું કે ઝડપાયેલો આરોપી કાપડની દલાલીના વ્યવસાય સાથે સંકળાયેલો છે. આ મામલે તેની ધરપકડ કરી લેવામાં આવી છે અને ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

ગત રોજ હનીટ્રેપ કરતી ગેંગ ઝડપાઈ હતી
સુરતના વરાછા વિસ્તારમાં એક યુવક હનીટ્રેપનો શિકાર બન્યો હતો. ફેસબૂકના માધ્યમથી યુવક એક યુવતીના સંપર્કમાં આવ્યો હતો. તેની સાથે વીડિયો કોલ પર વાતો કરવામાં આવતી હતી. યુવતી બનીને યુવક સાથે વીડિયો કોલ પર અસલી હરકતો કરવામાં આવતી હતી. યુવતીને વીડિયો કોલ કરી એકલામાં ઘરે મળવા બોલાવવામાં આવ્યો હતો. જ્યાં તેને માર મારવામાં આવ્યો હતો. તેનો વીડિયો કોલનું વીડિયો રેકોર્ડિંગ કર્યું હોવાનું જણાવવામાં જણાવી હનીટ્રેપ કરી યુવકને બદનામ કરવાનો ડર બતાવી રૂપિયા માંગ કરવામાં આવી હતી. હનીટ્રેપનો ભોગ બનેલા યુવક પાસેથી 16 લાખથી વધુ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા.

હનીટ્રેપ કરી રૂપિયા પડાવતી ગેંગ ઝડપાઈ
સુરતની વરાછા પોલીસે હનીટ્રેપ કરીને લોકો પાસે રૂપિયા પડાવતી ગેંગને ઝડપી પાડી છે. પોલીસે કુલ છ જેટલા આરોપીઓની ધરપકડ કરી લીધી છે. યુવક હનીટ્રેપનો શિકાર બન્યો હોવાની જાણ પોલીસને થતા પોલીસે આ આખા નેટવર્કને ઝડપી પાડ્યું હતું. જેમાં પોલીસે ફેસબૂક આઇડી પરથી વાત કરનાર મહિલા સહિત કુલ પાંચ જેટલા લોકોની સંડોવણી હતી તે તમામને ઝડપી પાડ્યા હતા. પોલીસે ઉત્પલ પટેલ, અરવિંદ મુંજપરા, સંગીતાબેન મુંજપરા, ભાવનાબેન રાઠોડ અને અલકાબેન ગોંડલીયા મળી પોલીસે બે પુરુષ અને ચાર મહિલા સહિત છ જણની ધરપકડ કરી તેમની પાસેથી 5.70 લાખ રોકડા સહિત 6લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ફેસબૂક પર નકલી યુવતી બની હનીટ્રેપમાં ફસાવ્યો
વરાછામાં સામે આવેલી હનીટ્રેપની ઘટનામાં યુવકને ફેસબૂકના માધ્યમથી હનીટ્રેપનો શિકાર બનાવવામાં આવ્યો હતો. યુવક ફેસબૂક દ્વારા એક યુવતીના સંપર્કમાં આવ્યો હતો. અને તેની સાથે ચેટિંગ અને વીડિયો કોલ પર વાત કરી રહ્યો હતો. જોકે ખરેખર ફેસબૂક મારફતે યુવક જે મહિલા આઈડી સાથે વાત કરી રહ્યો હતો તે ખરેખર મહિલા નહીં પરંતુ યુવક જ હતો. વીડિયો કોલ પર યુવકને ગેંગની એક મહિલા દ્વારા તેના ઘરે મળવા બોલાવ્યો હતો. વરાછા વિસ્તારના હરિધામ સોસાયટીના મકાન નંબર 144માં યુવકને મળવા બોલાવ્યો હતો. યુવક મહિલાને ઘરે મળવા પહોંચ્યો ત્યારબાદ થોડીવારમાં ગેંગના અન્ય સભ્યો ઘરે આવી પહોંચ્યા હતા. અને તેને માર માર્યો હતો અને મારી પત્ની સાથે દુષ્કર્મ કર્યું છે તેમ કહી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી.

ડુપ્લીકેટ પોલીસ અને પત્રકાર બની રૂપિયા પડાવ્યા
યુવકને ઘરમાં પૂરી દઈ તેણે વીડિયો કોલ પર કરેલી વાત ના વીડિયો પણ રેકોર્ડ કર્યા હોવાનું યુવકને આ ગેંગ જણાવી રહી હતી. ત્યારબાદ ઘરે આવીને મારી પત્ની સાથે જબરજસ્તી ફસાવીને તેની સાથે રેપ કર્યો છે તેઓ કેસ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવાની ધમકી આપી હતી. જેને લઇ બદનામીના ડરે યુવક ગભરાઈ ગયો હતો. જેનો લાભ આ ગેંગે ઉઠાવ્યો હતો. પોલીસમાં ફરિયાદ ન કરવા ને લઈ ગેંગ દ્વારા યુવક પાસેથી શરૂઆતમાં 7.50 લાખ રૂપિયા માંગી પડાવી લેવામાં આવ્યા હતા.

નકલી પોલીસ બની રૂપિયા પડાવ્યા
રૂપિયા આપ્યા બાદ યુવક એવું માની રહ્યો હતો કે તે આ બધા ઝંઝટમાંથી છુટકારો મેળવી લીધો છે. પરંતુ ખરેખર તેમ થતું નહીં. થોડા સમય બાદ યુવક પાસે એક વ્યક્તિ નકલી પોલીસ બનીને આવ્યો હતો. અને આ સમગ્ર ઘટનાની પોતાને જાણ થઈ ગઈ હોવાની તેણે જાણ કરી હતી. પોલીસ સુધી આ વાત ન પહોંચાડવી હોય તો પોલીસ બનીને આવેલા નકલી પોલીસ કર્મચારી દ્વારા નવ લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા. આમ પહેલા બદનામ કરવાના ડરે મહિલા અને તેના નકલી પતિએ 7.50 લાખ અને નકલી પોલીસે 9 લાખ મળી યુવક પાસેથી કુલ 16.5 લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા.

યુવકે ઘરેણા વેચીને રૂપિયા ચૂકવ્યા
હનીટ્રેપમાં ફસાયેલા યુવકે ગેંગને 16.5 લાખ રૂપિયા તો ચૂકવી આપ્યા હતા. પરંતુ આ 16.5 લાખ રૂપિયા તેણે ભેગા કરતા નાકે દમ આવી ગયું હતું. યુવકે જુદા જુદા વ્યક્તિઓ પાસેથી માંગીને તેની બચત તોડીને અને ઘરમાં રહેલા ઘરેણાંઓ વેચીને આ ગેંગને રૂપિયા ચૂકવ્યા હતા. તેમ છતાં આ ગેંગ તેનો પીછો છોડતી ન હતી. નકલી પોલીસ બાદ નકલી પત્રકાર બનીને વધુ એક યુવકે તેની પાસે રૂપિયાની માંગ્યા બાદ તેને જાણ થઈ હતી કે આ આખી એક ફ્રોડ ગેંગ છે. જેને લઇ તેણે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી. પોલીસે યુવકની ફરિયાદના આધારે ગુનો નોંધ્યો હતો. અત્યારે બાકીના આધારે વરાછા પોલીસે આ આખી ગેંગને ઝડપી પાડી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post