• Home
  • News
  • વિન્ડીઝ સામે સિરીઝ જીતવા સજ્જ:રોહિત એન્ડ કંપની 2-0ની અજેય લીડ લેવા મેદાનમાં ઊતરશે, શિખર-રાહુલનું પ્લેઇંગ-11માં સ્થાન પાક્કું
post

પહેલી મેચ પછી વેસ્ટ ઈન્ડીઝના ઓલરાઉન્ડર જેસન હોલ્ડરે કહ્યું હતું કે વિન્ડીઝના બેટર્સે પોતાની વિકેટના મહત્ત્વને સમજીને રમવું પડશે

Written By newsonline | Ahmedabad | Published: 2022-02-09 11:58:43

અમદાવાદ: બુધવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે બીજી વન-ડે મેચ રમાશે. ઉલ્લેખનીય છે કે 3 મેચની આ સિરીઝમાં ભારત 1-0થી આગળ છે અને આજની મેચ જીતી સિરીઝમાં અજેય લીડ મેળવવા મેદાનમાં ઉતરશે.

રાહુલના કમબેકથી કોણ થશે બહાર
બીજી મેચમાં શિખર ધવન અને ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન કે.એલ.રાહુલના કમબેક સાથે કોણ ટીમમાંથી બહાર થશે એ સવાલ ઊઠી રહ્યા છે. રાહુલના કમબેક સાથે શિખર ધવન પણ મંગળવારે ટીમ સાથે પ્રેક્ટિસ કરતો નજરે પડ્યો હતો. તેવામાં ઈશાન કિશનના સ્થાને શિખર ધવન ઓપનિંગ કરી શકે છે જ્યારે દીપક હુડાના સ્થાને કે.એલ.રાહુલને એન્ટ્રી મળી શકે છે.

કોહલી 71મી સદી આજે ફટકારે તેવી આશા
કે.એલ.રાહુલ અંગત કારણોસર પહેલી વનડેથી બહાર હતો. જ્યારે વિરાટ કોહલી, રિષભ પંત અને સૂર્યકુમાર યાદવના ક્રમમાં કોઈ ફેરફાર થઈ શકે એમ નથી. જેથી રાહુલને મિડલ ઓર્ડરમાં તક મળી શકે છે. વળી બીજી બાજુ છેલ્લા 2થી વધુ વર્ષથી 71મી સદી માટે વિરાટ કોહલી અને તેના ફેન્સ રાહ જોઈ રહ્યા છે. તો આજે અમદાવાદમાં વિરાટ આ સદી ફટકારી શકે છે.

સ્પિનર્સ પાસે અપેક્ષા
ચહલ અને વોશિંગ્ટન સુંદરે પહેલી મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. આવી સ્થિતિમાં ટીમ મેનેજમેન્ટ સ્પિન બોલિંગમાં કોઈ ફેરફાર કરવા ઈચ્છશે નહીં. વળી બીજી બાજુ કુલદીપ યાદવે મંગળવારે પ્રેક્ટિસ સેશનમાં ઘણી મહેનત કરી હતી. એટલું જ નહીં તે બેટિંગની સાથે બોલિંગ પણ કરતો જોવા મળ્યો હતો. આવી સ્થિતિમાં એક સ્પિનરને પડતો મૂકીને લેફ્ટ આર્મ સ્પિનર ​​કુલદીપ યાદવને તક મળશે કે કેમ એવા સવાલો સામે આવી રહ્યા છે.

વેસ્ટ ઈન્ડીઝ કમબેક કરવા સજ્જ
બીજી તરફ વેસ્ટ ઈન્ડીઝની નજર પહેલી મેચની હારને ભૂલીને વધુ સારા પ્રદર્શન પર રહેશે. છેલ્લી 16 મેચોમાં રવિવારે 10મી વખત વેસ્ટ ઈન્ડીઝની ટીમ 50 ઓવર પણ રમી શકી નહોતી. પોલાર્ડની ટીમે આના પર સુધારો કરવો પડશે અને બેટરે જવાબદારીપૂર્વક રમવું પડશે. પહેલી મેચ પછી વેસ્ટ ઈન્ડીઝના ઓલરાઉન્ડર જેસન હોલ્ડરે કહ્યું હતું કે વિન્ડીઝના બેટર્સે પોતાની વિકેટના મહત્ત્વને સમજીને રમવું પડશે. વેસ્ટ ઈન્ડીઝ તેના આક્રમક બેટર નિકોલસ પૂરન અને પોલાર્ડ પાસેથી વધુ સારા પ્રદર્શનની અપેક્ષા રાખશે.