• Home
  • News
  • બે દિવસથી પીવાના પાણીની પાઇપમાંથી નીકળ્યા અવશેષો:સિદ્ધપુરમાં ગઇકાલે હાથ અને માથા બાદ આજે પાલિકાને પગનો ભાગ મળ્યો, ચકાસણી થાય તો હજુ બીજો પગ મળી શકે છે
post

લોકોએ પાણીમાં વાસ આવતી હોવાની ફરિયાદ કરી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2023-05-17 18:31:59

પાટણ: પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં મંગળવારે પીવાના પાણીની પાઇપલાઈનમાંથી મૃતદેહના અવશેષો મળતાં ચકચાર મચી હતી. પાણીની પાઈપલાઈનમાં ચાર દિવસથી પાણી બંધ થઈ જતાં પાલિકા દ્વારા તપાસ માટે ખોદકામ કરવામાં આવ્યું હતું. એમાં ઉપલી શેરી વિસ્તારમાં પાઈપલાઈનમાંથી એક મૃતદેહના હાથ અને માથાના ભાગના અવશેષો મળ્યા હતા. જ્યારે આજે ફરી નિશાળ ચકલા વિસ્તારમાં પાલિકાએ ખોદકામ કરતાં લાલ ડોશીની પોળમાં પગના અવશેષો પાઇપલાઈનમાં દેખાયા હતા. હાલમાં પાઇપ કાપીને અવશેષો બહાર કાઢીને સિવિલમાં મોકલાયા છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મહત્ત્વનું છે કે તસવીરો જોઇને આ અવશેષો માનવશરીરના લાગી રહ્યા છે. જોકે ડોક્ટરોના જણાવ્યા મુજબ એફએસએલનો રિપોર્ટ આવ્યા બાદ જ ખ્યાલ આવશે કે આ અવશેષો માનવના છે કે પ્રાણીના.. સૂત્રોએ જણાવ્યું હતું કે હજી બીજી પાઇપલાઈન ચકસાવમાં આવે તો બીજો પગ અને માથાની ખોપરી મળવની શક્યતા છે.

લાલ ડોશીની પોળમાં પગના અવશેષો મળ્યા
સિદ્ધપુર નગરપાલિકા દ્વારા આજે પાણીની પાઇપલાઈન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ઉપલી શેરી બાદ બીજાં અન્ય સ્થળે લાલ ડોશીની પોળ વિસ્તારના નિશાળ ચકલા આગળ પાણીની પાઇપલાઇનમાં ખોદકામ કરી પાઇપને કાપવામાં આવી ત્યારે એમાંથી મૃતદેહના પગના અવશેષો મળી આવ્યા હતા. એમાં ડીવાયએસપી અને પીઆઇ સહિતનો પોલીસકાફલો ઘટનાસ્થળે દોડી આવી લાશના અવશેષો બહાર કાઢીને સિવિલ હોસ્પિટલમાં એફ.એસ.એલ.ની ટીમની તપાસ હેઠળ પહોંચાડવામાં આવ્યા છે. એની હાલમાં તપાસ ચાલુ છે. સિવિલ હોસ્પિટલના તબીબ હર્ષ ત્રિવેદીએ જણાવ્યું હતું કે ગઇકાલે જે મૃતદેહ આવ્યો હતો એ પેનલ ડોક્ટર દ્વારા તપાસ કરી એને અમદાવાદ ખાતે એફએસએલમાં મોકલી આપવામાં આવ્યો છે. જોકે મળેલા અવશેષો માનવના છે કે પ્રાણીના એ રહસ્ય ઘેરાયું છે.

આ પગ મળતાં માનવ અવશેષ કહી શકાય: ડોક્ટર હર્ષ ત્રિવેદી
આ અંગે સિવિલ હોસ્પિટલના તબીબ હર્ષ ત્રિવેદીએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે હાલ એક પગનો ભાગ મળ્યો છે, પણ એ કાલવાળાનો જ છે કે બીજાનો છે એ ડીએનએ ટેસ્ટ દ્વારા ખબર પડે. હાલ તો આ પગ મળતાં માનવ અવશેષ કહી શકાય, પણ પેલાનો છે એ ન કહી શકાય. આજે હું નથી, બીજા ડોક્ટર છે. પોલીસ નક્કી કરશે કે એફએસએલમાં મોકલાવ્યું કે શું કરવું.. બીજી તરફ સૂત્રોના જણાવ્યા મુજબ હજુ બીજી પાઇપલાઈન ચકાસવમાં આવતાં એક પગ મળ્યો, હજુ બીજો પગ અને માથાની ખોપરી મળવાની શક્યતા છે.

શું કહે છે Dysp?
આ અંગે સિદ્ધપુર Dysp કે.કે. પંડ્યાએ જણાવ્યું હતું કે બે પાઇપલાઈનમાંથી બે અલગ અલગ અવશેષો મળ્યા છે, જેની તપાસ ચાલુ છે. આ અવશેષો હત્યા કરાયેલા છે કે કેમ એ અત્યારે કહી શકાય નહીં. અગાઉ જે યુવતી ગુમ હતી એ સંદર્ભને ધ્યાનમાં રાખીને પણ તપાસ ચાલુ છે. હાલમાં હત્યા છે કે આત્મહત્યા એ કહી શકાય નહીં.

'અવશેષો માનવના છે કે કોઈ પ્રાણીના એ કહેવું મુશ્કેલ'
સિદ્ધપુરમાંથી ગઇકાલે એક મૃતદેહના અવશેષો મળતાં ચકચાર મચી હતી. પાણીની પાઈપલાઈનમાં ચાર દિવસથી પાણી બંધ થઈ જતાં પાલિકા દ્વારા તપાસ માટે ખોદકામ કરવામાં આવ્યું હતું. એમાં ઉપલી શેરી વિસ્તારમાં પાઈપલાઈનમાંથી એક મૃતદેહના અવશેષો મળી આવતાં ચકચાર મચી હતી. સિદ્ધપુર નગરપાલિકાના ચીફ ઓફિસરે કહ્યું હતું કે આ લાશ પ્રાથમિક દૃષ્ટિએ મહિલાની લાગી રહી છે. તો બીજી તરફ મૃતદેહના અવશેષો સિદ્ધપુર સિવિલમાં પીએમ માટે મોકલવામાં આવતાં તબીબે કહ્યું હતું કે હાલ અવશેષોની સ્થિતિ જોઈને આ અવશેષો માનવના છે કે કોઈ પ્રાણીના એ કહેવું મુશ્કેલ છે.

'અન્ય કોઈ અવશેષો ફસાયેલા છે કે નહીં એ ચેક કરાશે'
સિદ્ધપુરના ચીફ ઓફિસર સંજય પટેલે જણાવ્યું હતું કે પ્રાથમિક દૃષ્ટિએ મહિલાની લાશ લાગી રહી છે. આ ઘટના બાદ અમે પાણીની ટાંકીની તપાસ કરી તો ત્યાં પ્રાથમિક તપાસમાં પાણીની ટાંકીનો દરવાજો તૂટેલો હોવાનું માલૂમ પડ્યું છે. આ મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે. પાઇપલાઈનમાંથી મૃતદેહના અવશેષ મળ્યા છે, જેને લઈ પાણીની પાઇપલાઇનમાં અન્ય કોઈ અવશેષો ફસાયેલા છે કે નહીં એ માટે હવે નગરપાલિકા દ્વારા અન્ય વાલ્વ બંધ કરીને ફુલ પ્રેશરથી પાણી છોડી ચેક કરવામાં આવશે. જો કોઈ અન્ય અવયવો પાઇપલાઇનમાં ફસાયેલા હોય તો બહાર નીકળી જાય. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પાણીની પાઇપલાઇનની સફાઈ જરૂરી હોવાથી એ મારફત આવતો પાણીનો પ્રવાહ બંધ રહેશે. હાલમાં સિદ્ધપુર નગરપાલિકા દ્વારા ટેન્કરો મારફત વિસ્તારના તમામ લોકોને પાણી પૂરું પાડશે એમ જણાવ્યું હતું. મહત્ત્વનું છે કે આમાંથી જે વિસ્તારમાં પાણી જતું હતું એ તમામ વિસ્તારમાં ટેન્કર દ્વારા પાણી આપવામાં આવી રહ્યું છે.

'પાઇપની અંદર કંઇક ફસાયેલું લાગ્યું'
ગઇકાલે સિદ્ધપુર નગરપાલિકાના કારોબારી ચેરમેન ધર્મેન્દ્ર ઠાકરે જણાવ્યું હતું કે 11-12 તારીખે પાણીનો પ્રવાહ બંધ થયો હતો, જેથી ખોદવાનું કામ ચાલુ કર્યું, પણ અંદર કંઇક ફરસાયેલું લાગતાં જોયું તો અંદરથી મૃતદેહ મળ્યો હતો.

લોકોએ પાણીમાં વાસ આવતી હોવાની ફરિયાદ કરી હતી
સ્થાનિક શ્રદ્ધાબેન દવેએ જણાવ્યું હતું કે અમારા મહોલ્લામાં છેલ્લા ચાર દિવસથી પાણીમાં વાસ આવતી હતી. વોર્ડ નં 5ના વિસ્તાર ઉપલી શેરી, હનુમાન ગલી, બ્રાહ્મણિયા પોળ, જે.ડી.રેસિડન્સી, શંકરાચાર્ય મઠ નદી રોડ, અંબાવાડી, ડેરિયા વાડો, નિશાળ ચકલા સહિતના તમામ વિસ્તારમાં દુર્ગંધ મારતું પાણી આવતું હતું. અમે અમારા કોર્પોરેટરને વાત કરતાં નગરપાલિકા દ્વારા ત્રણ દિવસથી ખોદકામ કરતાં મૃતદેહના અવશેષો મળી આવ્યા હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post