• Home
  • News
  • ખાનગી હોસ્પિટલમાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો, સિવિલે ફરી સેમ્પલ લઇ રિપોર્ટ નેગેટિવ હોવાનું કહી રજા આપી દીધી
post

દર્દીએ રિપોર્ટ જોવા માંગતા સિવિલના ડોક્ટરે રિપોર્ટ પણ ન બતાવ્યાનો આક્ષેપ

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-12 11:40:13

અમદાવાદ: સિવિલની કોવિડ હોસ્પિટલ સહિત શહેરની સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે દાખલ થતાં દર્દીના સેમ્પલ લીધા બાદ પાંચ દિવસો સુધી રિપોર્ટ આવતા નથી, ત્યારે સિવિલની કોવિડ હોસ્પિટલમાં દાખલ થયેલાં દર્દીનો કોરોના રિપોર્ટ નેગેટિવ હોવાનું માત્ર 24 કલાકમાં કહેવાયું અને દર્દીને શ્વાસ ચઢતો હોવા છતાં રજા આપી દેવાયાની ઘટના પ્રકાશમાં આવી છે. 

દર્દી પ્રથમ પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ થયા હતા, જયાં તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, છતાં સિવિલમાં ફરીથી તેમનાં સેમ્પલ લઇ રિપોર્ટ નેગેટિવ હોવાનું જણાવી રજા આપી દેતાં દર્દીને ઘરે કવોરન્ટાઇન થવાની ફરજ પડી છે, પાંચ દિવસ સુધી રિપોર્ટ મળતાં ન હોવાને મુદ્દે ત્રણ દિવસ પહેલાં સિવિલમાં દર્દીના સગાંએ હોબાળો મચાવ્યો હતો. ત્યારે આ દર્દીને રિપોર્ટ 24 કલાકમાં કેવી રીતે આવ્યો તે પ્રશ્ન છે. 

બાપુનગરમાં રહેતા કનુભાઇ ગંગારામ પરાતેએ જણાવ્યું હતું કે, મને થોડા દિવસોથી તાવ આવતો હતો અને શ્વાસ લેવામાં પણ તકલીફ થતી હતી. જેથી હું સારવાર માટે ચાર દિવસ પહેલાં એસવીપી અને સિવિલ હોસ્પિટલ ગયો હતો. પરંતુ બેડ ખાલી નથી તેમ જણાવી ઘરે મોકલી દીધો હતો. ત્યારબાદ મારી તબિતયત વધુ ખરાબ થતાં 8મી જૂને નરોડાની રૂષિકેશ હોસ્પિટલમાં દાખલ થયો હતો અને કોરોના ટેસ્ટ કરાવ્યો હતો, જેનો રિપોર્ટ 9મી જૂને  પોઝિટિવ આવતાં હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી. ત્યારબાદ અન્ય એક ખાનગી હોસ્પિટલમાં ગયો પણ ત્યાં પણ જગ્યા ખાલી ન હતી.

જેથી બુધ‌વારે સવારે 11.30 કલાકે હું સિવિલ હોસ્પિટલમાં ગયો અને કોરોનાનો રિપોર્ટ બતાવતાં છતાં ફરીથી કોરોના માટેનાં સેમ્પલ લઇને મને કોવિડ હોસ્પિટલના બી-1 વોર્ડના બેડ નંબર 45 પર દાખલ કરીને દવા આપી હતી. વોર્ડમાં આવતાં દરેક ડોકટરને કહેતો રહ્યો કે, મને શ્વાસ લેવામાં તકલીફ પડે છે, ઓક્સિજન ચઢાવો છતાં કોઇએ ગણકાર્યુ નહિ, છેવટે ગુરુવારે સવારે એક નર્સે ઓક્સિજન ચઢાવ્યો હતો. પરંતુ, અડધો કલાકમાં જ એક તબીબે આવીને મને રજા આપવાનું જણાવ્યું હતું.  

જેથી મેં તબીબને કહ્યું કે, મને કેમ રજા આપો છો, મને હજુ શ્વાસ ચઢે છે અને તબીયત સારી નથી. જેથી તબીબોએ જણાવ્યું હતું કે,તમારો કોરોના રિપોર્ટ નેગેટિવ હોવાથી રજા આપવામાં આવી રહી છે. જેથી મેં કોરોના રિપોર્ટ બતાવવાનું કહેવા છતાં તબીબોએ મને રિપોર્ટ બતાવ્યાં વિના જ રજા આપી દિધી હતી, અને સિવિલનાં ટ્રોમા સેન્ટરમાં જવા કહ્યું, જેથી હું ટ્રોમા સેન્ટરમાં માટે ગયો પણ ત્યાં પણ દાખલ ન કર્યો. 

 

adv

Related News

post
post
post
post
post
post
post