• Home
  • News
  • દિલધડક લૂંટ CCTVમાં કેદ:અંકલેશ્વરની ફાયનાન્સ કંપની IIFLમાં કર્મચારીઓને બંધક બનાવી 4 લૂંટારાઓ માત્ર 11 મિનિટમાં જ 3.29 કરોડના દાગીના લૂટી ફરાર
post

હિન્દી ભાષી લૂંટારુએ મહિલાના માથે પિસ્તોલ મુકી કહ્યું, લોકર કી ચાવી કિસ કે પાસ હૈ, માર ડાલુંગા

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-10 08:51:56

અંકલેશ્વરની ઇન્ડિયા ઇન્ફોલાઇન ફાઇનાન્સ લિમિટેડ (IIFL) માં 282 ગ્રાહકોએ ગીરવે મૂકેલા રૂા. 3.29 કરોડના સોનાના દાગીના અને રોકડ રૂા. 1.79 લાખ મળી રૂા. 3.31 ની મતાની લૂંટ ચલાવી ટોપી-માસ્ક ધારી લૂંટારુઓ 6 કર્મચારીને બંધક બનાવી ફરાર થઇ ગયા હતાં. ભરૂચમાં પહેલીવાર 6.866 કિલો સોનાની લૂંટને અંજામ આપ્યા બાદ લૂ઼ંટારુઓ મુખ્ય ગેટને લોક કરી રોડ ક્રોસ કરી કારમાં બેસી ભાગી ગયા હતાં. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ ગઇ હતી. કંપનીની ઓફિસમાં લગાવેલા CCTVમા 4 લૂંટારૂઓ ઓફિસમાં પ્રવેશ કરતા દેખાય છે અને ત્યાર બાદ 4 લૂંટારૂઓ કર્મચારીઓને બંધુકની અણીએ અંદરની રૂમમાં મોકલી દે છે. બે લૂંટારૂઓના હાથમાં બંધુક અને એક લૂંટારૂના હાથમાં ચાકૂ જોવા મળ્યું હતું અને 4 કરોડના સોનાના દાગીના અને રોકડ રકમ લૂંટ ચલાવીને લૂંટારાઓ કારમાં ફરાર થઇ ગયા છે. ઘટનાની જાણ થતાં અંકલેશ્વર પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ છે. આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

11 મિનિટમાં જ ખેલ પાડી દીધો
દિવાળીની ખરીદીના માહોલ વચ્ચે અંકલેશ્વરના ભરચક વિસ્તાર ત્રણ રસ્તા સર્કલ પાસે આવેલી ઇન્ડિયા ઇન્ફોલાઇન ફાયનાન્સમાંથી પિસ્તોલ અને ચાકૂની અણીએ 4 લૂંટારુઓએ રૂા. 3.31 કરોડની લૂંટ ચલાવી હતી. લૂંટમાં 282 લોકોએ ગીરવે મૂકેલું 6 કિલો 866 ગ્રામ સોનું ગયું હતું. પ્રિપ્લાન્ડ લૂંટનો ઘટના ક્રમ જોતા સવારે 9 વાગ્યાથી જ લૂંટારુઓએ રેકી કરી હતી. 9.17 મિનિટ થી 9.28 મિનિટ એટલે 11 મિનિટમાં લૂંટારુએ ખેલ પાડ્યો હતો.સવારે ટ્રાફિક પોલીસ સિવાયના પોલીસકર્મીઓ રોડ પર ન હોય તેમજ કોમ્પલેક્ષમાં નીચે આવેલી દુકાનો ખુલી રહી હોવાથી લોકોની અવરજવર પણ ઓછી હોઇ આ સમયે જ લૂંટને અંજામ આપ્યો હતો.લૂંટમાં જાણભેદુ હોવાની શક્યતા પ્રબળ છે.

ઓટીપીથી સ્ટ્રોંગરૂમનો દરવાજો ખોલ્યો
બ્રાન્ચમાં મેનેજર ધર્મેશ પઢીયાર, ગોલ્ડ વેલ્યુઅર રીટાબહેન ભગવાનભાઇ સોલંકી, સફવાન શેખ, વલ્લરી રાવલ, અને દિવ્યાબહેન પરમાર ઉપરાંત સિક્યુરિટી ગાર્ડ કલમેશ હાજર હતાં. વલ્લરી અને દિવ્યાબહેનને ધક્કો મારીને પ્રવેશેલા લૂંટારુએ છરો કાઢી તમામના મોબાઇલ લઇ લીધા હતા જ્યારે અન્ય એક લૂંટારુએ પિસ્તોલ બતાવી હિન્દીમાં લોકર કી ચાવી કીસ કે પાસ હૈ તેમ કહી મેનેજર ધર્મેશ પઢીયારને માર ડાલુંગા તેવી ધમકી આપી હતી. મેનેજરે ચાવી મારી પાસે છે કશું કરતા નહીં તેમ કહેતા તેણે દરવાજો ખોલવા કહ્યું હતું. ઓટીપી વગર સ્ટ્રોંગરૂમનો દરવાજો નહીં ખુલે તેમ કહેતા એક લૂંટારુએ મોબાઇલ આપ્યો હતો. મેનેજરે મુંબઇની બ્રાન્ચમાંથી ઓટીપી મંગાવ્યો હતો. ત્યારબાદ લૂટારુએ રીટાબહેન સાથે લોકરની કેબિનમાં જઇ ઓટીપીથી દરવાજો ખોલી બંને પાસે ચાવી વડે લોક ખોલ્યુ હતું.

અંકલેશ્વરમાં પાલિકા અને પોલીસનો રસ્તાઓ પર CCTV લાગવાનો પ્રોજેક્ટ કાગળ પર
લૂંટારૂઓ લૂંટ કરવા પોતાની ઓળખ ન થાય તેથી ટોપી માસ્ક અને ગોગલ્સ પહેર્યા હતા. બ્લેક શર્ટ, બ્લૂ જીન્સ અને સ્પોર્ટ સૂઝ પહેરીને ઓફિસમાં પ્રવેશ મેળવ્યો હતો. પોતાની સાથે લાવેલ બેગમાં દોરડા તેમજ તમંચા પણ લાવ્યા હતા. લૂંટારુઓ ને ઝડપી પાડવા માટે પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવ્યા હતા તો આજુબાજુ નબા કોમ્લેક્ષ સહીત ત્રણ રસ્તા સર્કલ થી લઇ હાંસોટ રોડ સહીત વિસ્તારમાં રોડ બાજુમાં લાગેલા સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા અંકલેશ્વર શહેરમાં પોલીસ અને પાલિકાએ 11 લાખ ઉપરાંતના ખર્ચે સીસીટીવી કેમેરા ગોઠવાનો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ છેલ્લા 8 મહિના ઉપરાંત થી માત્ર કાગળ પર જ જોવા મળ્યો છે. જે પ્રોજેટ્ક હાલ અમલમાં હોય તો પોલીસને લૂંટારુ ઓ કઈ દિશા માં ભાગ્ય તેની ચોક્કસ માહિતી મળી શકી હોત.

નાકાબંધી કરીને પોલીસ લૂંટારાઓની શોધખોળ હાથ ધરી રહી છે
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના 3 રસ્તા સર્કલ પાસે આજે સવારે ઇન્ડિયા ઇન્ફોલાઇન ફાઇનાન્સની ઓફિસમાં આજે સવારે લૂંટારાઓ ત્રાટક્યા હતા અને 4 કરોડ રૂપિયાના સોનાના દાગીના અને રોકડ રકમ લૂંટીને કારમાં ફરાર થઇ ગયા હતા. અંકલેશ્વર પોલીસે નાકાબંધી કરીને લૂંટારાઓની શોધખોળ હાથ ધરી છે અને શહેરમાં એલર્ટ પણ જાહેર કરી દીધી છું.

બહારથી લોક મારી લૂંટારુઓ ભાગી ગયા
બંનેને સ્ટ્રોંગરૂમમાંથી બહાર કાઢયા બાદ એક લૂંટારુએ બેગમાંથી દોરી કાઢી તમામના હાથ-પગ બાંધી દીધા હતાં. દરમિયાન અંદર રહેલો એક લૂંટારુ મીણીયા થેલામાં સોનાના દાગીના અને રોકડ ભરી લઇ કેબીનની બહાર આવી ગયો હતો અને ટેબલની ઉપર પડેલી ચાવી વડે બહારથી લોક મારી ચારેય લૂંટારુ ભાગી ગયા હતાં. દરમિયાન મેનેજર સહિત તમામે જાતે જ દોરી છોડી નાખ્યા બાદ મેનેજરે પોલીસને જાણ કરી હતી. આ સમયે લૂંટારુઓ સ્વીફટ કારમાં બેસી ફરાર થઇ ગયા હતાં. બ્રાન્ચમાં સોનાના નેકલસ, પાટલા અને ચેઇન સહિત 282 પેકેટ હતાં. જેમાં 6 કિલો 866 ગ્રામ સોનું હતું. આ દાગીના પર 1.97 કરોડની લોન આપેલી હતી. ગત જાન્યુઆરીમાં વાપીની ચાણોદ બ્રાન્ચમાં 6 લૂંટારુએ 6.56 કરોડના સોનાની લૂંટ કરી હતી.

લોકર ખોલાવીને બ્રાન્ચ મેનેજરને બાંધી દીધો હતો
અંકલેશ્વર ત્રણ રસ્તા સર્કલ પર આવેલ આઈ.આઈ.એફ.એલમાં ચાર લૂંટારુઆવ્યા હતા અને બેંક પ્રવેશ કરી તમામ કર્મચારી દોરડાથી બાંધી દીધા અને એક કર્મચારી પાસે લોકર ઓટીપી મુખ્ય બ્રાન્ચ પરથી મંગાવી સ્ટ્રોંગ રૂમ ખોલાવ્યું હતું. અને ચાવી વડે બાકી લોકર ખોલાવી તેંમને બ્રાન્ચ મેનેજરને પણ બાંધી દીધો હતો. ત્યારબાદ 282 લોકોના સોનાના પેકેટ સહિત 3.31 કરોડના દાગીના-રોકડા તેમજ 2 ટેબલેટ અને 4 મોબાઇલ લૂંટી ગયા હતા. ઘટના જોતા રેકી કરી લૂંટ કર્યાની પ્રબળ સંભવના છે. હાલ સીસીટીવી ફૂટેજ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ડોગ સ્કોર્ડ એફ.એસ.એલ નિશ્રણાંતની મદદથી તપાસ કરવામાં આવી રહી છે. - ચિરાગ દેસાઈ, ડી.વાય.એસ.પી અંકલેશ્વર.

2 કર્મચારીનું રજિસ્ટર અને સિક્યુરિટીને ઓનલાઇન જોયા બાદ જ પાસવર્ડ મળ્યો
આઈ.આઈ.એફ.એલ ની મુખ્ય શાખા પર સ્ટ્રોંગરૂમ જે ઓટીપી આધારિત લોક વડે જ ખુલે છે. તેને ખોલવા માટે મુખ્ય બ્રાંચ બેન્કના 2 કર્મચારીનું રજિસ્ટર કરે છે ત્યારબાદ ગાર્ડને ઓનલાઇન તેઓ વીડિયો પર ચેકિંગ કર્યા બાદ જ પાસવર્ડ એટલે ઓટીપી આપતા હોય છે. જે પાસવર્ડ મેળવવા 3 કર્મચારીની જરૂર હોય છે તો જ લોકર ખુલે છે. લૂંટારુ આ માટે પહેલાથી જ ત્રણ કમર્ચારી પૈકી 2 નું રજિસ્ટર કરવી ત્યારબાદ ગાર્ડને તકેદારી પૂર્વક ઓનલાઇન કેમેરા આગળ રજુ કર્યો હતો અને ઓટીપી મેળવ્યો હતો. જે આવ્યા બાદ અન્ય બે કર્મચારી પાસે તેઓએ લોકર ચાવી વડે ખોલાવ્યું હતું ને જેવું લોકર ખુલ્યું કે તરતજ અન્ય 3 લૂંટારુઓ તમામ કર્મચારીને દોરડા વડે બાંધી એક જ લૂંટારુએ સોનુ અને રોકડ સમેટી લીધું હતું.

લુંટારુઓએ ટ્રાફિકને લીધે દિશા બદલી
ત્રણ રસ્તા પર એપીએમસીને કારણે ટ્રાફિક જામ હોવાથી લુંટારુઓએ દિશા બદલી હતી. લુંટબાદ ચૌટાબજાર તરફના રસ્તા પર ફરાર થયા હતા. ત્રણ રસ્તા સર્કલ પર સ્ટેશન તરફ તેમજ ત્યાં થી નેશનલ હાઇવે નંબર 48 તરફ જતો માર્ગ હોવા છતાં તે તરફ ભાગ્યા ન હતા અને વિરુદ્ધ દિશામાં સામેની સાઈડ પર કાર પાર્ક કરી હતી.

2 ફાયનાન્સ કંપની છતાં એક જ સિક્યુરિટી ગાર્ડ
સામાન્ય રીતે આ પ્રકારની કંપનીમાં એક ગન સાથે સિક્યુરિટી ગાર્ડ હોવો જોઇએ પરંતુકોમ્પલેક્ષના પ્રથમ માળે બે ગોલ્ડ લોન આપતી બેન્ક, એક દવાખાનું અને એક બ્યુટિપાર્લર વચ્ચે એક જ સિક્યુરિટી ગાર્ડ છે. લૂંટ થાય તો ફાયર કે અન્ય પોલીસ કે કંપની જાણ કરતી સાંકેતિક ટેક્નિકલ સિસ્ટમ પણ હતી જે નહિ તેપણ સવાલ છે.

હિન્દી ભાષી લૂ઼ટારુઓએ અમારા મોબાઇલ લઇ લીધા
સિક્યુરિટી ગાર્ડ કમલેશના જણાવ્યા મુજબ અમે સવારે હજુ તો ઓફિસ ખોલી હતી કે તરત જ લૂંટારુઓ આવ્યા હતા. અમે કઈ કરીયે એ પહેલા તો બંદૂક બતાવી હતી અને અમને એક સાઈડ પર કરી દીધા હતા. લુંટારુઓ હિન્દીમાં બોલતા હતા. ત્યારબાદ અમારા મોબાઈલ પણ ઝંૂટવી લીધા હતા. પાસવર્ડ જાણી લઇ ચાવી વડે દરવાજો ખોલાવ્યો હતો અને અમને બાંધી દીધા હતાં જ્યારે એક લૂંટારુએ બેગમાંથી દોરડુ કાઢી અમને બાંધી દઇ દરવાજો બંધ કરી ફરાર થઇ ગયા હતાં. જોકે સમગ્ર ઘટના અંગે સત્તાવાર પુછતા જ સિક્યુરિટી ગાર્ડ કમલેશના મોઢા પર સીલ વાગી ગયું હતું અને આગળ કંઈપણ કહેવાનો ઇન્કાર કરી દીધો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post