• Home
  • News
  • ફેડરર, સેરેના અને નડાલ ચેરિટી મેચ રમશે, બીજા ટેનિસ ખેલાડીઓએ અત્યાર સુધીમાં 9 કરોડ રૂપિયાનું દાન કર્યું
post

15 જાન્યુઆરીએ મેલબોર્નમાં પીડિતોની સહાય માટે ચેરીટી મેચ રમાશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-10 11:13:08

ઓસ્ટ્રેલિયાના જંગલોમાં લાગેલી આગમાં પીડિતોની મદદ માટે રમત જગત આગળ આવ્યું છે. ટેનિસ ઓસ્ટ્રેલિયાએ કહ્યું કે, 15 જાન્યુઆરીએ મેલબોર્નમાં ચેરિટી મેચ રમાશે. સ્વિત્ઝર્લેન્ડનો રોજર ફેડરર, અમેરિકાની સેરેના વિલિયમ્સ, સ્પેનનો રાફેલ નડાલ અને જાપાનની નોઝોમી ઓકુહારા સહિત અન્ય ખેલાડીઓ મેચમાં ભાગ લેશે. બીજા ટેનિસ ખેલાડીઓએ અત્યાર સુધીમાં 9 કરોડ રૂપિયાનું દાન કર્યું છે. 20 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી સુધી ઓસ્ટ્રેલિયન ઓપન રમાશે.

ટેનિસ ઓસ્ટ્રેલિયાના પ્રમુખ ક્રેગ ટિલે કહ્યું કે, સીઝનની બધી મેચોમાં થયેલા 'એસ' (સર્વિસ)થી અત્યાર સુધીમાં 8.5 કરોડથી વધુનું દાન થયું છે. ઓસ્ટ્રેલિયાના ટેનિસ સ્ટાર નિક કિરગિયોસ સહિત કેટલાક ખેલાડીઓએ સીઝનની બધી મેચોમાં પ્રત્યેક એસમાં લગભગ 10 હજાર રૂપિયાનું દાન કર્યું છે. ઓસ્ટ્રેલિયાના એલેક્સ ડી મિનૌરે એક એસ માટે લગભગ 18 હજાર રૂપિયાનું દાન કર્યું છે. એસ એક તરફથી સ્પીડમાં કરવામાં આવતી સર્વિસ હોય છે, જેમાં વિરોધી ખેલાડી રમવામાં નિષ્ફ્ળ જાય છે. તેમજ સર્વિસ કરનારને સીધા પોઈન્ટ્સ મળે છે.

બાર્ટી, શારાપોવા અને જોકોવિચે 51 લાખ રૂપિયાનું દાન કર્યું
વર્લ્ડ નંબર 1 ઓસ્ટ્રેલિયાની ટેનિસ ખેલાડી એશ્લે બાર્ટીએ કહ્યું કે, તે બ્રિસ્બેન ઇન્ટરનેશનલની પોતાની પ્રાઇસ મની દાનમાં આપશે. ઓસ્ટ્રેલિયામાં 4 જાન્યુઆરીથી શરૂ થયેલ ટૂર્નામેન્ટ 12 જાન્યુઆરી સુધી ચાલશે. બાર્ટી રોયલ સોસાયટી ફાઉન્ડેશનને 15 લાખ રૂપિયા આપી ચૂકી છે. તેને આશા છે કે તે રેડ ક્રોસ સોસાયટીને મિનિમમ 1.8 કરોડ રૂપિયા આપી શકશે. મારિયા શારાપોવા અને નોવાક જોકોવિચે 18-18 લાખ રૂપિયાનું દાન કર્યું છે.

ઓસ્ટ્રેલિયાના જંગલોમાં લાગેલી ભીષણ આગ સતત રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહી છે. છેલ્લા ઘણા સમયથી આગને ઓલવવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. પરંતુ હજુ સુધી આગ પર અંકૂશ મેળવી શકાયો નથી. આશરે 4 મહિનાથી લાગેલી આગમાં ઓછામાં ઓછા 50 કરોડ પશુ-પક્ષીઓ સળગીને મૃત્યુ પામ્યા છે અથવા તો ગંભીર રીતે ઈજા પામ્યા છે. આગની સૌથી વધારે અસર કોઆલા (જાનવરોની એક પ્રજાતિ) પર થઈ છે. એવું પણ માનવામાં આવે છે કે આગથી કોઆલાની વસ્તુ ઘટીને અડધો અડધ થઈ ગઈ છે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસને જંગલોમાં લાગેલી ભીષણ આગને લીધે મકાન અને આજીવિકા ગુમાવી ચુકેલા લોકોને રાહત પહોંચાડવા માટે આશરે બે અબજ ઓસ્ટ્રેલિયન ડોલરનો ખર્ચ કરવાની જાહેરાત કરી છે. આગમાં 2,000 કરતાં વધારે મકાને ભારે નુકસાન થયું છે અથવા તો બળીને ખાખ થઈ ગયા છે.

ક્રિકેટ જગત પણ દાન કરવા આગળ આવ્યું
મંગળવારે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે ક્રિકેટ કમ્યુનિટીને આગ પીડિતો માટે દાન કરવા અપીલ કરી છે. ક્રિસ લિન, મેથ્યુ રેનશો અને ડાર્સી શોટ બિગ બેશ લીગમાં ફટકારેલી દરેક સિક્સ માટે 18 હજાર રૂપિયાનું દાન કરશે. જયારે પૂર્વ ક્રિકેટર શેન વોર્ને કરિયર દરમિયાન પહેરેલી બેગી ગ્રીન કેપની 12 જાન્યુઆરીએ હરાજી કરશે.