• Home
  • News
  • રૂ. 20 લાખ કરોડના આત્મનિર્ભર પેકેજ પછી નવી કંપનીઓનો રાફડો ફાટ્યો, 2019 કરતાં 2020માં નોંધણી 11% વધી
post

સરકારના ઈકોનોમી રિફોર્મના પગલાંએ નવી શરૂઆત કરવા લોકોને પ્રોત્સાહિત કર્યા

Written By newsonline | Ahmedabad | Published: 2021-02-08 09:36:07

2020નું વર્ષ સૌ કોઈને યાદગાર રહી જે તેવું રહ્યું છે. કોરોનને કારણે દેશ અને દુનિયાના અર્થતંત્રને ભારે નુકસાન થયું છે અને ઘણા લોકો બેરોજગાર પણ બન્યાં. આમ છતાં ડિસેમ્બર આવતા સુધીમાં સ્થિતિ ઘણી જ બદલાતી જોવા મળી હતી. દિવ્ય ભાસ્કરે ભારત સરકારના કોર્પોરેટ અફેર્સ મિનિસ્ટ્રીના આંકડા ચકાસતા જાણવા મળ્યું કે, નેગેટિવ સેન્ટિમેન્ટ હોવા છતાં પણ ભારતમાં નવી કંપનીઓની શરૂઆત કેલેન્ડર વર્ષ 2019ની સરખામણીએ 2020માં 11% જેટલી વધુ હતી. કોર્પોરેટ અફેર્સ મિનિસ્ટ્રીના આંકડા મુજબ 2019માં 1.28 લાખ નવી કંપનીઓની નોંધણી થઈ હતી. તેની સામે 2020 દરમિયાન 1.42 લાખ નવી કંપનીઓનું રજીસ્ટ્રેશન થયું હતું.

અર્થતંત્રને પ્રોત્સાહિત કરવા માટે સરકારની યોજનાઓના કારણે નવી કંપનીઓ ખુલવાનું પ્રમાણ વધ્યું છે. ખાસ કરીને આત્મનિર્ભર ભારત પેકેજની જાહેરાત બાદ આ એક્ટિવિટીમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. 2020માં જાન્યુઆરીથી મે દરમિયાન 37,010 નવી કંપનીઓ બની હતી. મે મહિનામાં સરકારે રાહત પેકેજની જાહેરાત કરી હતી. તેની અસર જૂન મહિનાથી દેખાવની શરૂ થઈ હતી. જૂનથી ડિસેમ્બર વચ્ચે 1,04,989 નવી કંપનીઓ ખૂલી ગઈ હતી. કોરોનાના વર્ષમાં ખાસ કરીને સર્વિસ અને ટેકનોલોજી બેઝ્ડ સર્વિસિસ સંબંધિત પ્રવૃતિઓને વેગ મળ્યો છે અને આ સેક્ટરમાં જ સૌથી વધુ કંપનીઓ શરૂ થઈ છે.

અનલોક બાદ નોંધણીમાં મોટો ઉછાળો આવ્યો
કોર્પોરેટ અફેર્સ મિનિસ્ટ્રીના આંકડા મુજબ માર્ચના અંતે લોકડાઉન લાગ્યું હતું અને ત્યારથી મે મહિનાના અંત સુધી નોંધણી એકદમ ઘટી ગઈ હતી. સરકારે નબળા પડી રહેલા અર્થતંત્રને વેગ આપવા માટે મે મહિનામાં રૂ. 20 લાખ કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું હતું અને ત્યારબાદ પોલિસી લેવલે ઘણા રિફોર્મ્સ પણ કરવામાં આવ્યા હતા. પરિણામ સ્વરૂપ જૂનમાં અનલોક શરૂ થયા બાદ નવી કંપનીઓના રજીસ્ટ્રેશનમાં મોટો ઉછાળો આવ્યો હતો. ગત વર્ષે જુલાઇ, ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓકટોબરમાં દર મહિને 16000થી વધુ નવી કંપનીઓના રજીસ્ટ્રેશન થાય હતા. ગુજરાતમાં પણ આ સમયગાળામાં દર મહિનાને સરેરાશ 850થી વધુ કંપનીઓ નોંધાઈ હતી.

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ફર્મ પી. કે. મોદી એન્ડ કંપનીના પ્રદિપ મોદીએ જણાવ્યું કે, લોકડાઉનના બે મહિના લોકોને નવું વિચારવાનો સમય અને મોકો આપ્યો. સામાન્ય રીતે બનતું એવું હોય છે કે, આપણી પાસે કોઈ એક વિચાર તો હોય છે પણ વ્યસ્તતાના કારણે તેનાં ઉપર કામ થઈ શકતું નથી. એપ્રિલ અને મે મહિનામાં ભારતમાં તમામ પ્રવૃત્તિઓ બંધ હતી. બધા ઘરે હતા અને આ સ્થિતિમાં નવા આઇડિયા પર વિચારવાનો અને તેને ડિઝાઇન કરવાનો સારો મોકો મળી ગયો. આજ વસ્તુ નવી કંપનીઓના રજીસ્ટ્રેશનમાં રિફલેક્ટ થાય છે. આ સિવાય ઘણા લોકો જૂનો ધંધો બંધ કરી અને નવા બિઝનેસ તરફ વળ્યા છે અને નવી કંપની બનાવી છે. સરકારની પોલિસી અને યોજનાઓ પણ આમાં ફેવરેબલ બની છે તેના કારણે ગુજરાત અને ભારતમાં રજીસ્ટ્રેશન વધ્યું છે.

ગવર્મેન્ટ પોલિસીએ લોકોને પ્રોત્સાહિત કર્યા

ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા (ICAI)ના સેન્ટ્રલ કાઉન્સિલ મેમ્બર અનિકેત તલાટીએ જણાવ્યું કે, 2019 અને 2020માં કેન્દ્ર સરકારે કંપની ફોર્મેશન, કોર્પોરેટ કમ્પ્લાયન્સિસ, નાની અને નવી કંપનીઓ માટેના ટેક્સ સ્ટ્રક્ચર સહિતની બાબતોમાં ઘણા જ ફેરફાર કર્યા છે. જેની કોરોનાના ખરાબ સમયમાં પણ સકારાત્મક અસર રહી છે. નવી કંપનીઓ માટે ફંડ મેળવવા માટેના નવા રસ્તાઓ પણ ખૂલ્યા છે. વિદેશથી પણ ઇન્વેસ્ટમેન્ટ મળી રહ્યા છે જેના કારણે લોકો ખરાબ આર્થિક પરિસ્થિતિમાં પણ નવી કંપની ખોલવાનું સાહસ કરી રહ્યા છે.

તકલીફો વિસરીને અવસર શોધવાનો સમય

લિગલવિઝના ફાઉન્ડર શ્રીજય શેઠે જણાવ્યું કે, એવું નથી કે કોરોનાને કારણે અર્થતંત્રને નુકસાન નથી થયું. આ સમયગાળામાં નાના અને મોટા કદની કંપનીઓને વધતાં ઓછા પ્રમાણમાં ખરાબ અસર થઈ છે અને આજે પણ ઘણા તેમાંથી બહાર નથી આવી શક્યા. બીજી તરફ ઘણા એવા લોકો છે જે જૂનું ભૂલી અને નવી શરૂઆત કરી રહ્યા છે. અમારા ઘણા જુના ક્લાઇન્ટ્સ છે જેમણે નવી કંપની બનાવી અને નવી જ શરૂઆત કરી છે. જે નવી કંપનીઓ બની રહી છે તેમાંથી આશરે 30% કંપનીઓ સર્વિસ સેક્ટરમાં શરૂ થઈ છે. આ સિવાય મેન્યુફેક્ચરિંગ, અને ટ્રેડિંગ સેગમેન્ટમાં પણ નોંધપાત્ર શરૂઆત જોવા મળી છે. 2019માં કુલ શરૂ થયેલી કંપનીઓમાંથી અંદાજે 4% કૃષિ સંલગ્ન કંપનીઓ હતી જે રેશિયો 2020માં વધીને 7-8% જેવો થયો છે.

નેશનલ કરતાં ગુજરાતનો ગ્રોથ બમણાથી પણ વધુ
ડેટા મુજબ નવી કંપનીઓના રજીસ્ટ્રેશન ગ્રોથમાં ગુજરાત નેશનલ એવરેજ કરતાં પણ ઘણું આગળ છે. ભારતમાં નવી કંપની નોંધણીનો ગ્રોથ 2020માં 11% હતો તેની સામે ગુજરાતમાં ગ્રોથ 26%થી વધુ રહ્યો છે. વર્ષ 2020 દરમિયાન ગુજરાતમાં 7324 નવી કંપનીઓ નોંધાઈ હતી. 2019માં 5784 નવી કંપનીઓનું રજીસ્ટ્રેશન થયું હતું. માર્ચ, એપ્રિલ અને મે મહિનામાં સૌથી ઓછું રજીસ્ટ્રેશન થયું હતું જ્યારે ત્યારબાદના મહિનાઓમાં સરેરાશ દર મહિને 500થી વધુ કંપનીઓ નોંધાઈ હતી.

કંપનીઓ બનાવવા પ્રમોટર્સે રૂ. 7000 કરોડનું રોકાણ કર્યું
વર્ષ 2020 દરમિયાન જે નવી કંપનીઓ બની છે તેના માટે આ બધી કંપનીઓના પ્રમોટર્સે આશરે રૂ. 7000 કરોડનું રોકાણ કર્યું છે. આ હિસાબે ભારતમાં નવી બનેલી કંપનીઓનું સરેરાશ રોકાણ અંદાજે રૂ. 5 લાખ થવા જાય છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સના જણાવ્યા પ્રમાણે પ્રમોટર્સ સામાન્ય રીતે નવી કંપની બનાવવા સમયે નાની કંપની હોય તો એવરેજ રૂ. 1 લાખથી લઈને રૂ . 20 લાખ સુધીનું રોકાણ કરે છે. જ્યારે મધ્યમ અને મોટી કંપનીઓ બનાવવા માટે પેઇડઅપ કેપિટલ રૂ. 50 લાખથી લઈને રૂ. 25 કરોડ જેટલું હોય છે.

adv

Related News

post
post
post
post
post
post
post