• Home
  • News
  • નોવાક જોકોવિચને હરાવી રુબલેવ ચેમ્પિયન બન્યો, રશિયન ખેલાડીએ સિઝનનું ત્રીજી ટાઈટલ જીત્યું
post

જોકોવિચ તેની સિઝનની ત્રીજી ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહ્યો હતો. જોકે આ વર્ષે તે અત્યાર સુધી કોઈ ટાઇટલ જીતી શક્યો નથી

Written By newsonline | Ahmedabad | Published: 2022-04-26 10:46:25

સર્બિયા: આન્દ્રે રૂબલેવે સર્બિયા ઓપનની ફાઇનલમાં વિશ્વના નંબર-1 ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચને હરાવી સિઝનનું પોતાનું ત્રીજું ટાઇટલ જીતી લીધું છે. રશિયાનો રુબલેવ પહેલીવાર સર્બિયા ઓપનમાં રમી રહ્યો હતો અને તેણે સ્પર્ધાની શરૂઆત જીત સાથે કરી હતી. તેવામાં આ ફાઈનલ મેચમાં પણ બંને ખેલાડીઓ વચ્ચે જોરદાર રસાકસી ભર્યો જંગ જોવા મળ્યો હતો. રુબલેવે જોકોવિચને 6-2, 6-7, 6-0થી હરાવ્યો હતો. તમને જણાવી દઈએ કે જોકોવિચ તેના હોમમાં જીતનો પ્રબળ દાવેદાર હતો.

મેચ 2 કલાક અને 29 મિનિટ સુધી ચાલી
પહેલો સેટ 6-2થી સરળતાથી જીત્યા પછી રૂબલેવ બીજા સેટમાં પાછળ ફેંકાઈ ગયો હતો, પરંતુ 24 વર્ષીય ખેલાડીએ પાંચ પોઈન્ટ બચાવીને આ મેચને ટાઈ-બ્રેક સુધી લાવી દીધી હતી. જોકે, જોકોવિચ આ સેટ જીતવામાં સફળ રહ્યો હતો. ત્યારપછી, રુબલેવે ત્રીજા સેટમાં શાનદાર રમત બતાવી અને સર્બિયન દિગ્ગજ જોકોવિચને એક-એક પોઈન્ટ લેવા માટે તડપાવ્યો હતો. આ દરમિયાન રુબલેવે ત્રીજો સેટ 6-0થી પોતાને નામ કરીને મેચની સાથે આ ટાઇટલ જીતી લીધું હતું. તમને જણાવી દઈએ કે આ મેચ 2 કલાક અને 29 મિનિટ સુધી ચાલી હતી.

ફેન્સનું કમબેક મારા માટે આનંદના અનુભવ સમાન- રુબલેવ
આ ટૂર્નામેન્ટ દરમિયાન રુબલેવે જોકોવિચને હરાવ્યા પછી કહ્યું કે તમારી સામે રમવું અને બીજી વખત ટેનિસ કોર્ટમાં જવું એ અદ્ભુત અનુભવ સમાન રહ્યું છે. મને આશા છે કે આપણી વચ્ચે હજુ ઘણી મેચો રમાશે. આ એક ઉત્તમ શહેર છે અને એક સપ્તાહ સુધી તમામ ખેલાડીઓને મને સમર્થન આપવા બદલ હું તેમનો આભાર માનું છું. વળી ફેન્સને કોવિડ મહામારી પછી ફરીથી ટેનિસ કોર્ટમાં જોવા મારા માટે ઘણો આનંદનો અનુભવ સમાન છે.

રૂબલેવે નડાલની બરાબરી કરી

·         રૂબલેવે વર્ષ 2022માં ટાઈટલ જીતવાના રેકોર્ડમાં સ્પેનના રાફેલ નડાલની બરાબરી કરી લીધી છે. અગાઉ ફેબ્રુઆરીમાં તેણે માર્સેલી અને દુબઈમાં ટાઈટલ જીત્યા હતા.

·         જોકોવિચ તેની સિઝનની ત્રીજી ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહ્યો હતો. જોકે આ વર્ષે તે અત્યાર સુધી કોઈ ટાઇટલ જીતી શક્યો નથી.

·         અગાઉ જોકોવિચને મોન્ટે કાર્લો માસ્ટર્સ અને દુબઈ ચેમ્પિયનશિપમાં હારનો સામનો કરવો પડ્યો હતો, વળી જોકોવિચે કોવિ઼ડ વેક્સિન ન લેવાની વાત કરતા ઓસ્ટ્રેલિયન ઓપનમાં રમી શક્યો નહોતો.