• Home
  • News
  • ડીસીપી પ્રેમસુખ ડેલુની તપાસથી બચવા નકલી પોલીસ બની રોફ મારતા સાહિલ ભરવાડને ક્રાઈમ બ્રાન્ચમાં સેટીંગ કરી હાજર કરવામાં આવ્યો
post

સેટેલાઇટ પોલીસ આરોપીની ગાડી કબ્જે કરી તેના સુધી પહોંચે ત્યાં સુધીમાં ક્રાઈમ બ્રાન્ચમાં સેટીંગ કરી હાજર કરી દીધો

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-19 10:28:16

શહેરમાં ગેરકાયદેસર રીતે હથિયાર રાખી મોજ મસ્તી અને બર્થ ડેમાં ફાયરિંગ કરતા હોવાના વીડિયો સામે આવ્યા હતાં. જેમાં એસજી હાઇવે પર કાર ચલાવતાં એક યુવક હાથમાં બહાર પિસ્તોલ બતાવતો હોવાનો વીડિયો પણ વાઇરલ થયો હતો. જે મામલે સેટેલાઇટ પોલીસ તપાસ કરતી હતી. આરોપીની કાર પણ પોલીસે જપ્ત કરી લીધી હતી ત્યારે આરોપીને તેના સગાએ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં અધિકારીઓ જોડે સેટીંગ કરી હાજર કરાવ્યો હતો. એટલું જ નહીં ક્રાઈમ બ્રાન્ચમાં જ ગુનો નોંધી કાર્યવાહી થાય તેવું સેટીંગ પાડ્યું છે. ઝડપાયેલો આરોપી સાહિલ ભરવાડ સરખેજ-મકરબામાં કરોડોની જમીનના માલિક રામભાઈ ભરવાડનો ભત્રીજો હોવાનું બહાર આવ્યું છે. પિસ્તોલની રેપ્લિકા રાખી અને ગાડીમાં POLICEનું બોર્ડ લગાવી પોલીસ અધિકારી તરીકે રોફ મારતો હતો.

સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં લઈ જવાની જગ્યાએ ક્રાઈમ બ્રાન્ચમાં હાજર કરાવ્યો
ચાલુ કારમાં યુવક પિસ્તોલ બતાવતો હોવાનો વીડિયો વાઇરલ થતાં સેટેલાઇટ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા અલગ અલગ વ્યક્તિને લાવી પૂછપરછ કરવામાં આવી રહી હતી. દરમ્યાનમાં પિસ્તોલ જેવું હથિયાર રાખી પોલીસ અધિકારી તરીકે રોફ મારતા યુવકના સગાએ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં આરોપીને હાજર કરવાની જગ્યાએ ક્રાઈમ બ્રાન્ચમાં સેટીંગ કરી હાજર કરાવ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતાં એક PSIનો સંપર્ક કરી ત્યાં જ ગુનો નોંધી કાર્યવાહી થાય તેવી રીતે સમગ્ર બાબત ઉભી કરવામા આવી હતી.

સાહિલ ભરવાડ નકલી પોલીસ બની અને રોફ મારતો હતો
પોલીસ સુત્રોમાં એવી ચર્ચા છે કે આરોપી સાહિલ ભરવાડ નકલી પોલીસ બની અને રોફ મારતો હતો તેમજ પિસ્તોલ જેવી રેપ્લિકા રાખતો હતો. જો સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં આરોપી અને ફરિયાદ નોંધાત તો ઝોન 7 ડીસીપી પ્રેમસુખ ડેલું પણ આરોપીની પૂછપરછ કરતાં અને આખી ઘટનામાં ઉંડાણપૂર્વક તપાસ થતી. પ્રેમસુખ ડેલુ દરેક કેસમાં ઉંડાણપૂર્વક તપાસ કરે છે જેથી જો સાહિલની ઊંડી તપાસ થાય તો તેના બેકગ્રાઉન્ડ અંગે તપાસ થતી જેથી સ્થાનિક પોલીસ આમાં કોઈ જ માથું ન મારી શકે અને આરોપી ઝડપથી છૂટી જાય તેવી રીતે ક્રાઈમ બ્રાન્ચમાં સેટીંગ કરી લેવાયું હોવાની ચર્ચા છે.

આરોપી એસજી હાઈવે ઉપર ટી સ્ટોલ ચલાવતો હતો
આરોપીને હાજર કર્યા બાદ ક્રાઈમ બ્રાન્ચના PSI એસ.જે દેસાઈએ ફરિયાદી બની સાહિલ મેવાડા(ભરવાડ) નામના યુવકની ધરપકડ કરી છે અને જેની પાસેથી પિસ્તોલ જેવું લાગતું હથિયાર પણ કબ્જે કરવામાં આવ્યું છે. સેટેલાઇટ પોલીસે પકડેલી કાર પણ કબ્જે કરવામાં આવી છે. આરોપી એસજી હાઈવે ઉપર એક ખેતલા આપા ટી સ્ટોલ ચલાવતો હોવાનું સામે આવ્યું છે. આરોપી પિસ્તોલ જેવું હથિયાર હરદેવસિંહ વાળા નામના યુવક જે એસજી હાઇવે પર ડાભીસ કોફી બાર ચલાવે છે તેને આપ્યું હતું. હરદેવસિંહે પોલીસને જણાવ્યું હતું કે 3 મહિના પહેલા તેના કોફી બાર પર એક ગ્રાહક પાસેથી ખરીદી કરી હતી. આ બંને આ હથિયાર પોતાની પાસે રાખી લોકોને પોલીસ તરીકે ઓળખ આપતા હતા અને દોઢ મહિના પહેલા આ વીડિયો બનાવેલું હોવાનું સામે આવ્યું છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post