• Home
  • News
  • સંજય રાઉતે 175 ધારાસભ્યોના સમર્થનનો દાવો કર્યો
post

વિધાનસભા ચૂંટણી પરિણામ આવે 13 દિવસ પછી પણ મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટેની મૂંઝવણ યથાવત છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-11-05 15:17:22

મુંબઈ: વિધાનસભા ચૂંટણી પરિણામ આવે 13 દિવસ પછી પણ મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટેની મૂંઝવણ યથાવત છે. ભાજપ-શિવસેના વચ્ચે ખેંચતાણ અને નિવેદનબાજી વધી ગઈ છે. મંગળવારે ફરી એક વાર શિવસેના સાંસદ સંજય રાઉતે કહ્યું કે, રાજ્યમાં આગામી મુખ્યમંત્રી તો શિવસેનાના જ હશે. છેલ્લા 5 દિવસમાં રાઉતે બીજી વખત આવું નિવેદન આપ્યું છે. તેમણે દાવો કર્યો છે કે, તેમની પાસે 171 ધારાસભ્યોનું સમર્થન છે અને તે સંખ્યા 175 થઈ શકે છે.

બીજી બાજુ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના સલાહકાર કિશોરી તિવારીએ રાજ્યમાં સરકાર ગઠન વિશે ચાલી રહેલી ખેંચતાણને ખતમ કરવા માટે સંઘ પ્રમુખ મોહન ભાગવતને પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે સંઘ પ્રમુખને આગ્રહ કર્યો હતો કે તેઓ સરકાર ગઠન વિશે કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી સાથે મધ્યસ્થતા કરાવે. જેથી ભાજપ અને શિવસેના વચ્ચે ચાલી રહેલી ખેચતાણનો સહમતીથી ઉકેલ લાવી શકાય.

બીજેપી-શિવસેના ગઠબંધનની સરકાર હજી સુધી બની નથી ત્યારે હવે શિવસેના અને એનસીપી સાથે મળીને સરકાર બનાવવાનો દાવો રજૂ કરી શકે છે. તેમાં અપક્ષના 8 ધારાસભ્યો સામેલ થઈ શકે છે. કોંગ્રેસ તેમને બહારથી સમર્થન કરી શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, એનસીપીના એક ધારાસભ્યએ દાવો કર્યો છે કે, એનસીપી શિવસેના સાથે સરકાર બનાવવા માંગે છે. જોકે આ વિશે ઓફિશિયલી હજી કોઈ નેતાઓએ નિવેદન આપ્યું નથી.

એનસીપી ધારાસભ્યના જણાવ્યા પ્રામણે, અમે ભાજપ-શિવસેના સામે 1995 વાળી ફોર્મ્યૂલા આગળ રાખી છે. તે સમયે મુખ્યમંત્રી પદ શિવસેના પાસે હતું અને ઉપમુખ્યમંત્રીનું પદ ભાજપ પાસે હતું. આ પહેલાં શિવસેના નેતા સંજય રાઉત અને એનસીપી પ્રમુખ શરદ પવાર વચ્ચે થયેલી મુલાકાત વખતે પણ આ બંને પક્ષ ભેગા થઈને સરકાર બનાવે તેવી અટકળો સાંભળવા મળી હતી.

સંજય રાઉતે એવો પણ દાવો કર્યો છે કે, તેમની પાસે 171 ધારાસભ્યોનું સમર્થન છે અને આ સંખ્યા 175 થઈ શકે છે. મહારાષ્ટ્રમાં કુલ 288 વિધાનસભા સીટમાંથી 105 ભાજપ, 56 શિવસેના, 54 એનસીપી, 44 કોંગ્રેસ, 2 AIMIM, 3 બહુજન વિકાસ અધાડી, 13 અપક્ષ અને 11 અન્ય પાસે છે. એટલે કે કોંગ્રેસ અને એનસીપીના સમર્થન વગર એવી શક્યતા નથી કે જેના આધાર પર શિવસેના પૂર્ણ બહુમત હોવાનો દાવો કરી શકે. મહારાષ્ટ્રમાં વિધાનસભાનો કાર્યકાળ 9 નવેમ્બરે પૂરો થઈ રહ્યો છે.