• Home
  • News
  • સાત્વિક-ચિરાગની જોડીએ ફ્રેન્ચ ઓપન બેડમિન્ટન જીતી:મેન્સ ડબલ્સ કેટેગરીમાં ગોલ્ડ 39 વર્ષ પછી આવ્યો, છેલ્લે 1983માં જીત્યો હતો
post

ભારતીય જોડી આ વર્ષે શાનદાર ફોર્મમાં છે. તેઓએ ઑગસ્ટમાં વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2022-10-31 19:22:18

ભારતના સ્ટાર શટલર્સ સાત્વિક સાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ પેરિસમાં ઈતિહાસ રચ્યો છે. આ જોડીએ 114 વર્ષ જૂની ફ્રેન્ચ ઓપન બેડમિન્ટનમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો છે. આ મેડલ મેન્સ ડબલ્સ કેટેગરીમાં આવ્યો છે. 39 વર્ષ બાદ આ સુપર-750 ટૂર્નામેન્ટમાં મેન્સ ડબલ્સ કેટેગરીમાં ગોલ્ડ આવ્યો છે. છેલ્લે 1983માં પાર્થ ગાંગુલી અને વિક્રમ સિંહે 1983માં આ ખિતાબ જીત્યો હતો. 3 વર્ષ પહેલા 2019માં સાત્વિક-ચિરાગની જોડી ફાઈનલમાં હારી ગઈ હતી. હવે આ યુવા જોડીએ ચાઈનીઝ તાઇપેની જોડીને હરાવી છે. તેઓએ 48 મિનિટ સુધી ચાલેલી આ મેચમાં સીધા સેટમાં 21-13, 21-19થી જીત મેળવી હતી.

ભારતે અત્યાર સુધીમાં 8 ગોલ્ડ જીત્યા છે
ભારતીય બેડમિન્ટન ખેલાડીઓએ આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધીમાં 8 ગોલ્ડ મેડલ જીત્યા છે. છેલ્લો ગોલ્ડ 2017માં મેન્સ સિંગલ્સ કેટેગરીમાં કિદાંબી શ્રીકાંતે જીત્યો હતો. આ કેટેગરીમાં પહેલો મેડલ 1983માં વિમલ કુમારે જીત્યો હતો. તે 1984ની સિઝનમાં પણ તેઓ ચેમ્પિયન બન્યા હતા. ડબલ્સ કેટેગરીમાં પ્રથમ મેડલની વાત કરીએ તો પ્રથમ મેડલ એસી દેહરાએ 1956માં જીત્યો હતો. તેઓ મલેશિયાના સીએલ યુપ સાથે ચેમ્પિયન બન્યા હતા. વિમેન્સ સિંગલ્સની વાત કરીએ તો આ સિદ્ધિ 1998માં તેમના નામે હતી.

સાત્વિક-ચિરાગની જોડી શાનદાર ફોર્મમાં છે
ભારતીય જોડી આ વર્ષે શાનદાર ફોર્મમાં છે. તેઓએ ઑગસ્ટમાં વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ સિવાય તેમણે ઈન્ડિયન ઓપન સુપર-500નો ખિતાબ પણ જીત્યો હતો. તેમણે કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ અને થોમસ કપ પણ જીત્યો હતો.

ટૂર્નામેન્ટના ઈતિહાસ વિશે જાણો...
ફ્રેન્ચ ઓપન બેડમિન્ટનની શરૂઆત 114 વર્ષ પહેલા 1908માં થઈ હતી. 2007માં તેને સુપર સિરીઝનો દરજ્જો મળ્યો અને મેજર-12 ટૂર્નામેન્ટમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો હતો. 2018થી તે BWF ટૂરની 5 સુપર સિરીઝ ટૂર્નામેન્ટમાં સામેલ છે.