• Home
  • News
  • હવે સૌરાષ્ટ્રવાસીઓએ મુંબઈ નહીં જવું પડે:રાજકોટથી ઈન્દોરની ડાયરેક્ટ ફ્લાઈટ શરૂ, સવારે 8.30 વાગ્યે પ્રથમ પ્લેન આવતા વોટર કેનનથી સ્વાગત કરાયું, અદભુત નજારો સર્જાયો
post

ઈન્દોર જવા વાયા મુંબઈની ફ્લાઈટ લેવી પડતી

Written By newsonline | Ahmedabad | Published: 2023-08-21 17:13:12

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના લોકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. છેલ્લા કેટલાય સમયથી સૌરાષ્ટ્રવાસીઓ જેની રાહ જોઈ રહ્યા હતા તેનો અંત આવ્યો છે. આજથી રાજકોટથી ઇન્દોર ફ્લાઈટની શરૂઆત થઈ છે. આજે સવારે 8.30 વાગ્યે ઈન્ડિગોની ફ્લાઈટ ઈન્દોરથી રાજકોટ એરપોર્ટ પર પહોંચી હતી. જ્યાં તેનું વોટર કેનનની મદદથી સ્વાગત કરવામાં આવ્યું હતું અને પછી આ ફ્લાઈટ પરત રાજકોટથી ઈન્દોર જવા માટે ફરી ઉડાન ભરી હતી. ઉલ્લેખનીય છે કે, આ ફ્લાઈટ શરૂ થતાંની સાથે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના વેપારીઓ અને લોકોને ફાયદો થશે.

સમગ્ર સૌરાષ્ટ્રના વેપારીઓને મોટો લાભ મળશે
છેલ્લા કેટલાક સમયથી રાજકોટ એરપોર્ટ પર ફ્લાઈટ વધારવામાં આવી રહી છે. જે અંતર્ગત રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ શરૂ થતાં પહેલાં આજથી ઈન્ડિગો કંપની દ્વારા ઈન્દોરની ડાયરેક્ટ ફ્લાઈટનો પ્રારંભ થયો છે. આજે સવારે એરપોર્ટ પર ઇન્દોરની ડાયરેક્ટ ફ્લાઈટ આવી પહોંચતા વોટર સેલ્યૂટ કરી વોટર કેનન દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ફ્લાઈટ શરૂ થતાં માત્ર રાજકોટ જ નહીં સમગ્ર સૌરાષ્ટ્રના વેપારીઓને મોટો લાભ મળશે. જેને લઈ આનંદની લાગણી જોવા મળી રહી છે.

3 જુલાઈથી રાજકોટ-પુણેની ફ્લાઈટ શરૂ થઈ
જુલાઈ માસમાં રાજકોટ એરપોર્ટ પરથી કુલ ત્રણ નવી ફ્લાઈટ શરૂ થવાની હતી. જે પૈકીની રાજકોટ-ઈન્દોરની ફ્લાઈટ શરૂ થઈ શકી ન હતી અને તે ફ્લાઈટ આજથી શરૂ કરવામાં આવી છે. ગત મહિને 3 જુલાઈથી રાજકોટ પુણેની નવી ફ્લાઈટ શરૂ થઈ હતી. આ ફ્લાઈટ પુણેથી સવારે 7.30 કલાકે ઉડાન ભરીને 9 વાગ્યે રાજકોટ એરપોર્ટ પર લેન્ડ થતાં તેનું પણ વોટર કેનન દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

ઈન્દોર જવા વાયા મુંબઈની ફ્લાઈટ લેવી પડતી
ઉલ્લેખનીય છે કે, રાજકોટ-પુણે અને રાજકોટ-ઈન્દોર વચ્ચે ફ્લાઈટ શરૂ થતાં સૌરાષ્ટ્રના વેપારીઓને લાભ થશે. કારણ કે, વેપારીઓ અને વિદ્યાર્થીઓને અત્યાર સુધી પુણે અને ઈન્દોર જવામાં વાયા મુંબઈની ફ્લાઈટ લેવી પડતી હતી. જેના કારણે તેઓને ઘણી સમસ્યાનો સામનો કરવો પડતો હતો. જોકે, હવે રાજકોટ-પુણે અને ઈન્દોર વચ્ચેની ડાયરેક્ટ ફ્લાઈટ શરૂ થતાં તમામની મુશ્કેલીનો અંત આવશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post