• Home
  • News
  • સત્યજીત રાયનો ડિટેક્ટિવ ફેલુદા હવે શોધશે કોરોના સંક્રમણ, બંગાળી વૈજ્ઞાનિકોએ ટેસ્ટ કિટને ફેલુદાનું નામ આપ્યું
post

ટાટા સન્સ સાથે ઉત્પાદનના કરાર થયા, વધુ કેટલીક કંપનીઓ સાથે પણ કરાર થશે, જૂનથી ટેસ્ટ કિટ બજારમાં ઉપલબ્ધ થશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-13 11:55:04

અમદાવાદ.: બે ભારતીય વૈજ્ઞાનિકોએ કોરોનાનો ટેસ્ટ કરી આપતી તદ્દન કિફાયતી અને છતાં ચોક્સાઈભરી કિટ શોધીને તહેલકો મચાવી દીધો છે. કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઈન્ડસ્ટ્રિયલ રિસર્ચ (CSIR) દ્વારા પ્રમાણિત થયેલ આ ટેસ્ટ કિટને ભારત સરકારે માન્યતા આપી દીધી છે અને હવે બહુ ઝડપથી તેનું ઉત્પાદન પણ શરૂ થઈ જશે. બે બંગાળી વૈજ્ઞાનિકોએ આ કિટની શોધ કરી હોવાથી તેમણે વિખ્યાત ફિલ્મસર્જક સત્યજીત રાયના જાણીતા પાત્ર ડિટેક્ટિવ ફેલુદા પરથી કોરોના શોધી આપતી આ કિટને પણ ફેલુદા નામ આપ્યું છે.

CSIR દ્વારા સત્તાવાર રીતે કહેવામાં આવ્યું
આ કિટ સંબંધિત વિગતો માટે દ્વારા CSIRના ડિરેક્ટર જનરલ ડો. શેખર માન્ડેનો સંપર્ક કરવામાં આવતાં સત્તાવાર રીતે માહિતી આપતાં કહેવાયું હતું કે

·         આ પેપર સ્ટ્રિપ ટેસ્ટ કિટ ઈન્સ્ટિટ્યુટ ઓફ જિનોમિક્સ એન્ડ ઈન્ટિગ્રેટિવ બાયોલોજી સંશોધન સંસ્થાના બે વૈજ્ઞાનિકોએ તૈયાર કરી છે. દેવજ્યોત ચક્રવર્તી અને સૌવિક મેતી નામના આ બંને વૈજ્ઞાનિકો બંગાળી છે. 

·         આ એક પેપર બેઝ્ડ ડાયગ્નોસ્ટિક કિટ છે. જેમાં એક સોલ્યુશન લગાડવામાં આવ્યું છે.

·         કોરોના વાયરસના RNAને આ પેપર પર રાખવામાં આવે કે તરત ખાસ પ્રકારના બેન્ડ (લાઈન) દેખાય છે, જેનાંથી પેશન્ટ પોઝિટિવ છે કે નેગેટિવ તેની ખબર પડી શકે છે. 

·         આ સ્ટ્રિપમાં બે બેન્ડ છે. પહેલો બેન્ડ કન્ટ્રોલ બેન્ડ છે, જેનો રંગ બદલાય એટલે ખબર પડે કે સ્ટ્રિપનો ઉપયોગ બરાબર રીતે થયો છે. બીજો બેન્ડ ટેસ્ટ બેન્ડ છે. આ બેન્ડનો રંગ બદલાય તેનો અર્થ એ થશે કે પેશન્ટ કોરોના પોઝિટિવ છે. જો કોઈ બેન્ડ ન દેખાય તો પેશન્ટ કોરોના નેગેટિવ હોવાનું કહી શકાશે. 

·         આ ટેસ્ટ કિટ ચાઈનિઝ રેપિડ ટેસ્ટ કિટથી તદ્દન અલગ છે અને ચોક્સાઈમાં અનેકગણી વધુ કાર્યક્ષમ છે. અમેરિકાની બર્કલે યુનિ.માં પણ પેપર બેઝ્ડ ટેસ્ટ કિટમાં પ્રયોગો થયા છે. પરંતુ સ્વદેશી કિટ તેનાં કરતાં પણ વધુ ચોક્સાઈભરી છે. 

·         બંને બંગાળી વૈજ્ઞાનિકોએ પોતાના પ્રિય ફિલ્મસર્જક સત્યજીત રેના પાત્ર ડિટેક્ટિવ ફેલુદા પરથી આ કિટને ફેલુદા નામ આપ્યું છે. વાર્તાઓ અને ફિલ્મોમાં ફેલુદા જે પ્રકારે કોઈપણ રહસ્ય ઉકેલી શકતા હતા એ જ રીતે આ ટેસ્ટ કિટ પણ કોરોના સંક્રમણને આબાદ શોધી લે છે. 

·         જોકે ફેલુદા નામ એ ફક્ત યોગાનુયોગ છે. ટેસ્ટ કિટનું વૈજ્ઞાનિક નામ FNCAS9 EDITOR LINKED UNIFORM DETECTION ASSAY છે, જેનું મિતાક્ષર નામ ફેલુદા થાય છે. 

·         આ ટેસ્ટ કિટ ફક્ત બે કલાકમાં રિપોર્ટ આપી દેશે અને ટેસ્ટની કિંમત લગભગ 500 રૂ. આસપાસ થશે. 

·         હાલ ટાટા સન્સ સાથે CSIR દ્વારા ઉત્પાદનના કરાર થઈ ચૂક્યા છે. વધુ કેટલીક કંપનીઓ સાથે પણ નોન એક્સ્ક્લુઝિવ લાયસન્સિંગ હેઠળ કરાર થઈ શકે છે. 

·         આગામી જૂન મહિના સુધીમાં આ ટેસ્ટ કિટ માર્કેટમાં અવેલેબલ બની શકે એવી CSIRની ધારણા છે.