• Home
  • News
  • તીસ હજારી કોર્ટ હિંસામાં તપાસ થશે, 10 પોલીસ ઘાયલ
post

દિલ્હી હાઈકોર્ટે તીસ હજારી કોર્ટમાં વકીલો અને પોલીસ વચ્ચે થયેલી હિંસામાં ન્યાયિક તપાસના આદેશ આપ્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-11-04 11:21:02

નવી દિલ્હીઃ દિલ્હી હાઈકોર્ટે તીસ હજારી કોર્ટમાં વકીલો અને પોલીસ વચ્ચે થયેલી હિંસામાં ન્યાયિક તપાસના આદેશ આપ્યા છે. આ તપાસ નિવૃત્ત જસ્ટિસ એસપી ગર્ગના નેતૃત્વમાં કરાશે, જેમાં સીબીઆઈ, આઈબી અને વિજિલન્સના ડિરેક્ટર તેમજ સિનિયર અધિકારીઓ પણ મદદ કરશે. આ દરમિયાન હાઈકોર્ટે દિલ્હી સરકારને આદેશ કર્યો કે, ઈજાગ્રસ્ત વકીલોની યોગ્ય રીતે એઈમ્સમાં સારવાર કરાવવામાં આવે, જ્યારે ઈજાગ્રસ્ત વકીલ વિજય વર્માને રૂ. 50 હજાર તેમજ અન્ય બે ઈજાગ્રસ્ત વકીલને અનુક્રમેરૂ. 15 હજાર અને 10 હજારનું વળતર આપવામાં આવે. આ ઉપરાંત હાઈકોર્ટે દિલ્હી પોલીસ કમિશનરને હુકમ કર્યો કે, ઈજાગ્રસ્ત વકીલોના નિવેદન નોંધવામાં આવે અને આરોપી પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરાય. આંતરિક તપાસ માટે સ્વતંત્ર કમિશનની પણ રચના કરાય, જેણે છ સપ્તાહમાં સમગ્ર તપાસ પૂરી કરીને કોર્ટમાં રિપોર્ટ આપવાનો રહેશે. આ સાથે હાઈકોર્ટે સ્પેશિયલ સીપી સંજય સિંહ અને એડિશનલ ડીસીપી હરિન્દર સિંહને તપાસ પૂરી થાય ત્યાં સુધી ટ્રાન્સફર કરવાનો પણ આદેશ કર્યો છે.

દિલ્હીની તીસહજારી કોર્ટમાં પાર્કિંગ વિવાદ મુદ્દે શનિવારે વકીલો અને પોલીસ વચ્ચે જોરદાર ઘર્ષણ થયું હતું. બંને પક્ષ હિંસા પર ઉતરી આવતા પોલીસના વાહન સહિત 18 વાહનોમાં તોડફોડ અને આગચંપી કરાઈ હતી. આ ધમાલમાં 10 પોલીસ અને 4 વકીલ ઘાયલ થયા હતા. વકીલોએ પોલીસ પર ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યાનો આક્ષેપ પણ કર્યો છે. એક વકીલને ગોળી વાગી હોવાનો દાવો કરાયો છે. જો કે પોલીસે ગોળીબારના આક્ષેપોને નકારી કાઢ્યા છે. આ ઘટનાના વિરોધમાં વકીલોએ સોમવારે દિલ્હીની તમામ અદાલતમાં હડતાળનું એલાન આપ્યું છે. અથડામણ દરમિયાન પોલીસના એક વાહનને ફૂકી દેવાયું હતું. 8 મોટર સાઈકલ પણ બાળી નંખાઈ હતી. દરમિયાનમાં આ વિવાદ મુદ્દે દિલ્હી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ ડી.એન. પટેલે 7 સિનિયર જજ સાથે મોડી સાંજે મિટીંગ કરી હતી. આ મિટીંગ 5 કલાક સુધી ચાલી હતી. તેમાં દિલ્હીના ડીસીપી અને દિલ્હીના ચીફ સેક્રેટરી પણ હાજર રહ્યાં હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણએ ગોળી વાગ્યા પછી વકીલ વિજય વર્માને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ વિસ્તારમાં સિક્યુરિટી વધારી દેવામાં આવી છે.

બાર એસોસિયેશનના એક સભ્ય જય બિસ્વાલે ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે, એક પોલીસની ગાડીએ કોર્ટ આવતી વખતે વકીલની ગાડીને ટક્કર મારી દીધી હતી. જ્યારે તેનો પોલીસવાળા સાથે ઝઘડો થયો ત્યારે 6 પોલીસકર્મીઓ તેને અંદર લઈ ગયા અને તેથી સાથે મારઝૂડ કરી. લોકોએ આ ઘટના જોઈને વધારે પોલીસ બોલાવી.

ત્યારપછી એસએચઓ અને સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પરંતુ તેમને અંદર ન જવા દીધા. અમે આ વિશે હાઈકોર્ટને જાણ કરી હતી. 6 જજની ટીમ આ વિશે તપાસ કરવા પહોંચી પરંતુ તેમને અંદર પણ ન જવા દીધા. જ્યારે જજ પરત ફરવા લાગ્યા ત્યારે પોલીસકર્મીઓએ ફાયરિંગ કર્યું હતું.

આ ઘટના સમયે કવરેજ કરી રહેલા એક ન્યૂઝ એજન્સીના પત્રકારને પણ વકીલોએ માર માર્યો હતો. વકીલોએ આ ઘટનાનું કવરેજ કરતા તેને અટકાવ્યો હતો અને તેનો મોબાઇલ ફોન છીનવી લીધો હતો.

તીસહજારી બાર એસોસીએશનના સચિવ જયવીરસિંહ ચૌહાણે કહ્યું હતું કે એક વકીલની કાર જેલની વાન સાથે ટકરાઈ હતી. આથી બંને પક્ષ વચ્ચે બોલાચાલી થઈ હતી. તેમણે દાવો કર્યો હતો કે પોલીસે વકીલોને લોકઅપમાં જઈ બહુ ખરાબ રીતે ફટકાર્યા હતા. ત્યાં પહોંચેલા છ જજ પણ વકીલોને બહાર કાઢી શક્યા નહોતા. 20 મિનિટ પછી જજ પરત ફરી રહ્યાં હતા ત્યારે પોલીસે ચાર રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. તેમનો દાવો છે કે દેખાવ કરી રહેલા વકીલ રણજીતસિંહ મલિકને ગોળી વાગતા તેઓ ઘાયલ થયા છે.

તીસહજારી કોર્ટની ઘટનાને કોંગ્રેસે કેન્દ્રની ભાજપ સરકારના અહંકારનું પરિણામ ગણાવી હતી. કોંગ્રેસે માંગણી કરી હતી કે ગૃહમંત્રી અમિત શાહ વકીલોની માફી માંગે. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે તીસહજારી કોર્ટમાં વકીલો પર લાઠીચાર્જ અને ગોળીબાર ભાજપની ક્રૂરતા અને અહંકારનું પરિણામ છે.