• Home
  • News
  • સિક્યોરિટીએ ટપાર્યા, પણ ન માનતાં મોત મળ્યું:ચાલુ વરસાદે AMCના બગીચાના વેલમાં ન્હાવા પડતાં 11 વર્ષનો કિશોર ડૂબ્યો, ઘટનાની જાણ થતાં સ્થાનિકો અને કોર્પોરેટર પણ દોડી આવ્યા
post

ભવિષ્યમાં આવી ઘટના ન બને એટલે જાળી લગાવવાનો નિર્ણય કર્યો

Written By newsonline | Ahmedabad | Published: 2023-07-25 20:01:53

અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારમાં સરદાર ચોક નજીક મ્યુનિસિપલ કોર્પોરેશનના બગીચામાં પરકોલેટિંગ વેલની જગ્યામાં ચાલુ વરસાદમાં નાહવા પડેલાં ચાર બાળકમાંથી એકનું ડૂબી જવાથી મૃત્યુ થયું છે. ચાલુ વરસાદ દરમિયાન પરકોલેટિંગ વેલમાં પાણી ભરાયું હતું, જેમાં બાળકો નાહવા માટે પડ્યાં હતાં, ત્યાં હાજર સિક્યોરિટી ગાર્ડ દ્વારા બાળકોને બેથી ત્રણ વખત ના પાડવામાં આવી હતી છતાં પણ તેઓ નાહવા પડ્યાં હતાં. આ દરમિયાન એક બાળકને માથામાં વાગ્યું હતું અને તે અર્ધબેભાન જેવો થઈ ગયો હતો ને ડૂબી ગયો હતો. આ ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને કોર્પોરેટર પણ દોડી આવ્યા હતા. જાણ કરતાં સાબરમતી પોલીસે આ મામલે કાર્યવાહી પણ હાથ ધરી છે.

એક મહિના પહેલાં જ બગીચાનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું
મળતી માહિતી મુજબ, ન્યૂ રાણીપ વિસ્તારમાં સરદાર ચોક પાસે એક મહિના પહેલાં જ મ્યુનિસિપલ કોર્પોરેશનના નવા બગીચાનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. બગીચામાં વરસાદી પાણીના જળસંગ્રહ માટે પરકોલેટિંગ વેલ બનાવવામાં આવ્યો છે. સોમવારે સાંજે વરસાદના સમયમાં ત્યાં નજીકમાં રહેતાં બાળકો બગીચામાં રમવા આવ્યાં હતાં . એ દરમિયાન તેઓ પરકોલેટિંગ વેલની જગ્યામાં નાહવા માટે પડ્યાં હતાં. જેથી ત્યાંના સિક્યોરિટી ગાર્ડ દ્વારા તેમને અંદર નહીં જવા માટે જણાવ્યું હતું. એક વખત તેમને ના પાડી તેમ છતાં પણ ફરી વખત બાળકો અંદર નાહવા માટે પડ્યાં હતાં. એ દરમિયાન 11 વર્ષનો એક કિશોર અંદર પડ્યો ત્યારે તેને માથામાં ઇજા થઈ હતી અને અડધો બેભાન જેવો થઈ ગયો હતો, જેથી તે ડૂબવા લાગ્યો હતો. બાળકો આ જોઈને ત્યાંથી ભાગ્યાં હતાં, જેથી સિક્યોરિટી ગાર્ડ પણ તરત જ વેલ પાસે આવ્યો ત્યારે બાળકને ડૂબતો જોયો. તરત જ તેણે માળીને જાણ કરી હતી કે આ બાળકને બહાર કાઢે,. જેથી તેને બહાર કાઢવામાં આવ્યો હતો અને 108 મારફત હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.

રાણીપના કોર્પોરેટર પણ ઘટનાસ્થળે દોડી આવ્યા
રાણીપ વોર્ડના ભાજપના કોર્પોરેટર વિરલ વ્યાસે જણાવ્યું હતું કે સમગ્ર બાબતે જાણ થતાં અમે ત્યાં પહોંચ્યા હતા. બગીચામાં પરકોલેટિંગ વેલની જગ્યામાં હવે ભવિષ્યમાં આવી કોઈ દુર્ઘટના ન બને એને ધ્યાનમાં રાખીને એ જગ્યાની આસપાસ હવે જાળી લગાવવામાં આવશે, જેથી બાળકો તેની જગ્યા ઉપર જાય નહીં અને કોઈ દુર્ઘટના ફરી ન બને.

ભવિષ્યમાં આવી ઘટના ન બને એટલે જાળી લગાવવાનો નિર્ણય કર્યો
રાજેન્દ્ર નામના માળીએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સોમવારે સાંજે વરસાદ પડતો હતો અને તે બગીચામાં કામ કરતો હતો. એ દરમિયાન કેટલાંક બાળકો પરકોલેટિંગ વેલમાં નાહતાં હતાં. સિક્યોરિટી ગાર્ડે તેને ના પાડી હતી છતાં પણ બાળકો નાહવા પડ્યાં હતાં. એક બાળક ડૂબવા લાગ્યું હતું, જેથી સિક્યોરિટી ગાર્ડે મને આ બાબતે જાણ કરી હતી અને મેં આ બાળકને બહાર કાઢીને હોસ્પિટલ મોકલ્યો હતો. આ ઘટનાની જાણ થતાં રાણીપના કોર્પોરેટરો અને સ્થાનિકો પણ ત્યાં દોડી આવ્યા હતા. આ સમગ્ર બાબતે હવે કોઈપણ ઘટના ભવિષ્યમાં ન બને એને લઈને જાળી લગાવવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો હોવાનું સ્થાનિકે જણાવ્યું હતું.

 

adv

Related News

post
post
post
post
post
post
post