• Home
  • News
  • દિલ્હી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સંદિગ્ધ બૅગ મળી, RDX હોવાની આશંકા
post

ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ટર્મિનલ 3માં વહેલી પરોઢે સંદિગ્ધ બૅગ મળ્યા બાદ તંત્ર એલર્ટ થઈ ગયું છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-11-01 13:11:40

નવી દિલ્હી : ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ટર્મિનલ 3માં વહેલી પરોઢે સંદિગ્ધ બૅગ મળ્યા બાદ તંત્ર એલર્ટ થઈ ગયું છે. પહેલા તો આ બૅગના માલિકને શોધવામાં આવ્યો પરંતુ કોઈએ બૅગ પોતાની હોવાનો દાવો ન કર્યો તો સુરક્ષા દળોને જાણ કરવામાં આવી. મળતા અહેવાલો મુજબ, બોમ્બ નિરોધક ટીમને આશંકા છે કે આ બૅગમાં આરડીએક્સ છે.

સૂચના બાદ એરપોર્ટ પર પોલીસ (Police) તથા અન્ય સુરક્ષા દળોની ટીમ પહોંચી ગઈ. ત્યારબાદ બૅગ સંદિગ્ધ હોવાની જાણ થતાં બોમ્બ નિરોધક ટીમને પણ જાણ કરવામાં આવી. ટીમે બૅગને કબજામાં લઈ લીધી છે અને તેની તપાસ કરવામાં આવી રહી છે. જોકે, હજુ સુધી એ વાતની જાણકારી નથી આપવામાં આવી કે બૅગમાં શું છે.

બોમ્બ નિરોધક ટીમે બૅગની તપાસ કરી. ત્યારબાદ આશંકા વ્યક્ત કરવામાં આવી કે તેમાં આરડીએક્સ હોઈ શકે છે જે મોટા વિસ્ફોટને અંજામ આપી શકે છે. ત્યારબાદ ટીમે બૅગને કુલિંગ કિટમાં રાખી છે. બૅગને 24 કલાક માટે કુલિંગ કિટમાં રાખવામાં આવશે. જેના કારણે તેની અંદરનો વિસ્ફોટક નિષ્ક્રિય થઈ જાય. આ ઘટના બાદ સુરક્ષા દળોએ દિલ્હી એરપોર્ટ અને તેની આસપાસની સુરક્ષા વધારી દીધી છે અને સઘન તપાસ કરવામાં આવી રહી છે. આ દરમિયાન સમગ્ર એરપોર્ટ પર ડૉગ સ્ક્વોડ અને સ્પેશલ ફોર્સિસના જવાન સર્ચ ઓપરેશન હાથ ધરી રહ્યા છે.

બૅગ મળ્યા બાદ ટર્મિનલ 3 પર હાજર પ્રવાસીઓમાં દોડાદોડી થઈ ગઈ. બૅગની આસપાસનો તમામ વિસ્તાર સુરક્ષા દળોએ ખાલી કરાવી દીધો અને લોકોને તે ક્ષેત્રથી દૂર રહેવા માટે કહેવામાં આવ્યું. આ દરમિયાન ત્યાં પહોંચેલી બોમ્બ નિરોધક ટીમે તાત્કાલીક કાર્યવાહી કરતાં બૅગની તપાસ કરી અને તેને પોતાના કબજામાં લઈ લીધી. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા પણ ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સંદિગ્ધ બૅગ મળ્યા બાદ દોડાદોડી ગઈ ગઈ હતી. જોકે, આ દરમિયાન કંઈ પણ ખતરારૂપ તેમાંથી નહોતું મળ્યું.

દિલ્હી પોલીસના અધિકારીએ જણાવ્યું કે, એરપોર્ટ પોલીસ સ્ટેશનને શુક્રવાર વહેલી પરોઢ 3 વાગ્યે એક સંદિગ્ધ બૅગ મળવાની માહિતી મળી. ત્યારબાદ ઘટનાસ્થળે પહોંચેલી ટીમે તેને પોતાના કબજામાં લઈ લીધી છે.