• Home
  • News
  • ફી રાહત મામલે રાજ્ય સરકારનો પરિપત્ર:‘ખાનગી સ્કૂલો માત્ર ટ્યૂશન ફી જ લેશે, વર્ષ 20-21માં ફી વધારાશે નહીં, વાલીઓ અનુકૂળતાએ ફી ભરી શકશે, વિલંબ થાય તો દંડ લેશે નહીં’
post

ખાનગી સ્કૂલો કોઈ પણ ઇત્તર પ્રવૃતિ કે વૈકલ્પિક પ્રવૃતિ-સુવિધાની ફી વસૂલી શકશે નહીં

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-08 11:06:32

રાજ્યના શિક્ષણ વિભાગે સ્વનિર્ભર શાળઓએ ફીમાં 25 ટકાની રાહત આપતો પરિપત્ર જારી કર્યો હતો. સરકારના આ પરિપત્રમાં સંચાલકોની શરતનો છેદ ઉડાડી દીધો હતો. અગાઉ ખાનગી સ્કૂલોના સંચાલકોએ 31 ઓક્ટોબર સુધીમાં જે વાલી ફી ભરે તેમને જ 25 ટકા રાહત આપવાની શરત મૂકી હતી. પરંતુ સરકારના પરિપત્રમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, ટયૂશન ફીમાં 75 ટકા બાદ આપ્યા પછી વાલી શૈક્ષણિક વર્ષ 2020-21ની ફી દર મહિને હપ્તે કે એક સાથે વર્ષમાં ગમે ત્યારે ભરી શકશે. જો કે, આર્થિક સ્થિતિ ખરાબ હોય તેવા વાલીએ મોંડી ફી ભરવા માગતા હોય તો તેમણે કારણ દર્શાવતી રજૂઆત સ્કૂલમાં કરવાની રહેશે,પણ સ્કૂલ લેઇટ ફી ચાર્જ વસૂલી શકશે નહીં અને કોઈપણ પ્રકારની દંડાત્મક કાર્યવાહી કરી શકશે નહીં. વાલીઓ તેમની અનુકૂળતાએ માસિક કે એક સાથે ફી ભરી શકશે.

પરિપત્ર તમામ શિક્ષણ બોર્ડ સાથે સંલગ્ન સ્કૂલને લાગુ પડશે
ફી કમિટી દ્વારા સ્કૂલોની વર્ષ 2020-21 માટે નક્કી કરાયેલી ટયૂશન ફીમાં 25 ટકા ફી માફ અને 75 ટકા ફી વાલી પાસેથી વસૂલવાની રહેશે. જે વાલીઓ કોઇ કારણસર કે આર્થિક સ્થિતિને કારણે ફી ભરી શકે તેમ ન હોય તો વર્ષ દરમિયાન ગમે ત્યારે ફી ભરી શકે છે. આવા વાલી પાસેથી કોઇ વધારાની ફી વસૂલવાની રહેશે નહીં. ટયૂશન ફી સિવાયની અન્ય કોઈપણ વૈકલ્પિક પ્રવૃત્તિ કે સુવિધા અંગેની પણ ફી સ્કૂલો વસૂલી શકશે નહીં.ઉલ્લેખનીય છે કે, આ પરિપત્ર તમામ શિક્ષણ બોર્ડ સાથે સંલગ્ન સ્કૂલને લાગુ પડશે. તેમજ ચાલુ વર્ષે કોઈપણ પ્રકારનો ફી વધારો કરી શકાશે નહીં. આ ઠરાવ ગુજરાત બોર્ડ, સીબીએસસી તથા ઇન્ટરનેશનલ બોર્ડની સ્કૂલોને પણ લાગુ પડશે.

ચાલુ વર્ષે ફીમાં વધારો કરી શકાશે નહીં, આર્થિક સ્થિતિ સારી ન હોય તે વાલીને સાંભળવા પડશે

·         2020-21માં (ચાલુ વર્ષે) સ્કૂલો ફીમાં વધારો કરી શકશે નહીં.

·         ચાલુ શૈક્ષણિક વર્ષમાં વૈકલ્પિક પ્રવૃત્તિઓ કે સુવિધાઓ સહિત કોઈપણ પ્રકારની ઇત્તર ફી સ્કૂલ લઈ શકશે નહીં. જો કોઈ વાલીએ આ પ્રકારની ફી ફરી દીધી હોય તો તે વાલીને આગામી સમયમાં આપવાની થતી ફી સામે વધારાની રકમ સરભર કરી આપવાની રહેશે.

·         ચાલુ શૈક્ષણિક વર્ષ દરમિયાન સ્વનિર્ભર શાળાઓ માત્ર ટ્યૂશન ફી જ લઈ શકશે.

·         વર્ષ 2019-20 માટે એફઆરસીએ નિયત કરેલી ટ્યૂશન ફીના 75 ટકા રકમ જ વાલી પાસેથી લઈ કરી શકાશે.

·         વાલી પોતાની અનુકૂળતાએ ફી ભરી શકશે. જો કોઈ વાલીએ 100 ટકા ટ્યૂશન ફી એડવાન્સ ભરી હોય તો આગામી સમયમાં લેવાની થતી ફી સામે વધારાની રકમ સરભર કરી આપવાની રહેશે.

·         જે વાલીની આર્થિક સ્થિતિ સારી ન હોય તેમણે સ્કૂલ સમક્ષ રજૂઆત કરવી પડશે. સ્કૂલે તેમને સાંભળીને હકારાત્મક નિર્ણય કરવાનો રહેશે.

અગાઉ 31મી ઓક્ટોબર સુધી ફી ભરવાની મુદ્દત આપી હતી
અગાઉ શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે, સ્કૂલો ટ્રાન્સપોર્ટ, લાઇબ્રેરી, કમ્પ્યુટર તથા સ્પૉર્ટસ એક્ટિવિટી માટેની ફી લઈ શકશે નહીં. શિક્ષણમંત્રીએ વાલીઓને 31 ઓક્ટોબર સુધી ફી ભરવાનો અનુરોધ કર્યો છે. શિક્ષણમંત્રીએ કહ્યું હતું કે ખાનગી સ્કૂલો ફી રાહતની સામે શિક્ષકોને પગાર આપવો નહીં તેવા નિર્ણય લઇ શકશે નહીં. ઉપરાંત શિક્ષકોને પગાર વેતન નહીં આપવાની પદ્ધતિ પણ અપનાવી શકશે નહીં.

આવતા વર્ષે ફી વધારો થઈ શકે છે
એસોસિયેશન ઑફ પ્રોગ્રેસિવ સ્કૂલ્સના પ્રમુખ મનન ચોક્સીએ જણાવ્યું હતું કે સ્કૂલોએ વાર્ષિક ઇન્ક્રિમેન્ટના 5% જતા કર્યા, હવે 25% ફી માફીની વાત છે. આથી સ્કૂલોને 30 % ખોટ જશે. ઉપરાંત વર્ષ 2020-21 માટે ફીમાં 5 % ઇન્ક્રિમેન્ટ તો સરકારના નિયમ પ્રમાણે રહેશે. આવતા વર્ષે 35 % ફીવધારો થઇ શકે છે.

બાકીની 25 ટકા ફી માટે સરકાર મદદ કરે
ઑલ ગુજરાત વાલીમંડળના પ્રમુખ નરેશ શાહે કહ્યું, સરકાર પાસે શિક્ષણ માટે ફાળવેલા 1500 કરોડ રૂપિયા વપરાયા વગરના પડ્યા છે. અમારી આજે પણ 50 ટકા ફીની જ માગ છે. હવે સ્કૂલો 25 ટકા ફી માફી આપશે, બાકીની 25 ટકા ફીનું રાહત પેકેજ સરકાર જાહેર કરે.

 

adv

Related News

post
post
post
post
post
post
post