• Home
  • News
  • CMના કોન્વોયમાં ગંભીર બેદરકારી:વડોદરામાં કાફલા આગળ ચાલતી વોર્નિંગ વાન ખોટકાઈ, ભૂપેન્દ્ર પટેલને વોર્નિંગ વાન વિના જ સાવલી રવાના થવું પડ્યું
post

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના કાફલામાં નવી 12 ટોયોટા ફોર્ચ્યુનર ગાડી વસાવી છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-04-04 18:15:50

વડોદરા: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સવારે વડોદરા એરપોર્ટ પર મહાવીર જયંતી નિમિત્તે જૈન સમાજના કાર્યક્રમમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા. ત્યાંથી કાર્યક્રમ પતાવીને મુખ્યમંત્રી સાવલી ખાતે ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદાર આયોજિત સમૂહ લગ્નોત્સવમાં હાજરી આપવા માટે નીકળવાના હતા. જો કે, તેઓ નીકળે તે પહેલાં મુખ્યમંત્રીના કાફલા આગળ ચાલતી વોર્નિંગ વાન ખોટકાઈ ગઈ હતી અને મુખ્યમંત્રીના કાફલાને વોર્નિંગ વાન વિના જ નીકળવું પડ્યું હતું.

CMએ જૈન સમાજના અગ્રણીઓ સાથે મુલાકાત કરી
જૈન સંપ્રદાયના પવિત્ર પર્વ એવા મહાવીર જયંતી અને સાવલી ખાતે યોજાનાર સર્વજ્ઞાતિય સમૂહલગ્નને લઈને આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વડોદરાની મુલાકાતે છે. પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ અનુસાર મુખ્યમંત્રી આજે સવારે 10 કલાકે વડોદરા એરપોર્ટ ખાતે જૈન સંપ્રદાયના કાર્યક્રમમાં પહોંચ્યા હતા અને જ્યાં મુખ્યમંત્રીએ જૈન સમાજના અગ્રણીઓ સાથે મુલાકાત કરી હતી.

ગાડીમાં સેલ્ફ સ્ટાર્ટ લાગતો નથી
વોર્નિંગ વાનમાં હાજર પોલીસ કર્મીએ જણાવ્યું હતું કે, આજે સવારના 7 વાગ્યે ગાડી ઊભી રાખી હતી. ગાડીમાં સેલ્ફ સ્ટાર્ટ લાગતો નથી. બધું કરી જોયું છે પણ ચાલુ થતી નથી.

વારંવાર ચાલુ કરવા છતાં વોર્નિંગ વાન ચાલુ થઈ નહીં
મુખ્યમંત્રી સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા આયોજિત 8માં સર્વજ્ઞાતિય સમૂહલગ્નમાં પણ હાજરી આપનાર હતા. જેથી મુખ્યમંત્રી વડોદરાથી સાવલી જવા રવાના થવાના હતા. આ સમયે જ મુખ્યમંત્રીના કોન્વોયની આગળ ચાલતી વોર્નિંગ વાન ખોટકાઈ ગઈ હતી અને વારંવાર ચાલુ કરવા છતાં વોર્નિંગ વાન ચાલુ થઈ નહોતી. પોલીસ વિભાગે વોર્નિંગ વાન ચાલુ કરવા દોડધામ કરી મૂકી હતી, પરંતુ વોર્નિંગ વાન ચાલુ થઈ નહોતી. જેથી પાઇલટિંગની વોર્નિંગ વાનને સાઇડ પર કરીને મુખ્યમંત્રીનો કાફલો સાવલી જવા રવાના થઈ ગયો હતો.

પોલીસની ગંભીર બેદરકારી
વડોદરા એરપોર્ટ પર પોલીસની વોર્નિંગ વાનમાં યાંત્રિક ખામી સર્જાઈ હતી અને ગાડી ચાલુ જ ન થતાં વડોદરા પોલીસની ગંભીર બેદરકારી સામે આવી હતી અને મુખ્યંત્રીના કાફલાને વોર્નિંગ વાન વિના જ નીકળી જવું પડ્યું હતું.

CM ફોર્ચ્યુનરને બદલે સ્કોર્પિયોમાં જોવા મળ્યા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના કાફલામાં નવી 12 ટોયોટા ફોર્ચ્યુનર ગાડી વસાવી છે. અગાઉ નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારથી સીએમના કાફલામાં સ્વદેશી મહિન્દ્રા સ્કોર્પિયો ગાડીઓનો સમાવેશ કરાયો હતો. જો કે, ભૂપેન્દ્ર પટેલે તે ગાડીઓને બદલીને હવે નવી નક્કોર ફોર્ચ્યુનર ગાડીઓ પોતાના ઉપયોગ માટે છોડાવી છે. સરકારે મુખ્યમંત્રીના આ નવા કાફલા માટે અંદાજે 25 કરોડ રૂપિયા ખર્ચ્યા હોવાનું જાણવા મળ્યું છે. જો કે, આજે વડોદરામાં ભૂપેન્દ્ર પટેલ ફોર્ચ્યુનરને બદલે સ્કોર્પિયોમાં જોવા મળ્યા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બેઠક યોજી
વડોદરાના સર્કિટ હાઉસ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, સાંસદ રંજનબેન ભટ્ટ, ગુજરાત વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુક્લ સહિતના ધારાસભ્યો સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં રામનવમીના દિવસે રામજીની શોભાયાત્રા પર થયેલા પથ્થરમારાને લઈને ચર્ચા થઈ હોવાની શક્યતા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post