• Home
  • News
  • શમીએ ખરાબ તબક્કાને યાદ કર્યો, કહ્યું - ત્રણ વાર આત્મહત્યા કરવાનું વિચાર્યું, પરિવારને ડર હતો કે હું 24મા માળેથી કૂદી ન જાઉં
post

મોહમ્મદ શમીએ લાઈવ ચેટિંગમાં રોહિત શર્માને કહ્યું કે, 2-3 મિત્રો 24 કલાક મારી સાથે રહેતા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-06 11:26:44

ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ પોતાના ખરાબ તબક્કાને યાદ કરતા ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા છે. શમીએ શનિવારે ઇન્સ્ટાગ્રામ પર લાઇવ ચેટિંગ દરમિયાન રોહિત શર્માને કહ્યું હતું કે, "2015ના વર્લ્ડ કપ પછી મારા જીવનમાં ઘણો ખરાબ સમય આવ્યો હતો. મેં ત્રણ વખત આત્મહત્યા કરવાનો વિચાર કર્યો હતો. મારો ફ્લેટ 24મા માળે છે. પરિવારને ડર હતો કે હું 24મા માળેથી કૂદી ન જાઉં." આ સમયગાળા દરમિયાન ઈજાને કારણે શમી લગભગ 18 મહિના ટીમની બહાર રહ્યો હતો. 2018માં પત્ની હસીન જહાંએ પણ તેની વિરુદ્ધ ઘરેલું હિંસાનો કેસ દાખલ કર્યો હતો.

શમીએ કહ્યું, "આ દરમિયાન હું મારા અંગત જીવનમાં પણ ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યો હતો. તમે માનશો નહીં, પરંતુ મેં આ સંકટ દરમિયાન ત્રણ વખત આત્મહત્યા કરવાનું વિચાર્યું. મારો પરિવાર મારા વિશે ખૂબ જ ચિંતિત રહેતો હતો. અમે 24મા માળે રહીએ છીએ. પરિવારને ડર હતો કે હું બાલ્કનીમાંથી કૂદી ન જાઉં. તે સમયે મેં ક્રિકેટ વિશે વિચાર્યું નહોતું. એવું લાગી રહ્યું હતું કે હું ક્રિકેટ છોડીશ."

પરિવારના સપોર્ટથી વાપસી કરી શક્યો: શમી
ફાસ્ટ બોલરે કહ્યું કે, પરિવારે મને ઘણો સપોર્ટ કર્યો. તેમણે મને સમજાવ્યું કે સમસ્યા નાની હોય કે મોટી, બધાનું સમાધાન હોય છે. મારા ભાઈએ ઘણો સપોર્ટ કર્યો. દિવસમાં 24 કલાક મારી સાથે 2-3 મિત્રો રહેતા હતા. માતા-પિતાએ સમજાવ્યું કે, સમસ્યાઓ દૂર કરવા માટે મારે ફક્ત ક્રિકેટ પર ધ્યાન આપવું જોઈએ. આ સિવાય તે કોઈપણ અન્ય બાબતે વિચારવાની ના પાડતા હતા. ત્યારબાદ મેં ફરી ટ્રેનિંગ શરૂ કરી અને દહેરાદૂનની એકેડેમીમાં સખત મહેનત કરીને વાપસી કરી હતી. "

શમી-હસીન જહાં મામલો શું છે?
શમી પર હસીન જહાંએ દહેજની માંગ, શારીરિક સતામણી, મેચ ફિક્સિંગનો આરોપ લગાવ્યો હતો. તેણે શમી પર યુવતીઓ સાથે ગેરકાયદેસર સંબંધ રાખવાનો આરોપ લગાવતા ફેસબુક એકાઉન્ટ પર ઘણા ફોટોઝ શેર કર્યા હતા. હસીને શમી અને છોકરીઓ વચ્ચે વોટ્સએપ ચેટના સ્ક્રીનશોટ પણ શેર કર્યા હતા. પશ્ચિમ બંગાળની અલીપુર કોર્ટે શમી અને તેના ભાઈ હસીદ અહેમદ સામે ધરપકડનું વોરંટ પણ જારી કર્યું હતું. જોકે તે પછીથી રદ્દ કરવામાં આવ્યું હતું. બીસીસીઆઈએ ફિક્સિંગના આરોપો અંગેની તપાસ બાદ તેને ક્લિનચીટ આપી હતી. આ સમય દરમિયાન, બીસીસીઆઈએ શમીનો કરાર પણ થોડા સમય માટે અટકાવ્યો હતો.

શમી IPLમાં પંજાબ માટે રમશે
શમી ફેબ્રુઆરીમાં ન્યૂઝીલેન્ડ સામેની બે ટેસ્ટ મેચની શ્રેણીમાં ભારતીય ટીમ માટે રમ્યો હતો. હવે જો ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) થાય તો તે કિંગ્સ ઇલેવન પંજાબ તરફથી રમતો જોવા મળશે. હાલમાં કોરોનાવાયરસ (કોવિડ -19) અને લોકડાઉનને કારણે IPL અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવી છે. શમીએ 49 ટેસ્ટમાં 180 વિકેટ લીધી છે, 77 વનડેમાં 144 અને 11 T-20 માં 12 વિકેટ લીધી છે.