• Home
  • News
  • શરદ પવારે NCPનું અધ્યક્ષપદ છોડ્યું:પવારની સૂડી વચ્ચે સોપારી, રાજકીય વારસદાર કોણ? સુપ્રિયા કે અજિત? 4 દિવસ પહેલાં આપ્યો હતો આ સંકેત
post

NCPના ટોચના નેતાઓમાંના એક હોવા ઉપરાંત સુપ્રિયા 2009 અને 2014માં તેમના પિતાની બેઠક બારામતીથી બે વખત સાંસદ રહી ચૂક્યાં છે.

Written By newsonline | Ahmedabad | Published: 2023-05-02 17:34:53

શરદ પવારે મંગળવારે નેશનલ કોંગ્રેસ પાર્ટી (NCP)ના અધ્યક્ષપદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. પવારે કહ્યું હતું કે તેઓ રાજીનામું આપવા જઈ રહ્યા છે. તેમણે હજુ સુધી પદ છોડવાનું કારણ જણાવ્યું નથી. NCP મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડી ગઠબંધનમાં સહયોગી છે.

શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલેએ 17 એપ્રિલે કહ્યું હતું કે મહારાષ્ટ્રની રાજનીતિમાં 15 દિવસમાં બે મોટા વિસ્ફોટ થશે. નિવેદનના 16મા દિવસે બરાબર એટલે કે 2 મેના રોજ 12:45 વાગ્યે, 82 વર્ષીય શરદ પવારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના અધ્યક્ષ પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. પવારે કહ્યું કે તેઓ રાજીનામું આપવા જઈ રહ્યા છે. તેમણે આ બાબતનું કારણ જણાવ્યું નથી.

અજિત પવારે કહ્યું- ઉંમરને ધ્યાનમાં રાખીને પવારનો નિર્ણય
અજિત પવારે કહ્યું, 'શરદ પવારની ઉંમરને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેઓ તમામ કાર્યક્રમોમાં હાજર રહેશે. તેઓ અધ્યક્ષ ભલે ન હોય, તેનો અર્થ એ નથી કે તે પાર્ટીમાં નથી. લાગણીશીલ ન બનો નવા અધ્યક્ષ જે પણ હશે, અમે તેની સાથે ઉભા રહીશું.

 

દેશમાં NCPના 9 સાંસદો છે, 3 રાજ્યોમાં 57 ધારાસભ્યો છે
NCP
ની સત્તાવાર વેબસાઈટ અનુસાર, NCPના હાલમાં દેશમાં 9 સાંસદો છે. જેમાં લોકસભાના 5 અને રાજ્યસભાના 4 સભ્યોનો સમાવેશ થાય છે. જ્યારે, સમગ્ર દેશમાં પાર્ટી પાસે 57 ધારાસભ્યો છે. મહારાષ્ટ્રમાં 54, કેરળમાં 2 અને ગુજરાતમાં 1 ધારાસભ્ય છે. જ્યારે, પાર્ટીના દેશભરમાં 20 લાખ કાર્યકરો છે.

4 દિવસ પહેલાં ગુરુવારે શરદ પવારે કહ્યું હતું કે રોટલી ફેરવવાનો સમય આવી ગયો છે. મને કોઈએ કહ્યું હતું કે રોટલી યોગ્ય સમયે ફેરવવી પડે છે. જો ઊલટાવી લેવામાં ન આવે તો એ કડક બની જાય છે. આ નિવેદન પર અજિત પવારે કહ્યું હતું કે નવા ચહેરાઓને આગળ લાવવાની એનસીપીની પરંપરા રહી છે.

તેમણે 1999માં કોંગ્રેસમાંથી અલગ થઈને NCPની રચના કરી હતી. ત્યારથી તેઓ પાર્ટીના અધ્યક્ષ છે. પવારની જાહેરાત બાદ પાર્ટી કાર્યકર્તાઓએ તેમના સમર્થનમાં નારા લગાવવાનું શરૂ કરી દીધું હતું. તેઓ તેમને પોતાનો નિર્ણય પાછો ખેંચવાની માગ કરી રહ્યા હતા.

 

બાયોગ્રાફીના વિમોચન પર રાજીનામાની જાહેરાત, લખ્યું- ઉદ્ધવનું રાજીનામું ગઠબંધન પર પૂર્ણવિરામ
શરદ પવાર મંગળવારે મુંબઈમાં વાયબી ચવ્હાણ સેન્ટરમાં તેમની જીવનચરિત્ર 'લોક ભુલભુલૈયા સંગાતિ'નું વિમોચન કરી રહ્યા હતા. આ પુસ્તકનું પૃષ્ઠ નંબર 319 પર તેમણે લખ્યું- મહાવિકાસ આઘાડીની સરકાર માત્ર સત્તાનો ખેલ નહોતો. અન્ય પક્ષોને દબાવીને અન્ય પક્ષોનું મહત્ત્વ કોઈ રીતે ખતમ કરીને રાજકીય સર્વોપરિતા નિર્માણ કરનારા ભાજપને આ એક યોગ્ય જવાબ હતો.

મહાવિકાસ આઘાડીની સરકાર દેશમાં ભાજપ સામે સૌથી મોટો પડકાર હતો. મને લાગતું હતું કે આ સરકારને અસ્થિર કરવાનો પ્રયાસ થશે. અમે અમારા સ્તરે તેને સંભાળી શક્યા હતા, પરંતુ અમને ખ્યાલ નહોતો કે ઉદ્ધવ ઠાકરેને મુખ્યમંત્રી બનાવવાથી શિવસેનામાં તોફાન સર્જાશે. આ નારાજગીનો અંત લાવવામાં શિવસેનાનું નેતૃત્વ (ઉદ્ધવ અને આદિત્ય) ઊણું ઊતર્યું. લડ્યા વિના ઉદ્ધવજીના રાજીનામાને કારણે મહાવિકાસ આઘાડીની સત્તા પર પૂર્ણવિરામ મુકાઈ ગયું.

રાજીનામામાં લખ્યું- સતત યાત્રા મારા જીવનનો એક ભાગ છે

શરદ પવારે રાજીનામામાં લખ્યું, 'મારા મિત્રો! હું એનસીપીનું અધ્યક્ષપદ છોડી રહ્યો છું, પરંતુ સામાજિક જીવનમાંથી નિવૃત્ત નથી થઈ રહ્યો. સતત યાત્રા એ મારા જીવનનું અભિન્ન અંગ બની ગયું છે. હું જાહેર સભાઓ અને કાર્યક્રમોમાં હાજરી આપવાનું ચાલુ રાખીશ. હું તમારા માટે પુણે, બારામતી, મુંબઈ, દિલ્હી અથવા ભારતના કોઈપણ જગ્યાએ હોઈશ, તમારા માટે હંમેશની જેમ ઉપલબ્ધ રહીશે. લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે હું સતત કામ કરતો રહીશ. લોકોનો પ્રેમ અને વિશ્વાસ મારા શ્વાસ છે. હું તમારી સાથે હતો અને મારા છેલ્લા શ્વાસ સુધી તમારી સાથે રહીશ, તેથી આપણે મળતા રહીશું. આભાર.'

અધ્યક્ષની પસંદગી માટે સમિતિની રચના કરવામાં આવી હતી
પવારના રાજીનામા બાદ પાર્ટીના અધ્યક્ષની પસંદગી માટે એક સમિતિની રચના કરવામાં આવી છે. આમાં પ્રફુલ્લ પટેલ, સુનીલ તડકારે, કેકે શર્મા, પીસી ચાકો, અજિત પવાર, જયંત પાટીલ, સુપ્રિયા સુલે, છગન ભુજબળ, દિલીપ પાટીલ, અનિલ દેશમુખ, રાજેશ ટોપે, જિતેન્દ્ર આહવાદ, હસન મુશરિફ, ધનંજય મુંડે, જયદેવ ગાયકવાડનાં નામ સામેલ છે.

છેલ્લા કેટલાક દિવસોની ઘટનાઓમાં એક સંકેત હતો ...

1. નિવેદન આપ્યું હતું- મહારાષ્ટ્રમાં આજે ગઠબંધન, કાલે ખબર નથી
30
એપ્રિલના રોજ શરદ પવારે કહ્યું હતું - આજે અમે MVAનો ભાગ છીએ અને કામ કરવા ઈચ્છીએ છીએ, પરંતુ એકલી ઇચ્છા હંમેશાં પૂરતી નથી. સીટોની વહેંચણી, કોઈ સમસ્યા છે કે નહીં, આ બધી ચર્ચા હજુ થઈ નથી. આવી સ્થિતિમાં આજે મહારાષ્ટ્રમાં આઘાડી છે પણ કાલે ખબર નથી.

2. અજિત પવારના NCP છોડવાની અટકળોનો ખુલાસો થયો
NCP
નેતા અને શરદ પવારના ભત્રીજા અજિત પવાર NCP છોડી રહ્યા હોવાના અહેવાલો હતા. એવું કહેવામાં આવી રહ્યું હતું કે તેમની પાસે 40 ધારાસભ્ય છે અને અજિત બીજેપીમાં જોડાઈ શકે છે. આ પછી અજિતે કહ્યું હતું કે - કોઈ કારણ વગર ગેરસમજ ફેલાવવામાં આવી રહી છે. એકપણ ધારાસભ્યની સહી લેવામાં આવી નથી. ભાજપ સાથે જોડાવાના સમાચારમાં કોઈ સત્ય નથી. જ્યાં સુધી મારામાં જીવ છે, હું NCP સાથે જોડાયેલો રહીશ. જો તમે ઇચ્છો તો હું એફિડેવિટ પર લેખિતમાં આપી શકું છું!

3. અજિત પવારે કહ્યું હતું - 100% મુખ્યમંત્રી બનવા માગું છે
21
એપ્રિલે અજિત પવારે એક ઈન્ટરવ્યૂમાં એનસીપી નેતાએ મુખ્યમંત્રી બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું - NCP 2024ની મહારાષ્ટ્ર ચૂંટણી પહેલાં જ મુખ્યમંત્રીપદ માટે દાવો કરી શકે છે. હું 100% મુખ્યમંત્રી બનવા માગું છું.

કોંગ્રેસમાંથી બે વખત બળવો, 25 વર્ષ પહેલાં NCP બનાવી હતી
પ્રથમ વખત બળવો: 1977ની સામાન્ય ચૂંટણીઓ પછી, કોંગ્રેસ પક્ષ કોંગ્રેસ (U) અને કોંગ્રેસ (I)માં વિભાજિત થયો. શરદ પવાર કોંગ્રેસ (યુ)માં જોડાયા. 1978માં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં બંને પક્ષોએ અલગ-અલગ ચૂંટણી લડી હતી, પરંતુ રાજ્યમાં જનતા પાર્ટીને રોકવા માટે સાથે મળીને સરકાર બનાવી. થોડાક જ મહિનાઓ પછી શરદ પવાર કોંગ્રેસ (યુ)થી પણ અલગ થઈ ગયા અને જનતા પાર્ટીમાં જોડાયા હતા. જનતા પાર્ટીના સમર્થનથી પવાર 38 વર્ષની વયે મુખ્યમંત્રી બન્યા હતા. એ સમયે તેઓ રાજ્યના સૌથી યુવા મુખ્યમંત્રી હતા. જોકે શરદ પવાર ફરીથી 1986માં કોંગ્રેસમાં જોડાયા અને 26 જૂન 1988થી લઈને 25 જૂન 1991 વચ્ચે બે વખત મુખ્યમંત્રી બન્યા હતા.

બીજી વખત બળવોઃ 1999માં શરદ પવાર, પીએ સંગમા અને તારિક અનવરે સોનિયા ગાંધીને વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવવાનો વિરોધ કર્યો હતો. ત્રણેયનું કહેવું હતું કે વડાપ્રધાન દેશની વ્યક્તિ હોવા જોઈએ. આ કારણે ત્રણેયને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા અને તેમણે સાથે મળીને 25 મે 1999ના રોજ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ની રચના કરી હતી. જોકે આ પછી મહારાષ્ટ્રમાં સતત 15 વર્ષ સુધી એનસીપી-કોંગ્રેસ ગઠબંધનની સરકાર રહી હતી.

પવારની રાજકીય સફર

·         શરદ પવારનો જન્મ 12 ડિસેમ્બર, 1940ના રોજ થયો હતો. પવારે 1967માં કોંગ્રેસ સાથે રાજકીય સફર શરૂ કરી હતી.

·         તેઓ પહેલીવાર 1984માં બારામતીથી લોકસભા ચૂંટણી જીત્યા હતા. તેમણે 20 મે 1999ના રોજ કોંગ્રેસથી અલગ થઈ ગયા અને 25 મે 1999ના રોજ એનસીપીની રચના કરી.

·         એનસીપીની રચના શરદ પવાર, તારિક અનવર અને પીએ સંગમાએ મળીને કરી હતી. આ ત્રણેય અગાઉ કોંગ્રેસમાં હતા.

·         મહારાષ્ટ્રના સૌથી યુવા મુખ્યમંત્રી બનવાનો રેકોર્ડ તેમના નામે છે. 1993માં તેમણે ચોથી વખત સીએમ તરીકે શપથ લીધા હતા.

·         તેમની રાજકીય કારકિર્દીમાં તેઓ યુપીએ સરકારમાં કેન્દ્રીય મંત્રી પણ રહી ચૂક્યા છે.

·         આ સિવાય તેઓ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના પ્રમુખ પણ રહી ચૂક્યા છે.

·         પવાર 2005થી 2008 સુધી BCCIના અધ્યક્ષ હતા અને 2010માં ICCના અધ્યક્ષ બન્યા હતા.

·         પવાર રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ છે. પોતાનો રાજકીય વારસો પુત્રી સુપ્રિયા સુલેને સોંપી દીધો છે.

·         NCPના ટોચના નેતાઓમાંના એક હોવા ઉપરાંત સુપ્રિયા 2009 અને 2014માં તેમના પિતાની બેઠક બારામતીથી બે વખત સાંસદ રહી ચૂક્યાં છે.

·         અજિત પવારે પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી NCPનો ઝંડો હટાવ્યોઃ ભાજપને સમર્થન આપવાની અટકળો પર તેમણે કહ્યું- હું સંપૂર્ણપણે NCP સાથે છું.

 

adv

Related News

post
post
post
post
post
post
post