• Home
  • News
  • શિખર ધવન 200મી મેચમાં ઝળક્યો, મોટો રેકોર્ડ બનાવીને વિરાટ કોહલીની ક્લબમાં સામેલ થયો
post

ગબ્બર તરીકે ઓળખાતો શિખર ધવન હાલમાં આઈપીએલમાં પંજાબ કિંગ્સ તરફથી રમી રહ્યો છે. આઈપીએલમાં 200 મેચ રમનારો તે આઠમો ખેલાડી બની ગયો છે. ધવનને આઈપીએલની હરાજીમાં પંજાબ કિંગ્સ તરફથી 8.25 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો.

Written By newsonline | Ahmedabad | Published: 2022-04-26 10:03:31

મુંબઈ: પંજાબ કિંગ્સના બેટ્સમેન શિખર ધવને આઈપીએલ એટલે કે ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022માં એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. ધવને તેની સાથે જ 6000 રન પૂરા કરી લીધા છે. સોમવારે ચેન્નઈ સુપર કિંગ્સ સામે રમાયેલી મેચમાં પોતાનો બીજો રન બનાવતાની સાથે જ ધવન આ આંકડાને પાર કરી ગયો અને તેણે 200મી મેચ રમવાની સિદ્ધિ હાંસલ કરી લીધી છે.

વિરાટ કોહલીની ક્લબમાં જોડાઈ ગયો:
શિખર ધવન આઈપીએલમાં 6000 રન પૂરા કરનારો માત્ર બીજો બેટ્સમેન છે. કેમ કે તેની પહેલાં માત્ર વિરાટ કોહલી જ આ સિદ્ધિ મેળવી શક્યો છે. વિરાટ કોહલીએ 215 મેચમાં 36.58ની એવરેજથી 6402 રન બનાવ્યા છે. તે સિવાય તેના નામે એક જ સિઝનમાં સૌથી વધારે રન બનાવવાનો રેકોર્ડ પણ છે. આઈપીએલ 2016માં વિરાટ કોહલીએ ચાર સદીની મદદથી 973 રન બનાવ્યા હતા. તો ધવને અત્યાર સુધી આઈપીએલમાં 2 સદી અને 46 અર્ધસદી બનાવી છે.

આઈપીએલમાં સૌથી વધારે રન:
વિરાટ કોહલી- 215 મેચ, 6402 રન, 36.58 એવરેજ

શિખર ધવન - 200 મેચ, 6086 રન, 35.18 એવરેજ

રોહિત શર્મા - 221 મેચ, 5764 રન, 30.66 એવરેજ

ડેવિડ વોર્નર - 155 મેચ, 5668 રન, 41,99 એવરેજ

સુરેશ રૈના - 205 મેચ, 5528 રન, 32.52 એવરેજ

ચેન્નઈ સુપર કિંગ્સ સામે ગબ્બરના 1000 રન પૂરા:
ચેન્નઈ સુપર કિંગ્સ સામે ધવને 59 બોલમાં 88 રનની અણનમ ઈનિંગ્સ રમી. જેમાં 9 ચોક્કા અને 2 સિક્સ ફટકારી. આ શાનદાર ઈનિંગ્સ દરમિયાન ધવને ચેન્નઈ સામે આઈપીએલ કારકિર્દીમાં 1000 રન પણ પૂરા કરી લીધા. ચેન્નઈ સામે  આ પહેલાં કોઈપણ બેટ્સમેન આ સિદ્ધિ હાંસલ કરી શક્યું નથી. સાથે જ ધવન 200મી આઈપીએલ મેચમાં આટલો મોટો સ્કોર બનાવનાર બેટ્સમેન બની ગયો છે. આ પહેલાં રોહિત શર્માએ પોતાની 200મી આઈપીએલ મેચમાં 68 રન બનાવ્યા હતા.

ધવનના ટી-20 ક્રિકેટમાં 9000 રન પૂરા:
ચેન્નઈ સામે શાનદાર રમત બતાવીને શિખર ધવને ટી-20 ક્રિકેટમાં પોતાના 9000 રન પૂરા કરી લીધા. ધવનની પહેલાં ભારતીય બેટ્સમેનોમાં વિરાટ કોહલી અને શિખર ધવન જ આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે. વિરાટ કોહલી અને રોહિત શર્માના નામે ટી-20 ક્રિકેટમાં 10,000 રન છે.

કયા-કયા ખેલાડીઓ 200 કે તેથી વધારે મેચ રમ્યા:
1.
મહેન્દ્ર સિંહ ધોની - 228 મેચ

2. દિનેશ કાર્તિક - 221 મેચ

3. રોહિત શર્મા - 221 મેચ

4. વિરાટ કોહલી - 215 મેચ

5. રવીન્દ્ર જાડેજા - 208 મેચ

6. સુરેશ રૈના - 205 મેચ

7. રોબિન ઉથપ્પા - 201 મેચ

8. શિખર ધવન - 200 મેચ