• Home
  • News
  • હોસ્પિટલમાંથી રજા મળતા સંજય રાઉત બોલ્યા - અબ ડરના મના હૈ
post

મહારાષ્ટ્રમાં સત્તા માટે ચાલી રહેલા સંગ્રામ વચ્ચે શિવસેનાના વરિષ્ઠ નેતા સંજય રાઉતના એક નિવેદનથી મહારાષ્ટ્રનું રાજકારણ ફરી ગરમાયું છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-11-14 11:15:21

મુંબઈ : મહારાષ્ટ્રમાં સત્તા માટે ચાલી રહેલા સંગ્રામ વચ્ચે શિવસેનાના વરિષ્ઠ નેતા સંજય રાઉતના એક નિવેદનથી મહારાષ્ટ્રનું રાજકારણ ફરી ગરમાયું છે. ગુરુવારે સંજય રાઉતે ટ્વિટ કરીને કહ્યુ કે, હવે હારવા અને ડરવાની મનાઈ છે. સાથે તેમણે લખ્યું કે, જ્યારે સ્વીકાર કરો કે સંઘર્ષ ત્યાગી દો ત્યારે હાર થાય છે, પરંતુ મન મક્કમ હોય ત્યારે જીત મળે છે.

આ પહેલા હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ સંજય રાઉતે નિવેદનમાં કહ્યુ હતુ કે, કોઈ પણ પરિસ્થિતિમાં મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી શિવસેના પાર્ટીનો જ હશે. સંજય રાઉત છેલ્લા બે દિવસથી મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ હતા. છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ તેમને સોમવારે સાંજે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.સંજય રાઉતની હાલતમાં સુધારો થયા બાદ બુધવારે સાંજે તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. બહાર આવતા જ તેમણે ફરીથી કહ્યુ હતુ કે કંઈ પણ થાય પરંતુ મુખ્યમંત્રી તો શિવસેનાનો જ બનશે. તેમણે કહ્યુ કે જે થયું તે બરાબર ન હતુ પરંતુ હવે આગળની રણનીતિ પર ચર્ચા કરવામાં આવશે.

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલ વચ્ચે મંગળવારે સાંજે થયેલી બેઠકની વાતને સંજય રાઉતે નકારી દીધી હતી. તેમણે બુધવારે ટ્વિટ કરીને કહ્યુ હતુ કે, મીડિયામાં સમાચાર આવ્યા છે કે શિવસેના પ્રમુખ અને અહેમદ પટેલ વચ્ચે બેઠક થઈ છે. હું ઉદ્ધવ ઠાકરે તરફથી વાત સ્પષ્ટ કરી દેવા માંગુ છું કે આવી કોઈ બેઠક થઈ નથી. કૉંગ્રેસ અને એનસીપી સાથે અમારી વાતચીત ચાલી રહી છે.મહારાષ્ટ્રમાં ચૂંટણી પરિણામના 20 દિવસ પછી પણ સરકાર ન બનતા મંગળવારે રાજ્યપાલે રાષ્ટ્રપતિ શાસન લગાવવાની ભલામણ કરી હતી. બીજેપી અને શિવસેના વચ્ચે મુખ્યમંત્રી પદને લઈને કોઈ સમાધાન ન આવતા મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાનું કોકડું ગૂંચવાયું છે. શિવસેનાએ આક્ષેપ લગાવ્યો છે કે બીજેપીએ ચૂંટણી પહેલા આપેલું વચન પૂર્ણ નથી કર્યું.