• Home
  • News
  • કોરોના ઈફેક્ટ:નવરાત્રી ન થવાની હોવાથી પાર્ટીપ્લોટ, સાઉન્ડ-લાઇટ, કેટરિંગ, સિક્યુરિટીના ધંધાને રૂ. 50 કરોડનું નુકસાન
post

250થી વધુ પાર્ટી પ્લોટમાંથી 50થી 60 એવા છે જ્યાં મોટા ગરબાનાં આયોજન થાય છે, બુકિંગ ન થતાં 30થી 40 કરોડનું નુકસાન

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-13 11:47:56

કોરોનાના કારણે રાજ્ય સરકારે ગરબા પર પ્રતિબંધ મૂક્યો છે ત્યારે નવરાત્રી સાથે સંકળાયેલા વેપારને 9 દિવસમાં અંદાજે 40થી 50 કરોડનું નુકસાન અને 20 હજારથી વધુ લોકોની રોજગારી જવાનો અંદાજ વેપારીઓએ વ્યક્ત કર્યો છે. ગરબાનું બુકિંગ નહીં થવાને કારણે સૌથી વધુ નુકસાન પાર્ટીપ્લોટ માલિકોને 30થી 40 કરોડનું થવાનો અંદાજ છે. શહેરમાં નાના-મોટા મળી 300થી વધુ પાર્ટી પ્લોટ છે.

નવરાત્રી દરમિયાન 60થી 70 જેટલા પાર્ટી પ્લોટમાં ગરબાનાં આયોજન દર વર્ષે થાય છે. પ્રત્યેક પાર્ટી પ્લોટનું ભાડું નવરાત્રી દરમિયાન ડેકોરેશન સાથે અંદાજે 15થી 40 લાખ સુધીનું હોય છે. ગરબા સ્થળોએ ફૂડ કોર્ટ પણ રાખવામાં આવે છે જેથી કેટરિંગના ધંધાને 5 કરોડનું નુકસાન થવાનો અંદાજ છે. સાઉન્ડ એન્ડ લાઇટિંગના ધંધાને પણ 4થી 5 કરોડનું નુકસાન થશે જ્યારે સિક્યોરિટી અને ઓર્કેસ્ટ્રાને પણ 2થી 2.50 કરોડનું નુકસાનનો અંદાજ વ્યક્ત કર્યો છે.

2500થી 3000 લોકોને રોજગારીનો પ્રશ્ન ઊભો થયો
પાર્ટી પ્લોટ એસોસિએશનના પ્રમુખ પ્રવીણભાઈ પ્રજાપતિએ દિવ્ય ભાસ્કરસાથેની વાતચીતમાં કહ્યું કે નવરાત્રીમાં નાના-મોટા 50થી 60 પાર્ટી પ્લોટમાં ગરબાનાં આયોજન કરવામાં આવતાં હોય છે. એક પાર્ટી પ્લોટમાં અંદાજે 40થી 50 લોકોને નવરાત્રી દરમિયાન રોજગારી મળતી હોય છે. આ અંદાજ મુજબ આશરે 2500થી 3 હજાર લોકોની રોજગારીનો પણ પ્રશ્ન ઊભો થયો છે.

કેટરિંગના વ્યવસાયને 4થી 5 કરોડનો ફટકો પડશે
કોરોનાને લીધે કેટરિંગનો ધંધો ઠપ થયો છે ત્યારે પડતાં પર પાટું પડ્યું હોય તેમ ગરબા નહીં થવાને કારણે નવરાત્રીના 9 દિવસ દરમિયાન કેટરિંગના વ્યવસાયને 4થી 5 કરોડનું નુકસાન થવાની ભીતિ કેટરિંગ એસોસિએશનના ચેરમેન નરેન્દ્ર પુરોહિતે વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, કેટરિંગ બંધ રહેવાથી લેબર, રસોઇયા તથા અન્ય છૂટક કામ કરનારા અંદાજે 5 હજાર લોકોની રોજગારી છીનવાઈ છે.

સાઉન્ડ-લાઇટિંગના ધંધાને 5 કરોડથી વધુનું નુકસાન
ઇલેક્ટ્રોનિક એસોસિએશનના પ્રમુખ મેઘરાજ દૂધવાણીએ દિવ્ય ભાસ્કરસાથેની વાતચીતમાં કહ્યું કે, નવરાત્રીમાં એક પાર્ટી પ્લોટમાં અંદાજે સાઉન્ડ સિસ્ટમ પાછળ 3 લાખ રૂપિયાનો ખર્ચો હોય છે જ્યારે લાઇટિંગ પાછળ 6 લાખ સુધીની રકમ ખર્ચાતી હોય છે. અંદાજે 50થી 60 માણસો આ કામગીરીમાં જોડાયેલા હોય છે. અમારા વ્યવસાયની અંદાજે 4 થી 5 કરોડનું નુકસાન છે.

બેન્ડ-ઓર્કેસ્ટ્રાના કલાકારો રઝળ્યા, 1.5 કરોડનું નુકસાન
નાના-મોટા ગરબા સાથે સંકળાયેલા સંખ્યા બંધ કલાકારોની હાલત પણ દયનિય બની છે. મુખ્યમંત્રી સુધી પણ રજૂઆત કરવામાં આવી છે. નવરાત્રી નહીં થવાના કારણે બેન્ડ અને ઓર્કેસ્ટ્રાના વ્યવસાયને પણ 1.5 કરોડનું નુકસાન થવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. આ ધંધા સાથે સંકળાયેલા લોકોની પણ રોજગારીને અસર પડી છે. પાર્ટી પ્લોટમાં નાના-મોટા કલાકારોને પર્ફોમન્સ યાેજાતા હોય છે.

700 બાઉન્સરો, 400 ગાર્ડને કામ નહીં મળે
રેડફોક્સ સિક્યોરિટીના રાજ શેખાવતે જણાવ્યું હતું કે, આ વર્ષે ગરબા બંધ રહેવાને કારણે બાઉન્સરો પણ રોજગારી વિનાના થઈ ગયા છે. નવરાત્રી દરમિયાન અમદાવાદમાં 500 જેટલા બાઉન્સરોને વિવિધ ગરબાના આયોજકો રાખતા હોય છે જ્યારે 200 જેટલા બાઉન્સરો અમદાવાદની બહાર અન્ય શહેરમાં બાઉન્સિંગ માટે જતા હોય છે. જ્યારે 400 જેટલા ગાર્ડને પણ આ 9 દિવસમાં નોકરી મળતી હોય છે. કુલ 700 રોકોને રોજના અંદાજે 10 લાખ મુજબ 90થી 1 કરોડનું નુકસાન છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post