• Home
  • News
  • પાપી પિતા પુત્રીને છાતીએ લગાવી ફેંકવા નીકળ્યો:રાજકોટમાં સાવકો બાપ પેટનો ખાડો પૂરી ન શકતાં અઢી વર્ષની પુત્રીને મોતને ઘાટ ઉતારી, ફેંકવા જતા સમયે CCTVમાં કેદ
post

અમિત વતન યુપી પહોંચે એ પહેલાં ગાંધીનગરથી ઝડપી લીધો

Written By newsonline | Ahmedabad | Published: 2023-01-09 18:45:06

રાજકોટ: શહેરની ભાગોળે કોઠારિયા રોડ પરના રસુલપરામાં રહેતી અઢી વર્ષની બાળકી અનન્યાએ કારખાનામાં કામ કરતી માતા પાસે જવાની શુક્રવારે બપોરે જીદ પકડી હતી, આથી લગ્નજીવનમાં પણ નડતરરૂપ થતી અને ભરણપોષણ કરવામાં અસમર્થ સાવકા પિતા અમિત ગોરે બાળકીને ફડાકા મારી ચૂપ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બાળકી રડવા લાગતાં સાવકો પિતા રાક્ષસ બન્યો હતો અને તેણે તેને વાળ પકડી ગળું દબાવ્યા બાદ દીવાલ સાથે અથડાવી મોતને ઘાટ ઉતારી દીધી હતી. બાદમાં દીકરીનો મૃતદેહ ગળે લગાડી ઝાડીમાં ફેંકી આવ્યો હતો. જોકે મૃતદેહ ફેંકવા જતો હતો એ દૃશ્યો સીસીટીવીમાં કેદ થયાં છે. બાદમાં ગાંધીનગરથી રાજકોટ એલસીબી ઝોન 1ની ટીમે આરોપી સાવકા પિતા અમિત ગોરની ધરપકડ કરી હતી.

પુત્રીને હોસ્પિટલમાં ખસેડી હોવાનું રટણ કર્યું
પુત્રીની હત્યા કર્યા બાદ અમિતે દીકરીને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડી હોવાનું પત્ની અને મકાનમાલિક સામે રટણ કરતો હતો. જોકે પકડાય જવાના ડરથી તે નાસી છૂટ્યો હતો. આરોપી અમિત અને તેની પત્નીના બીજા લગ્ન હોવાનું સામે આવ્યું છે. ભવિષ્યમાં થનાર બાળક અને તેમનું ભરણપોષણ ન કરી શકવાને કારણે તેમજ બાળકી પોતાની ન હોવાથી હત્યા કરી હોવાનું પોલીસની પૂછપરછમાં જણાવ્યું હતું. બાળકી પોતાની ન હોવાથી તેના પ્રત્યે સંવેદના કે લાગણી નહોતી.

ગઈકાલે ઝાડીમાંથી અનન્યાનો મૃતદેહ મળ્યો હતો
DCP ઝોન 1 સજનસિંહ પરમારે જણાવ્યું હતું કે ગઈકાલે 8 જાન્યુઆરીએ ગોંડલ ચોકડીથી આગળ વિમલ ટાયર પાસે ઝાડીમાંથી અઢી વર્ષની દીકરી અનન્યાનો મૃતદેહ મળ્યો હતો. તેના શરીર પર ઇજાનાં નિશાન જોતા તેની હત્યા થઈ હોવાનું જાણવા મળ્યું હતું, જેથી કરીને બાજુમાં જ રસુલપરા વિસ્તારમાં અમિત અને રૂક્મિણીની દીકરી અનન્યા ગુમ થઈ હોય એવી જાણ થઈ હતી, આથી અનન્યાની માતા રૂક્મિણી ઘટનાસ્થળે આવ્યાં હતાં અને તેણે કહ્યું હતું કે આ મારી જ દીકરી છે.

6 જાન્યુઆરીએ દીકરીને મોતને ઘાટ ઉતારી
સજનસિંહ પરમારે વધુમાં જણાવ્યું હતું કે આખી સ્ટોરી એવી છે કે 6 જાન્યુઆરીના રોજ અમિત ગોર જે ઉત્તરપ્રદેશનો છે તે આ દીકરીનો સાવકો પિતા થતો હતો. 6 જાન્યુઆરીએ અમિતની પત્ની અને દીકરીની માતા રૂક્મિણી કારખાનામાં કામે ગયાં હતાં, આથી ઘરે દીકરી અને તેનો સાવકો પિતા અમિત હતાં. અમિતે દીકરીનું માથું દીવાલ સાથે અથડાવી મારી નાખી હતી. બાદમાં તેના મકાનમાલિકને એવું કહ્યું કે હું ગોંડલ ચોકડી જતો હતો ત્યારે કાર સાથે અકસ્માત થતાં દીકરીને હોસ્પિટલે લઈ ગયો છું. ક્યારેક એવું કહેતો કે અપહરણ થઈ ગયું છે, જેથી કરીને મકાન માલિક સલિમભાઈ અમિતને 7 જાન્યુઆરીએ આજીડેમ પોલીસ સ્ટેશન લઈ આવ્યા હતા. બાદમાં આજીડેમ પોલીસ ગોંડલ ચોકડીએ સીસીટીવી ચેક કરતી હતી ત્યારે અમિત ત્યાંથી ભાગી ગયો હતો.

7 જાન્યુઆરીએ માતાએ ગુમ થયાની નોંધ કરાવી
સજનસિંહ પરમારે વધુમાં જણાવ્યું હતું કે બાદમાં મકાનમાલિકને શંકા ગઈ અને રૂક્મિણીને જાણ કરી કે તારો પતિ તો જતો રહ્યો છે. બાદમાં રૂક્મિણીએ 7 જાન્યુઆરીએ તાલુકા પોલીસ સ્ટેશનમાં દીકરી ગુમ થવાની નોંધ કરાવી હતી. ત્યાર બાદ 8 જાન્યુઆરીએ વહેલી સવારે દીકરીનો મૃતદેહ મળતાં રૂક્મિણીએ પોતાની પુત્રીનો મૃતદેહ હોવાનું જણાવ્યું હતું, આથી અમિતે જ અનન્યાની હત્યા કરી હોવાનું અમને લાગતાં તેની શોધખોળ હાથ ધરી હતી. બાદમાં હ્યુમન સોર્સથી જાણવા મળ્યું કે અમિત રાજકોટથી ભાગી અમદાવાદથી આગળ નીકળી ગયો છે, આથી એલસીબી ઝોન 1ની ટીમને એક્ટિવેટ કરી અમિતનું પગેરું મેળવી તેની ધરપકડ કરી હતી.

હત્યા પાછળ મુખ્ય કારણ ભરણપોષણ હોવાનું ખૂલ્યું
સજનસિંહ પરમારે વધુમાં જણાવ્યું હતું કે હત્યા કરવા પાછળનું મુખ્ય કારણ એ છે કે રૂક્મિણીનો આ અમિત બીજો પતિ છે અને અમિતને પણ રૂક્મિણી બીજી પત્ની છે. અમિત પોતે કાંઈ કામ કરતો નહોતો. રૂક્મિણી સલિમભાઈના કારખાનામાં કામે જતી હતી. આઠ મહિના પહેલાં જ અમિત સાથે લગ્ન કર્યા હતા. ચાર મહિના પહેલાં જ રાજકોટ આવ્યાં હતાં. ત્યારે અમિત રૂક્મિણીને વારંવાર કહેતો કે મારે તારું અને આ દીકરીનું પણ ભરણપોષણ કરવાનું છે. ભવિષ્યમાં બાળક આવે તેનું પણ ભરણપોષણ કરવાનું થશે, આથી આપણે ભરણપોષણ કેવી રીતે કરી શકીશું. આ કારણે જ અમિતે અનન્યાની હત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે.

અમિત વતન યુપી પહોંચે એ પહેલાં ગાંધીનગરથી ઝડપી લીધો
બાળકીના નાક અને માથામાંથી લોહી વહી ગયું હતું, તેને મોતને ઘાટ ઉતારવામાં આવી હોવાનું સ્પષ્ટ થયું હતું અને સાવકો પિતા અમિત ગોર લાપતા હોય એ શંકાના દાયરામાં આવ્યો હતો. ડીસીપી ઝોન-1 સજજ્નસિંહ પરમારની એલસીબી-1ના પીએસઆઇ બોરીસાગરે એ દિશામાં તપાસનાં ચક્રો ગતિમાન કર્યા હતા અને આરોપી ગાંધીનગર તરફ ભાગ્યાની માહિતી મળતાં પીએસઆઇ બોરીસાગર અને વિજેન્દ્રસિંહ સહિતની ટીમ તે તરફ રવાના થઇ હતી. આરોપી અમિત ગોર તેના વતન ભાગી જાય એ પહેલા ગાંધીનગર મહેસાણા રોડ પરથી તેને ઝડપી લઈ રાજકોટ લઇ આવ્યા હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post